For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપ 'વોશિંગ મશીન' નહીં 'વોશિંગ લોન્ડ્રી' બની ગયું છે..' દિગ્ગજ નેતાના ગુજરાતથી શાબ્દિક પ્રહાર

Updated: Apr 29th, 2024

ભાજપ 'વોશિંગ મશીન' નહીં 'વોશિંગ લોન્ડ્રી' બની ગયું છે..' દિગ્ગજ નેતાના ગુજરાતથી શાબ્દિક પ્રહાર

Abhishek Manu Singhvi on BJP: અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ ભાજપને આડે હાથે લેતાં જણાવ્યું હતું કે, ભાજપ લોકતંત્રની મજાક બનાવી રહ્યુ છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે ખરીદ વેચાણ કરવામાં આવ્યું હતું. 

75 વર્ષમાં અનેક સરકાર આવી પરંતુ આ ભાજપ સરકાર જેવી કોઈ સરકાર આવી નથી. ઘણાં નેતાઓએ ભાજપમાં પ્રવેશ લીધા બાદ જાણે વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે એવું લાગે છે. ભાજપ વોશિંગ મશીન નહિ પરતું 'વોશિંગ લોન્ડ્રી છે. ભાજપ મની , મેન પાવર અને મશીનરીનો દુરુપયોગ કરી રહી છે.'

રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવીની પત્રકાર પરિષદ

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુરતમાં ભાજપે લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનું કામ કર્યું છે. મની, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ ભાજપ કરી રહી છે. ભાજપ સરકાર સંસ્થાઓને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. 

એટલુ જ નહીં, શામ, દામ, દંડ, ભેદ નીતિ અપનાવી રહી છે. જે અગાઉ ક્યારેય નથી થયું. બંધારણીય સંસ્થાઓને બનાવતા દસકો લાગે છે પણ તેની વિશ્વસનીયતા બનતા વર્ષો લાગે છે. ચૂંટણીમાં ઉમેદવારો અને ટેકેદારોને તોડવાનું કામ થાય છે. 10 વર્ષમાં ભાજપ સરકારે 'લોકશાહી હનનના માઈલસ્ટોન સ્થાપ્યા તે જાણવા જેવું છે. 

અભિષેક મનુ સિંઘવીએ કર્યા આક્ષેપો 

અભિષેક મનુ સિંઘવીએ આક્ષેપ કર્યાં કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 417 ઉમેદવારો પૈકી 116 ઉમેદવાર પક્ષપલટુ છે. એક ચતુર્થાંશ ઉમેદવારો પક્ષપલટો કર્યો છે. જેના પર ભાજપે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા તેમાંથી 23 નેતાઓ આજે ભાજપમાં છે. 116 પક્ષપલટુ નેતાઓ ભાજપમાં છે. 85 ટકા પક્ષપલટુ નેતાઓ 2014 પછી ભાજપમાં જોડાયા છે.

વિપક્ષના નેતાઓ પર જ કેન્દ્રીય એજન્સીઓ કેસ કરી રહી છે. નેતાઓને ડરાવવા માટે ભાજપે તેમની પેટર્ન રજિસ્ટર્ડ કરાવી દેવી જોઈએ, સાક્ષીઓને ડરાવી-ધમકાવીને નેતાઓ સામેના કેસ મજબૂત કરાય છે. 

સાક્ષીઓએ આપેલા સ્ટેટમેન્ટ બદલવા માટે સાક્ષીને દબાણ કરાય છે. મની, મેનપાવર, મશીનરી(સરકારી એજન્સીઓ)ના દુરુપયોગ થકી ભાજપ સરકારે કોકટેલ બનાવ્યું છે, બીજા તબ્બકાના મતદાન પછી ભાજપમાં ડરનો માહોલ છે. 

ભાજપ જ્ઞાતિ આધારિત ગણતરીથી કેમ ડરી રહ્યું છે!

આ ઉપરાંત ભાજપ જ્ઞાતિ આધારિત ગણતરીથી કેમ ડરી રહ્યું છે તે સમજાતું નથી તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યુ કે, ભાજપના જુમલા પત્રમાં ક્યાંય રોજગારી, ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ આપવા બાબતે કોઈ ઉલ્લેખ નથી. મહિલા સશક્તિકરણની વાત કરે છે પણ ચૂંટણી ઢંઢેરામાં કોઈ ઉલ્લેખ થયો નથી. આ ઉપરાંત ક્યાંય મણિપુર, લદાખનો ઉલ્લેખ નથી કરાયો નથી.

સુરતમાં ફોર્મ રદ થવાના મામલે કોંગ્રેસ ચૂંટણી પછી કાયદાકીય કાર્યવાહી કરશે

સુરત લોકસભા બેઠકમાં ભાજપ બિનહરીફ વિજેતા થયુ છે ત્યારે અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઓફિસર સિગ્નેચર નક્કી ના કરી શકે ફોરેન્સિક લેબમાં સહી સાચી છે કે ખોટી તે નક્કી થવું જોઈતું હતું. સુરત જીતવાનો વિશ્વાસ હતો તો ઈલેક્શનની જગ્યાએ સિલેક્શન કેમ કર્યું? સુરતના સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ ઈલેક્શન બાદ કાયદેસર કાર્યવાહી કરશે.

Article Content Image

Gujarat