For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અરબ સાગરમાં ભારતીય નૌકાદળની ફરી જોવા મળી તાકાત, 20 પાકિસ્તાનીઓ માટે બની દેવદૂત

Updated: May 4th, 2024

અરબ સાગરમાં ભારતીય નૌકાદળની ફરી જોવા મળી તાકાત, 20 પાકિસ્તાનીઓ માટે બની દેવદૂત
Image - Indian Army X (Twitter)

Indian Navy Help Irani Ship : ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં એક જહાજમાં ફસાયેલા 20 પાકિસ્તાનીઓ બચાવ્યા હોવાની વિગતો સાંપડી છે. સેનાએ એક ઈમરજન્સી કૉલ આવ્યા બાદ માછલી પકડવા જઈ રહેલા ઈરાની જહાજમાં ફસાયેલા પાકિસ્તાની સભ્યોને તુરંત મેડિકલ મદદ પુરી પાડી છે. આ ઘટનામાં ચાલક દળનો એક સભ્ય સંપૂર્ણ ડૂબી ગયો હતો, પરંતુ સેનાની તુરંત કાર્યવાહીના કારણે તેનો જીવ બચાવવામાં સફળતા મળી છે.

ભારતીય સેના 20 પાકિસ્તાનીઓને બચાવ્યા

ભારતીય નૌસેનાએ આજે (4 મે-2024) એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અરબ સાગરમાં એક ઈરાની જહાજ જઈ રહ્યું હતું, જેમાં 20 પાકિસ્તાની ચાલક દળના સભ્યો સવાર હતા. અમને એક ઈમરજન્સી કૉલ આવ્યો અને કહેવાયું કે, જહાજના સભ્યોને ઈમરજન્સી મેડિકલ સુવિધાની જરૂર છે. તેથી આરબ સાગરમાં સમુદ્રી બળવાખોરોના હુમલાને અટકાવવા માટે તહેનાત ભારતીય નૌસેનાના આઈએનએસ સુમેધા મિશને તુરંત જહાજને મેડિકલ મદદ પુરી પાડી હતી.

સેના તમામ ખલાસીઓને મદદ પુરી પાડવા પ્રતિબદ્ધ

સેનાએ કહ્યું કે, પેટ્રોલિંગ શિપ આઈએનએસ સુમેધાએ 30મી એપ્રિલે ઈરાની જહાજને મદદ પહોંચાડી હતી. અમારી એક મેડિકલન નિષ્ણાંતની ટીમ ઈરાની જહાજમાં ચઢી હતી અને ચાલક દળના એક સભ્યને તુરંત મેડિકલ મદદ પુરી પાડી હતી. ચાલક દળના એક સભ્યને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તે બેહોશ પણ થઈ ગયો હતો. પરંતુ સેનાની મદદ કારણે તુરંત તેનો જીવ બચાવાયો છે. સેનાએ કહ્યું કે, ભારતીય નૌસેનાના એકમો આરબ સાગરમાં કામ કરતા ખલાસીઓની સુરક્ષા અને મદદ પુરી પાડવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે અરબ સાગર ખૂબ જ ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે લાલ સાગર ખૂબ જ ચર્ચામાં છે. કેટલાક બળવાખોરો લાલ સાગરમાંથી પસાર થતા અનેક જહાજો પર હુમલાઓ કરી રહ્યા છે, તો બીજીતરફ ભારતીય નૌસેના પણ આવી ઘટનાઓ પર ચાંપતી નજર રાખી અન્ય દેશોને બચાવ સહિતના તમામ મદદ કરી રહી છે. લાલ સાગરમાં કોઈક જહાજ પર હુમલો થયો હોય કે પછી મેડિકલ ઈમરજન્સીની જરૂર પડી હોય, ભારતીય નૌસેનાની ટીમ સૂચના મળતા જ કોઈપણ સ્થિતમાં તમામ મદદ કરી રહી છે.

Gujarat