For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણીઓમાં મતદાનનો ડેટા જાહેર કરવામાં કેમ સમય લાગે છે? જાણો આ માટે ચૂંટણી પંચની સંપૂર્ણ પ્રક્રિયા

Updated: May 2nd, 2024

ચૂંટણીઓમાં મતદાનનો ડેટા જાહેર કરવામાં કેમ સમય લાગે છે? જાણો આ માટે ચૂંટણી પંચની સંપૂર્ણ પ્રક્રિયા
Image Twitter 

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના બે તબક્કાના મતદાનની ટકાવારી અને ડેટા શેર કરવામાં થયેલા વિલંબને લઈને જોરદાર રાજકારણ ખેલાઈ રહ્યું છે. સામાન્ય લોકોને સવાલ થાય છે કે, કોઈ પણ બેઠક પરના મતદાનના આંકડામાં બીજા દિવસ સુધી નાના-મોટા ફેરફાર કેમ થાય છે? આ વાતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આગામી ચૂંટણી તબક્કા માટે તેમની ટીમને વધુ સતર્ક કરી છે. જો કે, હજુ સુધી એ નક્કી કરાયું કે, આગામી તબક્કામાં મતદાનની સમયમર્યાદા પૂરી થયા પછી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા દ્વારા દેશને મતદાનના આંકડા વિશે વચગાળાની અથવા કામચલાઉ માહિતી આપશે કે નહીં.  વર્ષ 2014 સુધી આ પ્રથા ચાલુ રહી હતી, પરંતુ 2019 અને 2024માં થયેલા બે તબક્કામાં તેના પર અમલ થયો નથી.

ગત બુધવારે મળેલી ચૂંટણી પંચની બેઠકમાં એ પણ નિર્ણય કરાયો હતો કે, આગામી તબક્કામાં વોટિંગ ડેટા વેરિફિકેશન અને જાહેર કરવાની ઝડપ વધારવી જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મતદાનના ડેટા મેળવવાની પ્રક્રિયા નક્કી છે. તેના પાંચ તબક્કા છે. બૂથ, સેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (CEO) અને પછી કેન્દ્રીય ચૂંટણી પંચ. મતદાનના આંકડા એક નિશ્ચિત ફોર્મેટમાં મોકલવામાં આવે છે, જેને ફોર્મ 17C કહેવામાં આવે છે. ફોર્મમાં આપવામાં આવેલી નિશ્ચિત કૉલમમાં ડેટા ભરવામાં આવે છે અને તે નિશ્ચિત સમયના અંતરે મોકલવામાં આવતા હોય છે.

તમામ માહિતી ડેટા ફોર્મમાં ભરવામાં આવે છે

મતદાનના દિવસે બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે બૂથ ઈન્ચાર્જ, બપોરે એક વાગ્યે, અને પછી મતદાન પૂરૂ થયા પછી સામાન્ય રીતે સાંજે સાત વાગ્યા સુધીમાં બૂથ પરની મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા, કુલ પડેલા મત, પુરૂષ, સ્ત્રી અને ત્રીજી શ્રેણીના મતદારોના ડેટા ફોર્મ તેઓ તેને 17C માં ભરીને પોત- પોતાના સેક્ટરના ઈન્ચાર્જને આપવામાં આવે છે.

આ સાથે ફોર્મમાં મતદાન દરમિયાન બનેલી દરેક નાની-મોટી ઘટનાની વિગતો પણ નોંધવામાં આવતી હોય છે. ક્યારેક EVMમાં કોઈ ખરાબી થઈ હોય, કોઈ મતદાતાએ ફરિયાદ નોંધાવી હોય, ક્યાંક બોલાચાલી થઈ હોય, કોઈ કારણસર મતદાન અટક્યું હોય. આ દરેક પ્રકારની માહિતી આ ફોર્મમાં નોંધવામાં આવતી હોય છે. 

ચૂંટણી પંચને મોકલવામાં આવે છે ફાઈનલ ડેટા

અલગ-અલગ ક્ષેત્રોમાં ચકાસણી કર્યા પછી આ ડેટા જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે, રિટર્નિંગ ઓફિસર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી એટલે કે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના CEOની ઓફિસ સુધી પહોંચાડવામાં આવે છે. સીઈઓની ઓફિસમાં પણ નિષ્ણાતોની ટીમ દ્વારા તમામ ડિટેલ્સની ચકાસણી કરવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની ગડબડ કે માનવીય ભૂલને અવકાશ ન રહે. ત્યારબાદ ફાયનલ ડેટા ચૂંટણી પંચને મોકલી આપવામાં આવે છે. આ પ્રક્રિયા  બૂથ પર બપોરે એક વાગ્યે, ત્રણ વાગ્યે, પાંચ વાગ્યે અને છેલ્લે મતદાન પૂર્ણ થયા બાદ મોકલવામાં આવે છે.

આયોગ સુધી ડેટા પહોંચવામાં 36 કલાક લાગે છે

જો ક્યાંક મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહે અથવા કોઈ દૂરના સ્થળે બૂથ હોય તો, કેટલીકવાર બીજા દિવસે સવારે 7-8 વાગ્યા સુધીમાં ડેટા કલેક્શનનો રાઉન્ડ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં પંચના મુખ્યાલય સુધી મતદાન પૂર્ણ થયા પછી પણ ડેટા પહોંચવામાં 36 કલાક જેટલો સમય લાગી જાય છે.

જો કે, હાલમાં આ મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ પંચે સાવચેતીના પગલાં લીધા છે, અને આ પ્રક્રિયા પર અસરકારક, ઝડપથી અને સચોટ રીતે કામ કરવા માટે ચૂંટણી તંત્રને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આગામી પાંચ તબક્કામાં થનારા મતદાનમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે, કે ડેટા સમયસર મળી રહેશે, જેથી કોઈને ચૂંટણી પ્રક્રિયા અને તેમની પારદર્શિતા પર કોઈને આંગળી ઉઠાવવાની તક ન મળે.

Gujarat