For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અગ્નિવીર, ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીના પાટણમાં ભાજપ પર આક્રમક પ્રહાર

Updated: Apr 29th, 2024

અગ્નિવીર, ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીના પાટણમાં ભાજપ પર આક્રમક પ્રહાર

Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી ટાણે હવે ત્રીજા તબક્કાનું મતદાન નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમર કસી લીધી છે. ગુજરાતમાં આ વખતે મતદાન છે ત્યારે ભાજપ રૂપાલા વિવાદને કારણે પડકારો સહન કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાનમાં એક જનસભા સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ જય અંબાજી બોલીને ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, 'આટલી ગરમીમાં પણ દૂર દૂરથી આવેલા લોકોનો આભાર. હાલ દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપ અને સંઘના લોકો ઇચ્છે છે કે બંધારણ ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે. આઝાદી પછી ગરીબ પ્રજાને જે કંઈ મળ્યું છે, તે બંધારણના કારણે મળ્યું છે.’ 

ભાજપ અનામતનો દુશ્મન બની ગયો છે 

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે. અનામતને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ન્યાય માટે જ અનામત વ્યવસ્થા છે અને ભાજપ એનો જ દુશ્મન બની ગયો છે. અનામતને ખતમ કરવાનો બીજો માર્ગ એટલે ખાનગીકરણ. અને દેશમાં સૌથી મોટો મુદ્દો કોઈ હોય તો તે બેરોજગારી છે. એટલે જ અનામતનો અર્થ છે દેશમાં ગરીબોની પણ ભાગીદારી.’

90 IAS દેશ ચલાવે છે, જેમાં 3 દલિત, એક આદિવાસી 

આવકની અસમાનતા મુદ્દે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મોદી સરકારે તેમના મિત્ર જેવા 22 ઉદ્યોગપતિનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો. તેમનું દેવું માફ નથી કરતાં. યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. હાલ દેશમાં 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી થઇ ગઈ છે. દેશમાં 90% લોકો જીએસટી ચૂકવે છે અને આ 22 લોકોના ખિસ્સામાં તે જાય છે. શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય. 90 આઈએએસ અધિકારી આખો દેશ ચલાવે છે. આ 90માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં શું થયું એ બધાએ જોયું જ છે. ’ 

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ગરીબોને ના બોલાવ્યા 

આ પ્રસંગે રામ મંદિરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હાલ બે ભારત જોવા મળી રહ્યા છે. તમે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. ખૂબ ધૂમધામથી ઉજવણી થઇ, પરંતુ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યો હોય. રાષ્ટ્રપતિને પણ બોલાવાયા. પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા કારણ કે, તેઓ આદિવાસી છે. 

ગરીબ મહિલાના ખાતામાં વર્ષે એક લાખ જમા કરાવીશું

મહિલા સશક્તિકરણની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે મહાલક્ષ્મી યોજના લાવીને મહિલાઓને મદદ કરીશું, જેમાં દરેક પરિવારની ગરીબ મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ જમા કરાવીશું. દેશ ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ કરતા રહીશું. અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.’ 

ખાનગીકરણની નીતિઓ અને અગ્નિવીર યોજનાથી નુકસાન  

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે સત્તામાં આવીશું તો ખાનગીકરણ અટકાવીશું. અગ્નિવીર યોજના રદ કરીશું કારણ કે, આવી યોજનાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ યોજના મોદી સરકારના કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. તેનાથી અન્યાય થયો છે, નુકસાન થયું છે. I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવતા જ તેને રદ કરી દેવાશે. હાલની સરકારે પાંચ અલગ અલગ પ્રકારના જીએસટી લગાવી દીધા છે, જે અયોગ્ય છે. અમે તેમાં ફેરફાર કરીશું. અમે સીધોસાદો જીએસટી લાવીશું અને તેનાથી લોકોને મોટો ફાયદો થશે.’

ભાવનગરના પ્રજાવત્સલ રાજાને પણ રાહુલ ગાંધીએ યાદ કર્યા 

ભાષણના અંતે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાના પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ યાદ કરીને તેમના વખાણ કર્યા હતા.  નોંધનીય છે કે, હાલમાં જ તેમના રાજા-રજવાડા પરના નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો. 

Article Content Image

Gujarat