For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તરાખંડના જંગલોમાં કેમ વારંવાર ભયાનક આગ લાગે છે? જાણો, છેલ્લા પાંચમાં કેટલું નુકસાન થયું...

Updated: Apr 29th, 2024

ઉત્તરાખંડના જંગલોમાં કેમ વારંવાર ભયાનક આગ લાગે છે? જાણો, છેલ્લા પાંચમાં કેટલું નુકસાન થયું...

Nainital Forest Fires: ઉત્તરાખંડના નૈનિતાલના જંગલોમાં છેલ્લા ચાર દિવસથી આગ ફાટી નીકળી છે. 26મી એપ્રિલે આ આગ લાગી હતી, જે ફેલાઈને નૈનિતાલમાં હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ હતી. જે બાબતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું હતું. તેમજ રૂદ્રપ્રયાગના જંગલોમાં આગ લગાડવાની કોશિશ કરતા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં જંગલમાં આગના 31 નવા કેસ નોંધાયા હતા. 

ઉતરાખંડના જંગલોની આગ એટલી ગંભીર બની ગઈ છે કે ત્યાં એરફોર્સના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. તેમજ રવિવાર સુધીમાં આ ઘટનાના કારણે સાડા સાતસો હેક્ટરથી વધુ વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો હતો, જેથી એનડીઆરએફની 41 સભ્યોની ટીમને પણ ત્યાં મોકલવામાં આવી હતી. 

પૂર્વ વનમંત્રીએ આપ્યો ઉપાય 

હેલિકોપ્ટર તેમજ આટળી મોટી એનડીઆરએફની ટીમ હોવા છતાં પણ જંગલ બચાવવા કેમ નિષ્ફળ બની રહ્યા છે એ એક મોટો સવાલ છે. આ બાબતે પૂર્વ વનમંત્રી નવપ્રભાતે જણાવ્યું હતું કે જંગલની આગ ઓલાવવા માટે હેલિકોપ્ટર સક્ષમ નથી. જંગલની આગ ઓલવવા માટે માત્ર ફાયર લાઇન કાપી નાખવી કે ફાયર કંટ્રોલ બર્નિંગ જેવા બ્રિટિશ યુગના ઉપાયો જ કારગત નીવડી શકે છે. આ ઉપાયોને વનવિભાગે લગભગ ટાળ્યા જ છે. 

28 એપ્રિલે ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગની નાસા દ્વારા સેટેલાઇટ તસવીરો જાહેર કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં માર્ચ-એપ્રિલ 2023 અને 2024માં લાગેલી આગની સરખામણી કરીએ તો વર્ષ 2024માં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. 

શું છે આગનું લાગવાનું કારણ? 

ઉત્તરાખંડના જંગલોમાં પાઈનના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે. જેનો ઉપયોગ અંગ્રેજો કોલસો બનાવવા માટે કરતા હતા. આ વૃક્ષોની ઉપયોગિતા ખૂબ જ છે સાથે સાથે તે નુકસાન પણ વધુ પહોંચાડે છે. આ પાઈનના વૃક્ષોને સ્થાનિક ભાષામાં પીરુલ કહેવામાં આવે છે. આ ઝાડના પાનમાંથી લિસા નામનું પ્રવાહી નીકળે છે જે ઝાડના પાનમાં વધુ માત્રામાં હોય છે. આથી જ તે ઝડપથી આગ પકડી લે છે. 

વર્ષ 2023 કરતા આ વર્ષે બન્યા વધુ કિસ્સા 

વર્ષ 2023ના માર્ચ-એપ્રિલમાં અલમોડામાં 299, ચંપાવતમાં 120, ગઢવાલમાં 378 તેમજ નૈનિતાલમાં 207 આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી. જયારે માર્ચ-એપ્રિલ 2024ના વર્ષમાં અલમોડામાં 909, ચંપાવતમાં 1025, ગઢવાલમાં 742 તેમજ નૈનિતાલમાં વધીને 1524 થઈ ગઈ હતી. 

તેમજ જો મહિનાઓ પ્રમાણે ડેટા જોઈએ તો માર્ચ 2023માં 804 કિસ્સા તો માર્ચ 2024માં 585 જેટલા જંગલમાં આગ લાગવાની ઘટનાના કિસ્સા સામે આવ્યા હતા. તેમજ એપ્રિલ 2023માં 1046 ઘટના ઘટી હતી જયારે એપ્રિલ 2024માં 5710 જેટલી ઘટના નોંધાઈ હતી.  

ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની ઘટના વધુ કેમ ઘટે છે?

