For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય રાજકારણમાં પરિવારવાદ, ભાજપ-કોંગ્રેસ, સપા-બસપા, રાજદ-જદયુ કોઈ બાકાત નથી

Updated: Apr 25th, 2024

ભારતીય રાજકારણમાં પરિવારવાદ, ભાજપ-કોંગ્રેસ, સપા-બસપા, રાજદ-જદયુ કોઈ બાકાત નથી

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચાર અને મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. તમામ પક્ષો દ્વારા વિવિધ મુદ્દે પ્રચાર કરાઈ રહ્યો છે તો બીજી તરફ એકબીજા વિરુદ્ધ વિવિધ મુદ્દા પણ ઉઠાવાઈ રહ્યા છે. આ બધા વચ્ચે પરિવારવાદનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. 

થોડા સમય પહેલાં તેની ચર્ચા થઈ હતી અને ફરી પાછો આ મુદ્દો ચર્ચામાંથી બહાર નીકળી ગયો. તેના ઘણા કારણો છે પણ મહત્ત્વનું એ છે કે, હવે દેશમાં કોઈપણ પક્ષ એવો નથી જે વંશવાદ અને પરિવારવાદ વગર રાજકારણમાં સક્રિય હોય કે થઈ શક્યો હોય. ભારતીય લોકશાહીના ઈતિહાસ ઉપર નજર કરીએ તો દેશ આઝાદ થયો ત્યારથી દેશના રાજકારણમાં પરિવારવાદ આવી ગયો હતો.

દિગ્ગજો દ્વારા ચૂંટણી પ્રચાર સાથે જ વંશવાદની ચર્ચા

વાત એવી છે કે, બિહારમાં તમામ પક્ષોના દિગ્ગજો દ્વારા ચૂંટણી પ્રચાર કરતાની સાથે જ પરિવારવાદ અને વંશવાદની ચર્ચા ચાલવા લાગી છે. હકીકતમાં જોઈએ તો હજી કોઈપણ નેતા કે પ્રચારક દ્વારા સીધી રીતે કોઈની સામે આંગળી ચિંધવામાં આવી નથી કારણ કે દરેક પક્ષમાં પરિવારવાદ અને વંશવાદ વ્યાપેલો જ છે. 

તેમાંય આ વર્ષ અને આ ચૂંટણી ઘણા નવા ચહેરાઓ અને નેતાઓના સંતાનોના પોલિટિકલ ડેબ્યૂ કે પછી ચૂંટણી મેદાનમાં પ્રવેશ વગેરે રીતે સામે આવવાના છે. કોંગ્રેસનો પરિવાર, માયાવતીનો પરિવાર, લાલુનો પરિવાર, મુલાયમનો પરિવાર કે પછી કાશ્મીરમાં અબ્દુલ્લા પરિવાર અને મુફ્તિ પરિવાર જેવા ઘણા કિસ્સા અને ચર્ચાઓ રાજકીય ગલીયારોમાં ચાલે છે પણ આ વખતે ચિત્ર ઘણું જુદું છે.

Article Content Image

ઉત્તર પ્રદેશમાં ઘણા પરિવારો રાજ-કાજના મહારથીઓ

દેશમાં રાજકારણના મોટા ગઢ અને સૌથી મોટા પ્રદેશની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશ છે. અહીંયા તો એટલા બધા રાજકીય પરિવારો છે જેની ગણતરી જ કરવી અઘરી છે. તેમાંય મોટા રાજકીય પરિવારો છે જે ત્રણ-ત્રણ પેઢીથી રાજકારણમાં જ વ્યસ્ત છે. 

સૌથી પહેલાં મુલાયમસિંહ યાદવનો પરિવાર આવે છે. આજે તેમની ત્રીજી પેઢી રાજકારણમાં આવી ગઈ છે. તેવી જ રીતે ચૌધરી ચરણસિંહની પણ ત્રીજી પેઢી રાજકારણમાં છે. હાલમાં જયંત ચૌધરી પરિવારના રાજકીય વારસાને આગળ વધારી રહ્યા છે. તેવી જ રીતે સંજય નિષાદનો પરિવાર પણ રાજકીય રીતે મજબૂત છે. તેમના પુત્ર પ્રવીણ નિષાદ રાજકારણમાં મોટું નામ ધરાવે છે. 

