For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ધીરજ, એકબીજા પ્રત્યે માન સારા લગ્ન જીવનનો પાયો..' દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટની અગત્યની ટિપ્પણી

Updated: May 4th, 2024

'ધીરજ, એકબીજા પ્રત્યે માન સારા લગ્ન જીવનનો પાયો..' દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટની અગત્યની ટિપ્પણી

- સુપ્રીમ કોર્ટે પતિ સામે દહેજ ઉત્પીડનની પત્નીની ફરિયાદ રદ કરી

- પતિ-પત્ની જ્યારે ઝઘડા કરીને છૂટા પડે છે ત્યારે એ નથી વિચારતા કે તેમના બાળકો પર શું અસર પડશે : સુપ્રીમ

- પતિ-પત્નીના વિવાદનો મામલો પોલીસ પાસે પહોંચે પછી સંબંધમાં સુધારાની જે શક્યતાઓ બચી હોય તે પણ નાશ પામે છે

- સામાન્ય વાતનો પહાડ બનાવીને પહેલો વિચાર પોલીસનો કરે છે, જાણે પોલીસ જ તમામ વિવાદનો ઉકેલ હોય 

નવી દિલ્હી : એક મહિલાએ પોતાના પતિ સામે કરેલા દહેજ ઉત્પીડનના કેસનો નિકાલ કરતી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ધીરજ, એકબીજા પ્રત્યે આદર કે માન સન્માન અને સમાયોજન એ સારા લગ્ન જીવનનો પાયો છે. ક્યારેક મહિલાના માતા પિતા કે સગા સંબંધીઓ એક સામાન્ય વાતનો પહાડ બનાવી દેતા હોય છે. જેને પગલે સંબંધનો સુધારવાના પ્રયાસ કરવાના બદલે તેમાં વધુ મુશ્કેલીઓ પેદા થતી હોય છે. 

ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે કહ્યું હતું કે સૌથી પહેલા મહિલા અને તેના પરિવારના મગજમાં આવે છે પોલીસ, જાણે પોલીસ દરેક સમસ્યાનું સમાધાન હોય તેમ પહેલા તેને જ યાદ કરતા હોય છે. પોલીસ પાસે મામલો પહોંચ્યા બાદ સંબંધોમાં સુધારાની જે શક્યતાઓ બચી હોય તે પણ પુરી થઇ જાય છે. કોઇ પણ સારા લગ્ન જીવન માટે જરૂરી છે ધીરજ, એકબીજાનું માન સન્માન જાળવવું. લગ્ન સંબંધોના વિવાદોમાં સૌથી વધુ અસર બાળકો પર થાય છે. પતિ અને પત્ની જ્યારે ઝઘડા કરીને છૂટા પડવાનું વિચારે છે ત્યારે એ કેમ નથી વિચારતા કે તેમના બાળકોનું શું થશે? છૂટાછેડાની પણ બાળકો પર અસર થતી હોય છે. 

પંજાબમાં એક પત્નીએ પોતાના પતિ સામે દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી હતી, જેની સામે પતિ દ્વારા પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી અને ફરિયાદ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટે આ માગણીને ફગાવી દેતા બાદમાં પતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પતિની દલીલોને માન્ય રાખી હતી અને દહેજ ઉત્પીડનની ફરિયાદ રદ કરી હતી. ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે લગ્ન થયાના થોડા જ સમય બાદ પતિ અને તેના માતા પિતા દ્વારા મારા પર એવા આરોપો લગાવવામાં આવ્યા કે હું પત્ની તરીકે નિષ્ફળ છું, બાદમાં મારી પાસે દહેજની માગણી કરવા લાગ્યા. લગ્ન સમયે મારા પરિવારે મોટો ખરચો કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે મહિલાની ફરિયાદ અને ચાર્જશીટને ધ્યાનમાં રાખીને નોંધ્યું હતું કે ફરિયાદમાં એવી કોઇ જ સ્પષ્ટતા નથી કે ગુનો ક્યારે થયો શું ગુનો કરવામાં આવ્યો તેનો પણ કોઇ ઉલ્લેખ નથી. પોલીસની તપાસ પણ કહે છે કે પતિના પરિવારના લોકો સામેના આરોપો રદ કરવાને લાયક છે. 

Gujarat