For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું VVPATમાં માઈક્રો કન્ટ્રોલર છે?, સુપ્રીમ કોર્ટે ઈવીએમ મુદ્દે ચૂંટણી પંચને પૂછ્યા આ ચાર સવાલ

Updated: Apr 25th, 2024

શું VVPATમાં માઈક્રો કન્ટ્રોલર છે?, સુપ્રીમ કોર્ટે ઈવીએમ મુદ્દે ચૂંટણી પંચને પૂછ્યા આ ચાર સવાલ

Supreme Court On EVM: સુપ્રીમ કોર્ટમાં મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીનને લઈને ઇપીલ કરવામાં આવી છે. જેમાં EVM અને VVPAT સ્લિપ બન્નેને મેળવીને મત ગણતરી કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ચૂંટણીઓને કંટ્રોલ ન કરી શકીએ. EVM પર માત્ર શંકા છે અને માત્ર તેના આધાર પર અમે આદેશ ન આપી શકીએ. કોર્ટે તકનીક સાથે જોડાયેલા વધુ ચાર-પાંચ બિંદુઓ પર માહિતી લીધા બાદ બીજી વખત નિર્ણય રિઝર્વ રાખી લીધો છે. એટલે કે, હવે નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. આશા છે કે, ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા નિર્ણય આવી જાય. 

હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારના માત્ર પાંચ મતદાન કેન્દ્રોના EVM મતો અને VVPAT સ્લિપનો મેળવીને ગણતરી કરવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ફક્ત પાંચ રેન્ડમલી પસંદ કરેલ EVM ને ચકાસવાને બદલે તમામ EVM મતો અને VVPAT સ્લિપ્સની ગણતરીની માંગ કરતી અરજી પર ECIને નોટિસ પાઠવી હતી.

બુધવારે સુપ્રીમ કોર્ટે ઈવીએમની કાર્યપ્રણાલી સાથે સબંધિત ચાર-પાંચ સવાલો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યા હતા. કોર્ટે કહ્યું કે અમને વધુ માહિતી જોઈએ છે. કારણ કે અમને મામલાના મૂળ એટલે કે ઊંડાણ પૂર્વકની માહિતી જોઈએ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, અમે મોટાભાગે પૂછાતા સવાલોનું અધ્યયન કર્યું. અમને માત્ર ત્રણ-ચાર સ્પષ્ટતા જોઈએ છે. અમે તથ્યાત્મક રીતે ખોટા બનવા નથી માગતા પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી જ અમે સ્પષ્ટતા માગવા વિશે વિચાર્યું છે. અરજદારમાંથી એક તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પારદર્શિતા માટે EVMનો સોર્સ કોડનો પણ ખુલાસો કરવો જોઈએ. આના પર જસ્ટિસ ખન્નાએ જવાબ આપ્યો કે સોર્સ કોડનો ખુલાસો ક્યારેય ન કરવો જોઈએ. જો તેનો ખુલાસો થશે તો તેનો દુરુપયોગ થશે.

સુપ્રીમ કોર્ટે આ 4 સવાલો પર માગ્યા જવાબ

1. કંટ્રોલ યુનિટ અથવા VVPATમાં શું માઈક્રો કન્ટ્રોલર ઈન્સ્ટોલ છે?

2. શું માઈક્રો કન્ટ્રોલર એક જ વખત પ્રોગ્રામ કરવા યોગ્ય છે?

3. EVM કેટલા સિમ્બલ લોડિંગ યુનિટ્સ ઉપલબ્ધ છે?

4. ચૂંટણી અરજીઓની મર્યાદા 30 દિવસની છે અને એટલા માટે EVMમાં ડેટા 45 દિવસ માટે સંગ્રહિત કરવામાં આવે છે. પરંતુ એક્ટમાં તેને સુરક્ષિત રાખવાની મર્યાદા 45 દિવસ છે. શું સ્ટોરેજનો સમયગાળો વધારવો પડી શકે છે?

માઈક્રો કન્ટ્રોલર કંટ્રોલિંગ યુનિટમાં છે કે VVPATમાં?