ઓમ પ્રકાશ રાજભરનો પરિવાર પણ સક્રિય છે. આ સિવાય સોનેલાલ પટેલનો પરિવાર પણ રાજકીય ચર્ચામાં આવે છે તથા માયાવતીનો ભત્રીજો પણ બસપાની કમાન સંભાળી રહ્યો છે. તેવી જ રીતે હરિયાણામાં ચૌટાલા, હુડ્ડા અને બિશ્નોઈ પરિવારના સભ્યો રાજકીય રીતે સક્રિય અને મજબૂત છે. દેવીલાલ, ભજનલાલ અને બંસીલાલ જેવા દિગ્ગજ નેતાઓને કારણે તેમને લાલોં કે લાલ પણ કહેવાય છે.

બિહારમાં પણ પરિવારવાદનું દંગલ

બિહાર પણ એક એવું રાજ્ય છે જ્યાં પરિવારવાદનું દંગલ ચાલતું જ આવ્યું છે. અહીંયા જો પરિવારવાજની વાત કરીએ તો ત્રણ મોટા પરિવારોના નામ આવે છે. સૌથી પહેલો તો લાલુપ્રસાદ યાદવનો પરિવાર છે. લાલુપ્રસાદના બે પુત્ર અને બે પુત્રીઓ તેમના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેમની પત્ની રાબડી દેવી પણ રાજકીય રીતે સક્રિય હતા અને બિહારના સીએમ પણ બન્યા હતા. 

Article Content Image

બિહારમાં બીજો પરિવાર આવે છે રામ વિલાસ પાસવાનનો. રામ વિલાસ પાસવાન પણ બિહાર અને દેશના રાજકારણના અગ્રણી નેતા હતા. હવે તેમનો પુત્ર ચિરાગ પાસવાન પિતાના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યો છે. 

ત્રીજો છે જીતનરામ માંઝીનો પરિવાર. જીતન રામ રાજકીય રીતે અત્યંત સક્રિય છે ત્યાં તેમનો પુત્ર સંતોષ માંઝી પણ પિતાના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યો છે. 

ઝારખંડ શિબુ સોરેનનો ગઢ

ઝારખંડમાં સોરેન પરિવારનો દબદબો વર્ષોથી રહ્યો છે. શિબુ સોરેન ઝારખંડ રાજકારણના દિગ્ગજ નેતા ગણાય છે. તેઓ ઘણો સમય ઝારખંડના સીએમ તરીકે સક્રિય રહ્યા હતા. તેમના પુત્ર હેમંત સોરેન પણ પિતાના વારસાને સંભાળી રહ્યા છે. તેઓ પણ ઝારખંડની બાગડોર સંભાળતા હતા. 

Article Content Image

વંશવાદમાં મહારાષ્ટ્ર પણ આગળ

પરિવારોના દબદબામાં મહારાષ્ટ્ર પણ એટલું જ આગળ છે. અહીંયા સૌથી મોટો ઠાકરે પરિવાર છે. બાલા સાહેબ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણમાં અને દેશના હિંદુત્વવાદી નેતા તરીકે અત્યંત જાણીતું અને સન્માનિત નામ છે. તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. તેમનો પણ પુત્ર આદિત્ય ઠાકરે રાજકારણમાં સક્રિય છે. 

બીજી તરફ મહારાષ્ટ્રમાં પવાર પરિવારનો પાવર પણ મોટો ગણાય છે. શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા છે અને દાયકાઓથી રાષ્ટ્રીય રાજકારણનો મહત્ત્વનો ચહેરો ગણાય છે. તેમની પુત્રી સુપ્રિયા સુલે પણ સાંસદ છે. તેમનો ભત્રીજો અજિત પવાર પણ મહારાષ્ટ્ર સરકારમાં ઉપમુખ્યમંત્રી છે. પવાર પરિવારનો ઠાકરે પરિવાર બાદ મહારાષ્ટ્ર ઉપર દબદબો છે.

