For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી...’, ઈડીએ કર્યો કેજરીવાલની જમાનત અરજીનો વિરોધ

Updated: May 9th, 2024

‘ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી...’, ઈડીએ કર્યો કેજરીવાલની જમાનત અરજીનો વિરોધ

Arvind Kejriwal Bail Case : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam) સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને વચગાળાના જામીન આપવા મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુનાવણી થવાની છે. જોકે તેના એક દિવસ પહેલા એટલે કે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.

વચગાળાના જામીન માટે કાલે સુનાવણી

દિલ્હીમાં દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહેલી બેંચની અધ્યક્ષતા કરનારા ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, ‘વચગાળાના જામીન મુદ્દે અમે શુક્રવારે નિર્ણય સંભળાવીશું. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર પણ આ જ દિવસે નિર્ણય કરવામાં આવશે.’

‘કેજરીવાલને વચગાળાના જામીન મળશે તો...’

સુપ્રીમ કોર્ટ કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરે તેના એક દિવસ પહેલા ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર ભાનુ પ્રિયાએ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે. ભાનુ પ્રિયાએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી કેજરીવાલને ચૂંટણી પ્રચારના આધારે વચગાળાના જામીન આપવાથી અન્ય બેઈમાન રાજકીય નેતાઓ પણ ગુના કરવા તેમજ ચૂંટણીના બહાને તપાસથી બચવાનો પ્રયાસ કરશે. આમ કરવાથી એક ખોટો સંદેશ ફેલાશે.’

ચૂંટણી પ્રચાર કરવો મૌલિક અધિકારી નથી : ઈડી

ઈડીએ કહ્યું કે, ‘ચૂંટણી પ્રચાર કરવો તે મૌલિક, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી. અત્યાર સુધીમાં લગભગ 123 ચૂંટણીઓ યોજાઈ છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી છીએ. જો ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન અપાશે તો કોઈપણ રાજકીય નેતાની ધરપકડ કરી શકાશે નહીં અને તેઓને ન્યાયીક કસ્ટડીમાં રાખી શકાશે નહીં, કારણ કે આખું વર્ષ ચૂંટણીઓ યોજાય છે.’

વચગાળાના જામીન આપવાથી ખોટો સંદેશ ફેલાશે

ઉલ્લેખનીય છે કે, ઈડી પહેલેથી જ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે, તેમને વચગાળાના જામીન આપવાથી ખોટો સંદેશ ફેલાશે. શું એક રાજકીય નેતાને સામાન્ય માણસની તુલનાએ સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપી શકાય છે? આવા 5000 પ્રોસિક્યુશન છે, જો આ બધા ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન માંગશે તો શું થશે?

કોર્ટે અગાઉ કહ્યું હતું કે, ‘કેજરીવાલ CM છે, ગુનેગાર નહીં’

આ કેસમાં આઠમી મેએ સુનાવણી દરમિયાન ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેઓ રીઢા ગુનેગાર નથી. તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમને વચગાળાના જામીન આપવા અંગે વિચારણા કરી શકાય છે. જોકે, બેન્ચે ઉમેર્યું કે, કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવે તો તેમને મુખ્યમંત્રી તરીકેની ફરજોનું પાલન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, કારણ કે તેનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ દરમિયાન ઈડીએ એમ કહીને વચગાળા જામીનનો વિરોધ કર્યો હતો કે, નેતાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં. કેજરીવાલને જામીનનો પૂરજોર વિરોધ કરતા ઈડીએ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીને જામીન આપવામાં આવશે તો ખોટું ઉદાહરણ સ્થાપિત થશે. દરેક આરોપીઓ જામીન માગવા લાગશે.

કેજરીવાલ, સિસોદિયા, કવિતાની કસ્ટડી લંબાવાઈ

દિલ્હીમાં રદ કરી દેવાયેલી નવી દારૂ નીતિના કથિત કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે (8મી મે) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના પક્ષ આમ આદમી પાર્ટીના સાથી નેતા મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. સીબીઆઈ અને ઈડી બાબતોની કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કથિત કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની કસ્ટડી 20મે સુધી લંબાવી છે. વધુમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ન્યાયાધીશે મનીષ સિસોદિયાના જામીન 15 મે સુધી લંબાવ્યા છે. દરમિયાન મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાના જામીન 14 મે સુધી લંબાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

Gujarat