For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'સલમાન ખાન' પર ખરેખર ગોળીબાર કે સહાનુભૂતિ માટે પબ્લિસિટી સ્ટંટ?

Updated: Apr 16th, 2024

'સલમાન ખાન' પર ખરેખર ગોળીબાર કે સહાનુભૂતિ માટે પબ્લિસિટી સ્ટંટ?

- સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સમાંથી એક ગુરગ્રામનો વિશાલ રાહુલ હોવાનું કહેવાય છે : તેની સામે હત્યાના બે સહિત કુલ પાંચ કેસ નોંધાયેલા છે

- અનમોલ બિશ્નોઈની પોસ્ટમાં દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને સલમાન ભગવાન માને છે એવો ઉલ્લેખ છે. અનમોલે પોતાના બે કૂતરાનાં નામ દાઉદ અને છોટા શકીલ રાખ્યાં હોવાનો દાવો પણ કર્યો છે. બિશ્નોઈ અને દાઉદ ગેંગ વચ્ચે અંદરખાને દુશ્મનાવટ ચાલતી હોય એ શક્ય છે. સલમાનને દાઉદ અને છોટા શકીલ સાથે સારાસારી છે એવી શંકાથી દાઉદ ગેંગને ચીમકી આપવા હુમલો કરાયો હોય એ પણ શક્ય છે. સલમાન ખાન ઈશ્કમિજાજી માણસ છે તેથી તેના કારણે પણ ગોળીબાર થયો હોઈ શકે છે. જર, જમીન ને જોરૂ એ ત્રણેય કજિયાનાં છોરૂ

સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની ઉપરાછાપરી નિષ્ફળ જઈ રહેલી ફિલ્મોના કારણે ચર્ચામાં રહેતો હતો પણ રવિવારે સીન થોડો બદલાયો. સલમાન મુંબઈના બાંદ્રામાં ગેલેક્સી એપોર્ટમેન્ટમાં રહે છે. રવિવારે વહેલી સવારે ૫ વાગ્યે બાઈક પર આવેલા બે બુકાનીધારીએ સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું અને પછી રફુચક્કર થઈ જતાં સલમાન તેના દુશ્મનોના કારણે ચર્ચામાં આવી ગયો છે.

સલમાનના ચિંતિત ચાહકોને સવાલ થઈ રહ્યો છે કે, ભાઈજાનને મારવા કોણ માગે છે ? કોઈ ભાઈજાનની ટિકિટ ફાડીને ઉપર પહોંચાડવા માગે છે ?

સલમાનને જેલમાં બંધ હરિયાણાના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી લાંબા સમયથી ધમકીઓ મળ્યા કરે છે. સલ્લુભાઈના ઘર પર ફાયરિંગ પછી લોરેન્સના ભાઈ અનમોલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી લીધી. અનમોલે ગોળીબારને ટ્રેલર ગણાવીને ધમકી આપી છે કે, હવે પછી ઘર પર ગોળીઓ નહીં ચલાવાય પણ સીધી સલમાન પર ચલાવાશે. આ છેલ્લી વાર્નિંગ છે અને અમારી તાકાતનાં પારખાં કરવાનું છોડી દો. 

અનમોલ બિશ્નોઈની ગોલ્ડી બ્રાર, રોહિતા ગોદારા અને કાલા જઠારી (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) નામે હિંદીમાં લખાયેલી પોસ્ટ પરથી એવું લાગે છે કે, અનમોલ બિશ્નોઈ પોતાને રાષ્ટ્રવાદી હિંદુ ગેંગસ્ટર તરીકે સ્થાપિત કરવા માગે છે. અનમોલની પોસ્ટની શરૂઆત જ ઓમ અને જય શ્રી રામથી થાય છે. એ પછી જય ગુરૂ જમ્ભેશ્વર અને જય ગુરૂ દયાનંદ સરસ્વતી લખીને જય ભારત લખ્યું છે. કોઈ ગેંગસ્ટર પોતાની પોસ્ટમાં ધાર્મિક લાગણીઓનું પ્રદર્શન શું કરવા કરે ? 

અનમોલ બિશ્નોઈ અત્યારે કેનેડામાં હોવાનું મનાય છે. ગયા વરસે થયેલી પંજાબના પોપ સિંગર અને કોંગ્રેસના નેતા સિધ્ધુ મૂસેવાલાની હત્યામાં અનમોલ સંડોવાયેલો હતો. પોલીસે અનમોલને ઝડપી લેવા માટે ધોંસ વધારતાં અનમોલ ભાગીને વિદેશ જતો રહેલો. ગયા વરસે અનમોલ પંજાબના જાણીતા ગાયકો કરન ઔજલા અને શેરી માન સાથે પાર્ટી કરતો હોય એવો વીડિયો બહાર આવ્યો પછી પંજાબ પોલીસે અમેરિકાને જાણ કરેલી પણ અનમોલ હાથ નહોતો લાગ્યો. અનમોલ કેનેડા ભાગી ગયો હોવાની શક્યતા છે. 