હિમાચલ, પંજાબમાં રાજકીય પરિવારોનો દબદબો

દેશના રાજકારણમાં પરિવારનો દબદબો હિમાચલ અને પંજાબમાં પણ છે. હિમાચલની જ વાત કરીએ તો અહીંયા બે પરિવારો દાયકાઓથી દબદબો બનાવીને બેઠા છે. એક રાજા વીરભદ્ર સિંહનો પરિવાર. તેમની પત્ની પ્રતિભા સિંહ અને દીકરો વિક્રમાદિત્ય. વીરભદ્ર કોંગ્રેસના સહારે રાજકારણમાં સક્રિય છે. 

બીજી તરફ ધૂમલ પરિવાર આવે છે. પ્રેમ કુમાર ધૂમલ હિમાચલના સીએમ રહી ચૂક્યા છે. તેમનો દીકરો અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી છે. ધૂમલ આ વખતે વિધાનસભા ચૂંટણી લડયા નહોતા પણ તેમનો પારિવારિક દબદબો હજી છે. 

Article Content Image

તેવી જ સ્થિતિ પંજાબની પણ છે. અહીંયા પહેલો પરિવાર પ્રકાશસિંહ બાદલનો છે. તેઓ ઘણી વખત પંજાબના સીએમ બન્યા છે. તેમના પુસ્ત સુખબીર બાદલ પણ પંજાબના નાયબ મુખ્ય મંત્રી બન્યા છે અને રાજકીય વારસો આગળ વધારે રહ્યા છે. સુખબીર બાદલના પત્ની હરસિમરત કૌર એનડીએ સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. અહીંયા બીજો પરિવાર આવે છે કેપ્ટન અમરિંદર સિંહનો. તેઓ તથા તેમની પત્ની અને દીકરી પણ રાજકારણમાં સક્રિય છે. 

પટનાયક પરિવાર ઓડિશાના નાયક રહ્યો છે

ઓડિશાનું રાજકારણ પણ આમાથી બાકાત નથી. અહીંયા દાયકાઓથી પટનાઈક પરિવારનો રાજકીય દબદબો રહ્યો છે. બીજુ પટનાયક ઘણા વખત ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર નવીન પટનાયક પિતાના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. ઘણા વખતથી ઓડિશાનું સુકાન તેમના જ હાથમાં છે. 

કર્ણાટકમાં દેવેગૌડા પરિવારનું વર્ચસ્વ 

ઓડિશાની જેમ કર્ણાટકમાં દેવેગૌડા પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. દેવેગૌડા તો વડા પ્રધાન પણ રહી ચૂક્યા હતા. તેમના પુત્ર એચ ડી કુમાર સ્વામી મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. તેમના પરિવારના અન્ય સભ્યો પણ રાજ્યના અને રાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. 

Article Content Image

તમિલનાડુમાં કરુણાનિધિનો પરિવારનું વર્ચસ્વ 

તમિલનાડુમાં કરુણાનિધિનો પરિવાર મોટું નામ ધરાવે છે. એમ કરુણાનિધિ તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા. હવે તેમનો પુત્ર એમ કે સ્ટાલિન સત્તામાં છે. સ્ટાલિનનો પુત્ર ઉદયનિધિ સ્ટાલિન પણ રાજ્ય સરકારમાં મંત્રી છે. બંગાળમાં પણ મમતા બેનરજીએ પરિવારવાદને ચાલુ રાખ્યો છે. તેઓ બંગાળના મુખ્યમંત્રી છે અને તેમનો ભત્રીજો અભિષેક બેનરજી સાંસદ છે.

