For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત હીટવેવની આગાહી વચ્ચે શુક્રવારે મતદાન

Updated: Apr 24th, 2024

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર  પડઘમ શાંત હીટવેવની આગાહી વચ્ચે શુક્રવારે મતદાન

- 26 એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર ચૂંટણી

- કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર, તેજસ્વી સૂર્યા,  હેમા માલિની, અરૂણ ગોવિલ, રાહુલ ગાંધી, શશી થરુર, એચ ડી કુમારસ્વામીનું ભાવિ નક્કી થશે

- શુક્રવારે જે 89 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે તે પૈકી 2019માં એનડીએએ 56 અને યુપીએએ 24 બેઠકો જીતી હતી

નવી દિલ્હી : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન થવાનું હોવાથી આજે સાંજે આ બેઠકો પર પ્રચાર સમાપ્ત થઇ ગયો હતો.

સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ગયા શુક્રવારે ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૬૫.૫ ટકા મતદાન થયું હતું.

૨૬ એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની તમામ ૨૦ બેઠકો, કર્ણાટકની ૨૮માંથી ૧૪ બેઠકો, રાજસ્થાનની ૧૩ બેઠકો, મહારાષ્ટ્રની ૮ બેઠકો, ઉત્તર  પ્રદેશની ૮ બેઠકો, મધ્ય પ્રદેશની ૭ બેઠકો, આસામની ૫ બેઠકો, બિહારની ૫ બેઠકો, છત્તીસગઢની ૩ બેઠકો, પશ્ચિમ બંગાળની ૩ બેઠકો, મણિપુરની એક, ત્રિપુરાની એક તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.

૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં જે અગ્રણી નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે તેમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક),  હેમા માલિની (ઉત્તર પ્રદેશ), અરૂણ ગોવિલ (ઉત્તર પ્રદેશ), રાહુલ ગાંધી (વાયનાડ), શશી થરુર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી કે શિવકુમારના ભાઇ ડી કે સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામી (જેડીએસ)નો સમાવેશ થાય છે.

શુક્રવારની ચૂંટણી પછી કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાની તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થઇ જશે. 

આ અગાઉ ૧૯ એપ્રિલે યોજાયેલી પ્રથમ તબક્કાની ચૂંટણી પછી તમિલનાડુ (૩૯ બેઠકો), ઉત્તરાખંડ (૫ બેઠકો), અરૂણાચલ પ્રદેશ (૨ બેઠકો), મેઘાલય (૨ બેઠકો), આંદામાન અને નિકોબાર (૧ બેઠક), મિઝોરમ (૧ બેઠક), નાગાલેન્ડ (૧ બેઠક), પુડુચેરી (૧ બેઠક), સિક્કિમ (૧ બેઠક), લક્ષદ્વીપ (૧ બેઠક)ની તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થઇ ગયું હતું.બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે જે ૮૯ બેઠકો માટે મતદાન થવાનું છે તે પૈકી ૨૦૧૯માં એનડીએએ ૫૬ અને યુપીએએ ૨૪ બેઠકો જીતી હતી. ત્રીજા તબક્કા હેઠળ સાત મેના રોજ ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૪ બેઠકો પર મતદાન યોજાશે.

Gujarat