For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી હાઈકોર્ટમાં એવી માગ થઈ કે જજને દાઉદ ઇબ્રાહીમ યાદ આવ્યો, કહ્યું - 'આ રીતે તો એ પણ..'

જેલમાં કેદ નેતાઓને વર્ચ્યુઅલ પ્રચારની છૂટની માગ ફગાવતા દિલ્હી હાઇકોર્ટની ટકોર

Updated: May 2nd, 2024

દિલ્હી હાઈકોર્ટમાં એવી માગ થઈ કે જજને દાઉદ ઇબ્રાહીમ યાદ આવ્યો, કહ્યું - 'આ રીતે તો એ પણ..'

Delhi High Court news |  દિલ્હી હાઇકોર્ટમાં એક વિચિત્ર પ્રકારની માગણી કરતી અરજી કરવામાં આવી હતી, જેને રદ કરતા હાઇકોર્ટે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમને યાદ કર્યો હતો. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે લોકસભાની ચૂંટણીમાં એવા નેતાઓને પણ ઓનલાઇન પ્રચાર કરવાની છૂટ આપવામાં આવે કે જેઓ હાલ જેલમાં કેદ છે. હાઇકોર્ટે કહ્યું હતું કે જો આ માગ સ્વીકારી લઇએ તો કાલે ઉઠાને દાઉદ ઇબ્રાહિમ પણ ચૂંટણી લડે અને વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રચાર કરવા લાગે. 

દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનમીત પીએસ અરોરાની બેંચે કહ્યું હતું કે આ પ્રકારના પોલિસીના નિર્ણયો કોર્ટ ના કરી શકે, આ કામ સંસદનું છે. અરજદારને ટકોર કરતા બેંચે કહ્યું હતું કે તમે એવું ઇચ્છો છો કે જેલમાં કેદ તમામ લોકોને વર્ચ્યુઅલ એટલે કે જેલમાં રહીને જ ઓનલાઇન કેમ્પેઇન કરવા દેવાની છૂટ આપવામાં આવે? જો આ છૂટ આપીએ ને તો તમામ અપરાધીઓ પોતાની નોંધણી રાજકીય પક્ષોમાં કરવા લાગે અને દાઉદ ઇબ્રાહિમ પણ કેમ્પેઇન કરવા લાગે. 

હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે કોઇ કસ્ટડીમાં હોય અને તેને વર્ચ્યૂઅલ ચૂંટણી પ્રચારની છૂટ અમે ના આપી શકીએ. એવુ કરીએ તો તમામ બળાત્કારીઓ, હત્યારાઓ ચૂંટણી અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા રાજકીય પક્ષોમાં જોડાવા લાગશે. હાઇકોર્ટે આ વિચિત્ર અરજી કરવા બદલ અરજદારને દંડ ફટકારવાની ચેતવણી આપી હતી, જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે તે એક વિદ્યાર્થી છે માટે આ દંડ ના કરવો. બાદમાં હાઇકોર્ટે કહ્યું હતું કે ઠીક છે અમે દંડ નથી કરતા પણ વકીલ તરીકે તમારે અરજદારને સમજાવવા જોઇએ કે કોર્ટ અને સંસદની શક્તિ અલગ છે. કાયદાનો અભ્યાસ કરતા અમરજીત ગુપ્તા દ્વારા આ અરજી કરવામાં આવી હતી, ચૂટણી પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓની ધરપકડ થવાને કારણે અમરજીત ગુપ્તા નારાજ હતો.  

Gujarat