For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ગુજરાતમાં ભાજપ 7 બેઠક હારશે, 4 પર રસાકસી..', ક્ષત્રિય સમિતિના દાવાથી ભાજપ ટેન્શનમાં!

Updated: May 8th, 2024

'ગુજરાતમાં ભાજપ 7 બેઠક હારશે, 4 પર રસાકસી..', ક્ષત્રિય સમિતિના દાવાથી ભાજપ ટેન્શનમાં!

Lok Sabha Elections 2024 | ગુજરાતમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. જયારે ચાર બેઠકો પર ભારે રસાકસી છે. ખુદ ભાજપ માને છે કે, ક્ષત્રિય આંદોલનને કારણે નુકશાન વેઠવું પડે તેમ છે. 

ક્ષત્રિય આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપ 7 જેટલી બેઠકો પર પરાજયનો સ્વાદ ચાખી શકે તેમ છે. જ્યારે તેમાં 4 બેઠકો એવી છે જ્યાં ભારે રસાકસીની સ્થિતિ છે. ભાજપને ગુજરાતની સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અને ભરૂચ બેઠક પર જીતવું અઘરું છે. જ્યારે જૂનાગઢ, આણંદ, વલસાડ અને અમરેલી બેઠક પર રસાકસી જોવા મળી શકે છે.  ઉલ્લેખનીય છે કે મતદાનના દિવસે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં, ક્ષત્રિયો કેસરી સાફામાં સજ્જ થઇને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતાં જયારે ક્ષત્રિય મહિલાઓ પણ કેસરી સાડી પહેરીને મતદાન કરવા પહોંચી હતી. 

Article Content Image

મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો કે,ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં 80 ટકાથી વધુ મતદાન થયું છે. નિરસ મતદાનને કારણે ભાજપના કાર્યકરોએ થાળીઓ લઇને નીકળવુ પડ્યુ હતું. સંકલન સમિતીનો બોલ ક્ષત્રિય સમાજે ઝિલ્યો છે જેના કારણે વધુ મતદાન થયુ છે. ક્ષત્રિયોને અન્ય સમાજનો સાથ સહકાર મળ્યો છે. મતદાનના દિવસ સુધી કોઇ પણ અનિશ્ચિય ઘટના કે ઘર્ષણ થયુ નથી. અનેક સ્થળોએ સભા થઈ પરંતુ પ્રજાને તકલીફ પડી નથી. જો તકલીફ પડી હોય તો ક્ષત્રિય સંકલન સમિતી માફી માંગે છે.

ક્ષત્રિય સંકલન સમિતીના મતે, જે રીતે મતદાન થયુ છે તે જોતાં ગુજરાતમાં ભાજપ સાતેક બેઠકો ગુમાવશે. ચાર બેઠકો પર ભારે રસાકસી જામશે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપના પૂરા નહીં થાય. આ તરફ, કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસના ન્યાયપત્રની ગેરેન્ટીને જોતાં ગુજરાતની જનતાને વ્યાપક સમર્થન આપ્યુ છે. બંધારણ બચાવવા મતદારોએ કોંગ્રેસને સમર્થન આપ્યુ તે બદલ આભાર. ભાજપે પણ દાવો કર્યો છેકે, ગુજરાતના મતદારોએ દેશની સંસ્કૃતિ-વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને ભાજપને સમર્થન આપ્યુ છે.

Article Content Image

Gujarat