જજે કહ્યું કે, અમને માત્ર સ્પષ્ટતા જોઈએ છે. માઈક્રો કન્ટ્રોલર કન્ટ્રોલિંગ યુનિટમાં ઈન્સ્ટોલ છે કે VVPAT માં? અત્યારે અમે એ જ ધારણા રાખીએ છીએ કે માઈક્રો કન્ટ્રોલર કંટ્રોલ યુનિટમાં છે. અમને જણાવવામાં આવ્યું હતું કે VVPATમાં ફ્લેશ મેમરી હોય છે. બીજી વસ્તુ જે અમે જાણવા માંગીએ છીએ તે એ કે માઈક્રોકન્ટ્રોલર ઈન્સ્ટોલ કરેલું છે કે નહીં. શું તે એક વખત પ્રોગ્રામ કરવા યોગ્ય છે? તેની પુષ્ટિ કરો. ત્રીજું કે, તમે સિમ્બલ લોડિંગ યુનિટ્સનો સંદર્ભ લો. તેમાંથી કેટલા ઉપલબ્ધ છે? ચોથી બાબત એ છે કે ચૂંટણી અરજી દાખલ કરવાની સમય મર્યાદા તમારા પ્રમાણે 30 દિવસની છે અને આ રીતે સ્ટોરેજ અને રેકોર્ડ 45 દિવસ સુધી જાળવવામાં આવે છે. પરંતુ એક્ટ હેઠળ ચૂંટણી અરજી દાખલ કરવાની મહત્તમ મર્યાદા 45 દિવસ છે. તમારે તેને ઠીક કરવું પડશે. બીજી બાબત એ કે, શું કંટ્રોલ યુનિટ માત્ર સીલ કરવામાં આવ્યું છે કે VVPAT અલગ રાખવામાં આવ્યું છે? તે અંગે અમને થોડી સ્પષ્ટતા જોઈએ છે. 

ADR શું દલીલ આપી

અરજદારમાંથી એર ADRના વકીલ પ્રશાંત ભૂષણે દલીલ આપી કે, દરેક માઈક્રો કન્ટ્રોલરમાં ફ્લેશ મેમરી હોય છે. એવું કહેવું યોગ્ય નથી કે ફ્લેશ મેમરીમાં બીજો કોઈ પ્રોગ્રામ ફીડ ન કરી શકાય. આના પર ચૂંટણી પંચના અધિકારીએ કોર્ટને કહ્યું કે વોટિંગ યુનિટમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને એક VVPAT યુનિટ હોય છે. તમામ યુનિટમાં પોતાનું માઈક્રો કન્ટ્રોલર હોય છે. આ કન્ટ્રોલર સાથે છેડછાડ ન કરી શકાય. તમામ માઇક્રો કન્ટ્રોલરમાં માત્ર એક જ વાર પ્રોગ્રામ ફીડ કરી શકાય છે. ચૂંટણી ચિહ્નો અપલોડ કરવા માટે અમારી પાસે બે મેન્યુફેક્ચર છે. એક ECI છે અને બીજું ભારત ઈલેક્ટ્રોનિક્સ.

ચૂંટણી પંચે જણાવ્યું કે, તમામ EVM 45 દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે. ત્યારબાદ રજિસ્ટ્રાર, ઈલેક્શન કમિશનથી એ વાતની પુષ્ટિ કરવામાં આવે છે કે, ચૂંટણીને લઈને કોઈ અરજી દાખલ કરવામાં તો નથી આવી ને. જો અરજી દાખલ ન કરી હોય તો સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવે છે. જો કોઈ અરજી દાખલ કરવામાં આવે તો સ્ટ્રોંગ રૂમને સીલ રાખવામાં આવે છે.

જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, એટલા માટે જ અમે ચૂંટણી પંચને આ જ સવાલ પૂછ્યો હતો. ચૂંટણી પંચનું કહેવું છે કે ફ્લેશ મેમોરીમાં કો બીજો પ્રોગ્રામ ફીડ ન કરી શકાય. તેમનું કહેવું છે કે તેઓ ફ્લેશ મેમોરીમાં કોઈ પ્રોગ્રામ અપલોડ નથી કરતા પરંતુ ચૂંટણી ચિહ્નો અપલોડ કરે છે જે ઈમેજના રૂપમાં હોય છે. અમારે ટેકનિકલ બાબતોમાં કમિશન પર વિશ્વાસ કરવો જ પડશે. પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, પરંતુ તેઓ ચૂંટણી ચિન્હ સાથે કોઈ ખોટો પ્રોગ્રામ તો અપલોડ કરી શકે છે. મને તે અંગે શંકા છે.

ચૂંટણી પંચના સ્પષ્ટીકરણ બાદ જવાબ સુરક્ષિત

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમારી દલીલ સમજી ગયા છીએ. અમે અમારા નિર્ણયમાં આ બાબતોને ધ્યાનમાં લઈશું. જસ્ટિસ દીપાંકર દત્તાએ પ્રશાંત ભૂષણને પૂછ્યું કે શું આપણે શંકાના આધારે કોઈ આદેશ આપી શકીએ? તમે જે રિપોર્ટ પર આધાર રાખી રહ્યા છો તેમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી હેકિંગની કોઈ ઘટના નથી બની. અમે કોઈ અન્ય બંધારણીય ઓથોરિટીને નિયંત્રિત ન કરી શકીએ. અમે ચૂંટણીને નિયંત્રિત નથી કરી શકતા. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં VVPATનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ આમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સ્લિપ મેળવવામાં આવે, આમાં 5% લખ્યું છે. હવે જોઈએ કે શું આ 5% ઉપરાંત કોઈ ઉમેદવાર કહે છે કે દુરુપયોગના મામાલા આવ્યા છે. ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.



Gujarat