ખાસ કરીને ફેબ્રુઆરીથી જૂન મહિનામાં હવામાન શુષ્ક અને ગરમ હોવાથી આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડના જંગલોમાં આગની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. 

આ ઉપરાંત નૈનિતાલના જંગલોમાં સૂકા પાંદડા અને અન્ય જ્વલનશીલ પદાર્થો તીવ્ર ગરમી અને ભેજના અભાવના કારણે જલ્દી આગ પકડી લે છે.

આ સિવાય સ્થાનિકો કે પ્રવાસીઓની બેદરકારીના કારણે પણ આગ લાગતી હોય છે. જેમાં સ્થાનિકો સારી ગુણવત્તાનું ઘાસ ઉગાડવા, ગેરકાયદે વૃક્ષો કાપવા, ગેરકાયદેસર શિકાર કરવા માટે પણ જંગલોમાં આગ લગાડતા હોય છે. સૂકા પાંદડા પર વીજળી પડતા કે વીજ વાયરના ઘર્ષણ જેવા કુદરતી કારણોસર પણ જંગલોમાં આગ લગતી હોય છે. 

છેલ્લા 5 વર્ષમાં આગના કારણે જાનમાલને કેટલું નુકસાન થયું?

- 30 જૂન, 2019ના ડેટા મુજબ જંગલોમાં આગ લાગવાની 2158 જેટલી ઘટના ઘટી હતી. જેમાં 981.55 હેક્ટર જંગલ બળીને રાખ થઇ ગયા હતા. તેમજ 15 લોકો ઘાયલ તેમજ 1 વ્યક્તિ અને 6 વન્ય પ્રાણીઓના મોત પણ થયા હતા. આ ઉપરાંત વન વિભાગને રૂ. 55 લાખ 92 હજારનું નુકસાન થયું હતું. આ સાથે જ 7000 જેટલા વૃક્ષો અને છોડ પણ નાશ પામ્યા હતા.

- વર્ષ 2020માં 23 જૂન સુધીના ડેટા મુજબ જંગલમાં આગની 135 ઘટનાઓ બની હતી. જેના કારણે 172.69 હેક્ટર જંગલ જમીનને નુકસાન થયું હતું. આ ઘટનામાં 2 લોકોના મોત, 1 વ્યક્તિ ઘાયલ અને  કોઈ વન્યપ્રાણીના મૃત્યુ નોંધાયા ન હતા. પરંતુ આગ લાગવાના કારણે 4 લાખ 44 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. 

- 23 જુલાઈ, 2021ના ડેટા મુજબ 2813 ઘટનામાં 3944 હેક્ટર જંગલની જમીનને નુકસાન થયું હતું. જેમાં 8 લોકોના મોત, 3 લોકો ઘાયલ અને 29 વન્યજીવો મૃત્યુ પામ્યા હતા અને 24 વન્યજીવો ઘાયલ થયા હતા. આગના કારણે 1 કરોડ 6 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને 1 લાખ 20 હજાર વૃક્ષો ધરાશાયી થયા હતા.

- વર્ષ 2022માં પણ જંગલમાં આગ લાગવાની ઘટનાથી તબાહી મચી હતી. 6 ઓગસ્ટ સુધીના ડેટા મુજબ 2186 ઘટનાઓમાં, 3226 હેક્ટર જંગલની જમીન બળીને રાખ થઈ હતી. તેમજ આગ લાગવાની ઘટનામાં 7 લોકો ઘાયલ, 2 લોકોના મૃત્યુ અને 89 લાખ 25 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. તેમજ 39 હજાર વૃક્ષો અને છોડ બળીને રાખ થઈ ગયા હતા.

- 29 નવેમ્બર 2023ના ડેટા મુજબ જંગલમાં આગની 73 ઘટનાઓ બની હતી અને 933 હેક્ટર જમીન બળી ગઈ હતી. જેમાં 3 લોકો ઘાયલ અને 3 લોકોના મૃત્યુ થયા હતા. આગને કારણે 23 લાખ 97 હજાર રૂપિયાની આવકનું નુકસાન થયું હતું અને 15,000 વૃક્ષો અને છોડ નાશ પામ્યા હતા.

- વર્ષ 2024માં અત્યાર સુધીમાં 650થી વધુ ઘટનાઓમાં લગભગ 800 હેક્ટર જમીન બળી ગઈ છે. 2 લોકો ઘાયલ તો 1 વ્યક્તિનું મોત થયું છે. જો કે વન વિભાગે હજુ સુધી આ વાતને સમર્થન આપ્યું નથી.

Article Content Image

Gujarat