અનમોલ પણ તેના ભાઈની જેમ કુખ્યાત અપરાધી છે. અનમોલ સામે પાંચ હત્યા સહિત ૧૮ કેસ નોંધાયેલા છે. અનમોલ લાંબા સમય સુધી જોધપુર જેલમાં બંધ રહેલો. ૨૦૨૧ના ઓક્ટોબરમાં જામીન પર છૂટયા પછી એ ફરાર થઈ ગયો છે.

અનમોલની ધમકી પછી પોલીસે હુમલો લોરેન્સ બિશ્નોઈએ કરાવ્યો હોવાનું માનીને તપાસ શરૂ કરાવી છે. બિશ્નોઈ સમાજ માટે પવિત્ર મનાતા કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાન દોષિત ઠર્યો છે. લોરેન્સ બિશ્નોઈએ સલમાનને આ પાપ બદલ જોધપુર આવીને જાહેરમાં બિશ્નોઈ સમાજની મહાપંચાયત સામે માફી માગવા કહેવું પણ સલમાને તેની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલી. તેનાથી ગિન્નાયેલા લોરેન્સ બિશ્નોઈએ પહેલાં પણ સલમાનને ધમકી આપેલી તેથી પહેલી શંકા બિશ્નોઈ ગેંગ પર જ જાય.

પોલીસે સીસીટીવી તપાસ્યા તેમાં સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સમાંથી એક ગુરગ્રામનો વિશાલ રાહુલ હોવાનું કહેવાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના વિશાલ સામે હત્યાના બે સહિત કુલ પાંચ કેસ નોંધાયેલા છે. દસમા ધોરણ સુધી ભણેલા વિશાલે થોડા દિવસ પહેલાં ગુરગ્રામ પાસે ઢાબા પર પરિવાર સાથે જમવા બેઠેલા સ્ક્રેપ ડીલરને ગોળી મારીને પતાવી દીધેલો. તેના થોડા દિવસ પહેલાં રોહતરમાં એક બુકીની ગોળી મારીને હત્યા કરી નાંખેલી, બુકીની મા વચ્ચે પડી તો વિશાલે તેને પણ ગોળી મારી દીધેલી.

સીસીટીવીમાં વિશાલ દેખાતો હોવાનું કન્ફર્મ થતાં પોલીસ સૌથી પહેલાં બિશ્નોઈ ગેંગની સંડોવણીની તપાસ કરી રહી છે. પોલીસ ખોટી નથી પણ સલમાન ખાનના દુશ્મનોનો દાયરો લોરેન્સ બિશ્નોઈ ગેંગ પૂરતો મર્યાદિત નથી. અંડરવર્લ્ડ સાથે કનેક્શન, હીટ એન્ડ રન કેસમાં ત્રણ લોકોનાં મોત, ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં ફાંસીની સજા થઈ એ યાકુબ મેમણનો બચાવ સહિતના ઘણા વિવાદોમાં સલમાન ફસાયેલો છે. હીટ એન્ડ રનમાં સલમાન ખાન નિર્દોષ છૂટી ગયો તેથી માર્યા ગયેલાં લોકોનાં પરિવારજનોને તેની સામે આક્રોશ હોય જ. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાનની ત્રિપુટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુસ્લિમવાદને પોષે છે એવા આક્ષેપો પણ કટ્ટરવાદીઓ કર્યા કરે છે અને ધમકીઓ પણ આપે છે. સલમાને યાકુબ મેમણને ફાંસી અપાઈ ત્યારે કહેલું કે, એક નિર્દોષ માણસને ફાંસીએ લટકાવી દેવાયો છે, બાકી તમારામાં તાકાત હોય તો ટાઈગર મેમણને પકડી લાવો. સલમાનના આ નિવેદન પછી સલીમ ખાને માફી માગેલી પણ હિંદુવાદીઓ તેને દેશદ્રોહીઓનો હમદર્દ ગણાવે છે. આ બધાં કારણોસર સલમાનના ઘર પર હુમલા પાછળ બીજું કોઈ પણ હોઈ શકે છે. 

અનમોલ બિશ્નોઈએ મૂકેલી પોસ્ટમાં દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને સલમાન ભગવાન માને છે એવો ઉલ્લેખ છે. અનમોલે પોતાના બે કૂતરાનાં નામ દાઉદ અને છોટા શકીલ રાખ્યાં હોવાનો દાવો પણ કર્યો છે. બિશ્નોઈ અને દાઉદ ગેંગ વચ્ચે સીધી કોઈ દુશ્મનાવટ નથી પણ અંદરખાને દુશ્મનાવટ ચાલતી હોય એ શક્ય છે. સલમાનને દાઉદ અને છોટા શકીલ સાથે સારાસારી છે એવી શંકાથી દાઉદ ગેંગને ચીમકી આપવા હુમલો કરાયો હોય એ પણ શક્ય છે. સલમાન ખાન ઈશ્કમિજાજી માણસ છે તેથી તેના કારણે પણ ગોળીબાર થયો હોઈ શકે છે. જર, જમીન ને જોરૂ એ ત્રણેય કજિયાનાં છોરૂ. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સિવાય બીજેથી પણ છેલ્લાં બે વર્ષથી ધમકીઓ મળતી હતી.