Article Content Image

ભાજપમાં પણ પરિવારવાદ વધતો જઈ રહ્યો છે

થોડા સમય પહેલાં ભાજપ સામે પણ પરિવારવાદ ચલાવવાના આરોપો મુકાયા હતા. આ મુદ્દે ચર્ચા ચાલે છે ત્યારે તેના ઉપર પણ એક નજર કરવા જેવી છે. જાણકારોના મતે હરિયાણામાં 10 બેઠકો છે. તેમાંથી 4 બેઠકો ઉપર રાજકીય પરિવારોના ઉમેદવારોને જ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. તેનો અર્થ થયો કે, 40 ટકા ટિકિટ પરિવારવાદને ફાળે જાય છે. 

હિમાચલમાં 4 બેઠકમાંથી 1 બેઠક ઉપરનો ઉમેદવાર રાજકીય પરિવારનો છે. તેનો અર્થ કે 25 ટકા બેઠક પરિવારવાદને ફાળે છે. ઉત્તરાખંડમાં પણ પાંચ બેઠકમાંથી એક બેઠકમાં એટલે કે 20 ટકા પરિવારવાદને આધિન રહીને ફાળવવામાં આવી છે. ઝારખંડમાં 15 ટકા એટલે કે કુલ 13 બેઠકમાંથી બે બેઠક રાજકીય પરિવાર પાસે જ્યારે કર્ણાટકમાં 36 ટકા બેઠકો એટલે કે 25માંથી 9 બેઠકો રાજકીય વારસો ધરાવતા ઉમેદવારોને જ આપવામાં આવી છે.

ભારતીય રાજકારણમાં પરિવારવાદની તાકાત મોટી છે

ભારતીય રાજકારણમાં પરિવારવાદ વર્ષોથી ચાલ્યો આવ્યો છે અને તેની તાકાત પણ મોટી છે. ભારતીય રાજકારણમાં પરિવારવાદનુ મહત્ત્વ જોઈએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તેમાં તેની અસર દેખાય છે. 

પંજાબમાં 13 બેઠકોમાંથી 62 ટકા બેઠકો ઉપર પરિવારવાદી રાજનેતાઓનો જ કબજો છે. આ બેઠકો રાજકીય પરિવારોના હાથમાં જ આવી છે. અરુણાચલ પ્રદેશની 50 ટકા, મેઘાલયની 50 ટકા બેઠકો ઉપર પણ રાજકીય પરિવારોનો જ કબજો છે. બિહારની પણ 40 બેઠકોમાંથી અડધા ઉપરની બેઠકો રાજકીય રીતે સક્રિય મોટા પરિવારો પાસે જ છે. 

મહારાષ્ટ્રની પણ 48 બેઠકોમાંથી 42 ટકા બેઠકો પરિવારવાદી નેતાઓના ફાળે જ ગઈ છે. કર્ણાટકની 39 ટકા બેઠકો ઉપર વંશવાદનો જ વિજય થયો છે તો આંધ્રપ્રદેશમાં 25 બેઠકોમાંથી 36 ટકા બેઠકો રાજકીય પરિવારોના ખાતામાં જ આવી છે. આંધ્રપ્રદેશમાં હાલમાં સરકાર પણ રાજકીય પરિવાર જ ચલાવી રહ્યો છે. તેલંગણાની 17 બેઠકોમાંથી 35 ટકા બેઠકો પરિવારવાદના ફાળે છે.

ઓડિશામાં પણ 21 બેઠકોમાંથી 33 ટકા બેઠકો રાજકીય પરિવારો પાસે છે. રાજસ્થાનમાં 25 બેઠકોમાંથી 32 ટકા બેઠકો રાજકીય પરિવારો પાસે તો હરિયાણાની 10માંથી 30 ટકા બેઠકો પોલિટિકલ ફેમિલી પાસે છે. યુપીમાં 80 બેઠકોમાંથી 28 ટકા બેઠકો રાજકીય રીતે અગ્રેસર પરિવાર પાસે આવી છે. બીજી તરફ હિમાચલની 4 બેઠકોમાંથી 25 ટકા બેઠકો રાજકીય પરિવારના ફાળે જાય છે. 

Article Content Image

Gujarat