For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરનું કરાવીશું શુદ્ધિકરણ', દિગ્ગજ નેતાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન

Updated: May 10th, 2024

'કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરનું કરાવીશું શુદ્ધિકરણ', દિગ્ગજ નેતાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન

Nana Patole on Ram temple : મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રામ મંદિર, વડાપ્રધાન મોદી અને શંકરાચાર્ય અંગે ચોંકાવનારું નિવેદન આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અયોધ્યામાં રામ મંદિરનું શુદ્ધિકરણ કરાવીશું. તેમણે એમ પણ કહ્યું કે, ચારેય શંકરાચાર્યો રામ મંદિરને શુદ્ધ કરશે.

‘ચારેય શંકરાચાર્યો રામ મંદિરનું શુદ્ધિકરણ કરશે’

પટોલેએ દાવો કર્યો કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple) નિર્માણમાં પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું છે અને જો વિપક્ષી ગઠબંધનની સરકાર બનશે તો તેમાં ધર્મ મુજબ સુધારો કરીશું. શંકરાચાર્ય તેનો (પ્રાણ પ્રતિષ્ઠા) વિરોધ કર્યો હતો. ચારેય શંકરાચાર્યો રામ મંદિરનું શુદ્ધિકરણ કરશે. તે સ્થળે રામ દરબારની સ્થાપના કરાશે. ત્યાં ભગવાન રામની મૂર્તિ નથી, પરંતુ રામ લલાનું બાળરૂપ છે.’

‘ઈન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્રમાં 35 બેઠકો જીતશે’

નાના પટોલે વિશ્વાસ સાથે કહ્યું કે, ‘ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકો (Maharashtra Lok Sabha Election 2024)માંથી 35 બેઠકો જીતશે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે, રાજ્યમાં એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃવાળી મહાયુતિ ગઠબંધન તૂટી જશે.’ દરમિયાન લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 24 બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં પાંચ, બીજા તબક્કામાં આઠ અને ત્રીજા તબક્કામાં 11 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જ્યારે ચોથા તબક્કામાં 11 બેઠકો પર 13મી મેએ અને પાંચમાં તબક્કામાં 13 બેઠકો પર 20મી મેએ મતદાન યોજાશે.

જાન્યુઆરીમાં યોજાયો હતો ભગવાન રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામ લલાની મૂર્તિનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામ લલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, ત્યારબાદ રામ મંદિરના શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાયું હતું. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં ટોચના ખેલાડીઓ, હસ્તિઓ સહિત 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જોકે ચાર મુખ્ય હિન્દુ મઠના મુખ્ય શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવ્યા ન હતા. ચારમાંથી ત્રણ શંકરાચાર્યએ કહ્યું હતું કે, હિન્દુ ધર્મગ્રંથો મુજબ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી નથી. જોકે તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નહીં, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના વિરુદ્ધ હતા.

Gujarat