For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સાથે લાલુ યાદવે કરી નાંખ્યો 'ખેલ', આશાઓ પર ફર્યું પાણી

Updated: Mar 29th, 2024

Article Content Image

Image Source: Twitter

લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. RJD, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટ શેરિંગ પર સહમતિ બની છે. સૌથી વધુ બેઠકો પર લાલુ યાદવની પાર્ટી RJD ચૂંટણી લડશે. જોકે, પપ્પુ યાદવનો મોટો ઝટકો લાગ્યો છે. RJDના ભાગમાં પૂર્ણિયા બેઠક આવી છે. RJDએ પહેલા જ બીમા ભારતીને પોતાની ઉમેદવાર જાહેર કરી દીધી હતી. કન્હૈયા કુમારને પણ ઝટકો લાગ્યો છે. બેગૂસરાય બેઠક સીપીઆઈના હિસ્સામાં આવી છે. 

બિહારમાં કુલ 40 બેઠકો છે. સીટ વહેંચણીમાં RJDને 26, કોંગ્રેસ 9 અને લેફ્ટને 5 બેઠકો મળી છે. 

એટલપું જ નહીં RJDના ખાતામાં એ ત્રણ બેઠકો પણ આવી છે જ્યાંથી પહેલા એક સમયે પપ્પુ યાદવ અથવા તેમની પત્ની ચૂંટણી લડ્યા હતા. આ બેઠકોમાં સુપૌલ, મધેપુરા અને પૂર્ણિયાના નામ સામેલ છે. આ ત્રણેય સીટો આરજેડીના પાસે ગઈ છે. પપ્પુ યાદવ એક વખત ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. જેમાં તેઓ ત્રણ વખત પૂર્ણિયા અને બે વખત મધેપુરા સીટનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. જ્યારે પપ્પુ યાદવની પત્ની રંજીતા રંજન સુપૌલથી સાંસદ રહી ચુક્યા છે. હાલમાં તેઓ કોંગ્રેસથી રાજ્યસભાના સાંસદ છે.

RJD આ બેઠકો પર લડશે ચૂંટણી

RJD જે 26 બેઠકો પર લોકસભા ચૂંટણી લડશે તેમાં ગયા, નવાદા, જહાનાબાદ, ઔરંગાબાદ, બક્સર, પાટલિપુત્ર, મુંગેર, જમુઈ, બાંકા, વાલ્મીકી નગર, પૂર્વી ચંપારણ, શિવહર, સીતામઢી, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, ઉજિયારપુર, દરભંગા, મધુબની, ઝંઝારપુર, સુપૌલ, મધેપુર, પૂર્ણિયા, અરરિયા, હાજીપુરનું નામ સામેલ છે.

કોંગ્રેસને 9 બેઠકો મળી, બેગૂસરાય સીપીઆઈના ફાળે ગઈ

કોંગ્રેસને કટિહાર, બેતિયા, કિશનગંજ, મુઝફ્ફરપુર, ભાગલપુર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારણ, પટના સાહિબ, સાસારામ, મહારાજગંજ બેઠકો મળી છે.

સીપીઆઈ-એમએલને આરા, કારાકટ, નાલંદા, સીપીઆઈને બેગુસરાય, સીપીએમને ખાગરિયા બેઠક મળી છે.

બેગૂસરાયથી નહીં લડી શકશે કન્હૈયા કુમાર?

2019ની ચૂંટણી કન્હૈયા કુમાર સીપીઆઈની ટિકીટ પર લડ્યા હતા. બેગુસરાયમાં તેમની સામે બીજેપીથી ગિરિરાજ સિંહ હતા. જો કે આ ચૂંટણીમાં કન્હૈયાએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. સીટ વહેંચણીમાં ફરી એક વખત આ સીટ સીપીઆઈના ફાળે ગઈ છે. 

બીજી તરફ પૂર્ણિયા બેઠક પરથી દાવેદારી કરી રહેલા પપ્પુ યાદવ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે સીટ શેરિંગના એલાન પહેલા જ X પર પોસ્ટ કરી હતી અને લખ્યું કે, સીમાંચલ કોસી જીતીને દેશમાં કોંગ્રેસની સરકાર બનાવશે. પૂર્ણિયામાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીશું. 

બિહારની પૂર્ણિયા લોકસભા સીટને લઈને મહાગઠબંધનમાં તણાવ હતો. RJDએ અનેક સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા હતા. તેમાં ઘણી બેઠકો એવી હતી જેના પર કોંગ્રેસની નજર હતી. એટલે કે, ત્યાં કોંગ્રેસના નેતાઓ દાવેદારી કરી રહ્યા હતા. તેમાં ઔરંગાબાદ, બેગુસરાય, કટિહાર, સિવાન અને પૂર્ણિયા સીટોના ​​નામ સામેલ છે. RJDના ગઠબંધનના સંયુક્ત એલાન વિના જ પૂર્ણિયાથી પણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ઔરંગાબાદ બેઠક પર કોંગ્રેસ અને આરજેડીમાં તણાવ હતો. અહીં કોંગ્રેસ દાવેદારી કરી રહી હતી. જ્યારે RJDએ અહીંથી અભય કુશવાહાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

Gujarat