એક બીજી પણ શક્યતા છે.

સેલિબ્રિટીઝ પબ્લિસિટી માટે કોઈ પણ હદે જતાં ખચકાતી નથી. સતત મળતી નિષ્ફળતાઓના કારણે સલમાનની હાલત પતલી છે. લાંબા સમયથી કોઈ ફિલ્મ ચાલી નથી તેથી સલમાનને બ્લોક બ્લસ્ટર હીટની જરૂર છે. સલમાનની સિકંદર, ધ બુલ, પ્રેમ કી શાદી સહિતની ફિલ્મો નજીકના ભવિષ્યમાં રીલીઝ થવાની શક્યતા છે. એ માટે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આ ખેલ કરાયો હોય એવી પણ શક્યતા નકારી ના શકાય.

કાળિયારના શિકારના કારણે બિશ્નોઈઓ માટે સલમાન વિલન

સલમાન ખાન સામે લોરેન્સને વાંધો છે એ કાળિયાર શિકાર કેસ ૧૯૯૮નો છે. રાજસ્થાનમાં ૧૯૯૮માં હમ સાથ સાથ હૈં  ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ, નીલમ અને સતિષ શાહ શિકાર કરવા ગયેલાં. આ ટોળીએ ૨૬ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન ગુંડા બિશ્નોઈ ગામ પાસે બે ચિંકારા તથા એક કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. કાળિયાર બિશ્નોઈ જાતિનાં લોકો માટે પવિત્ર મનાય છે તેથી સલમાન શિકાર કરીને ભાગતો હતો ત્યારે લોકોએ તેનો પીછો કરી પકડેલો પણ સલમાને બંદૂક દેખાડીને તેમને ભગાડી મૂકેલાં.

આ કેસમાં પહેલાં સલમાનને કંઈ ના થયું પણ બિશ્નોઈ જ્ઞાાતિનાં લોકોએ હોહા કરી પછી રાજકીય દબાણના કારણે કેસ થયેલો. આ ઘટનાના પાંચ દાડા પછી સલમાનને પકડીને જેલમાં ધકેલાયેલો પણ પૈસાના જોરે એ જામીન પર છૂટી ગયેલો. ૨૦૦૬માં પહેલા કેસનો ચુકાદો આવ્યો ને ચિંકારાની હત્યાના કેસમાં સલમાનને એક વર્ષની સજા થઈ. કળિયારના કેસમાં કોર્ટે ૨૦૦૬માં સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી. આ સજાના કારણે સલમાનને ઉઠાવીને જેલમાં નાંખી દેવાયેલો ને ત્રણ દાડા લગી જેલની હવા ખાધા પછી જામીન પર છૂટેલો. ૨૦૧૮માં કાળિયારનો શિકાર કરવાના કેસમાં સલમાનને જોધપુરની સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી પણ સલમાન જામીન પર છૂટેલો છે.

સલમાન જાણીતી હીરોઈનને દાઉદ ઈબ્રાહીમ પાસે લઈ ગયેલો

સલમાન ખાનના દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલ સાથે ગાઢ સંબંધો હોવાના આક્ષેપો લાંબા સમયથી થયા કરે છે. એક સમયે દાઉદ ઈબ્રાહીમના ખાસ માણસ એવા છોટા રાજને દાવો કરેલો કે, પોતે દાઉદ સાથે હતો ત્યારે સલમાન દાઉદને મળવા તેના ઘરે આવ્યો હતો અને સાથે જમ્યો હતો. 

સલમાનની સાથે એક હીરોઈન પણ આવી હતી. રાજને આ હીરોઈનનું નામ નહોતું આપ્યું. સલમાન દાઉદને પોતાનો મોટો ભાઈ ગણાવતો એવો પણ રાજનનો દાવો છે. સલમાને દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલનાં નાણાંનું ફિલ્મોમાં રોકાણ કરનારા ભરત શાહની ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકેમાં કામ કરેલું.

સલમાનનું ઐશ્વર્યા સાથેનું અફેર બહુ ચર્ચાસ્પદ બનેલું. મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બોમ્બ બ્લાસ્ટ પાછળ દાઉદ ઈબ્રાહીમનો હાથ હતો. સલમાને ઐશ્વર્યાને પોતે આ હુમલાના કાવતરા વિશે બધું જાણતો હતો એવું કહ્યાના દાવા પણ થાય છે. ઐશ્વર્યાને આ વાત સાંભળીને આઘાત લાગી ગયેલો અને તેણે સલમાન સાથેના અફેરનો અંત લાવી દીધેલો એવુ કહેવાય છે.

Gujarat