For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત, કર્ણાટક, યુપી જેવા રાજ્યોમાં સમીકરણ બદલાતાં NDA ગઠબંધનનું ટેન્શન વધી ગયું

Updated: Apr 18th, 2024

ગુજરાત, કર્ણાટક, યુપી જેવા રાજ્યોમાં સમીકરણ બદલાતાં NDA ગઠબંધનનું ટેન્શન વધી ગયું

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં હવે મતદાન શરૂ થવાને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દરરોજ બદલાતી રાજકીય અને પ્રાજકીય સ્થિતિ ઉત્સુકતા અને ઉન્માદ તથા આશ્ચર્ય સર્જી રહી છે. હાલમાં એનડીએ અને તેની સામે વિપક્ષોનું ઈન્ડિયા ગઠબંધન મોટા સ્પર્ધકો ગણાય છે. તેમની વચ્ચે વિવિધ મુદ્દે અને બેઠકો ઉપર ઘમાસાણ થવાનું છે. 

રાજકીય જાણકારો માની રહ્યા છે કે, આ વખતે પણ વિપક્ષોનું ગઠબંધન મજબૂત રીતે વિવિધ મુદ્દા ઉઠાવવામાં ક્યાંક નબળું દેખાઈ રહ્યું છે ત્યાં એનડીએને પણ એન્ટી ઈન્કમ્બન્સીનો અણસાર હોય તેમ લાગી રહ્યું છે. તેના પગલે જ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે પણ મોટો મુદ્દા કોઈ સામે આવી રહ્યા નથી. 

આ બધા વચ્ચે 400 બેઠકની આશા રાખનાર એનડીએ સામે કેટલાક નવા અને અણધાર્યા પડકારો ઊભા થયા છે જે વિજયરથને ખોટકાવી શકે તેમ પણ લાગી રહ્યું છે. એક તરફ વિપક્ષના પોતાના જ વિઘ્નો અને અસમંજસો દૂર થઈ નથી રહ્યા  ત્યાં હવે ભાજપ અને એનડીએ સામે આ સમસ્યાઓ આવી છે તે મતદાન અને ચૂંટણી પરિણામને કેવી અસર કરશે તે જોવાનું રહ્યું.

યુપીમાં બસપા ભાજપનો ખેલ બગાડી શકે છે

ઉત્તર પ્રદેશમાં છેલ્લાં ઘણા વર્ષથી બસપાને ભાજપની બી ટીમ કહેવામાં આવી રહી છે. વારંવાર ચૂંટણી ટાણે આવા આરોપો સાથે બસપાને ટાર્ગેટ કરવામાં આવે છે. બસપા દ્વારા આ મેહણું ભાંગવા માટે અનોખી રાજરમત રમાઈ છે. બસપાએ એવા ઉમેદવારોને તક આપવાનું શરૂ કર્યું છે જે ક્યારેક ભાજપના કોર વોટર્સ હતા અને હવે તેઓ બસપા સાથે છે. 

તેઓ ભાજપના વોટ તોડવામાં અને પરિસ્થિતિ પલટાવવામાં મોટી ભૂમિકા ભજવે તેમ છે. પશ્ચિમ યુપીમાં બસપા દ્વારા એવા જ ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા જે ભાજપના નજીકના ગણાતા હતા અથવા તો તેમના પગલે ભાજપના વોટ વધતા હતા. હવે તેમને જ ઉમેદવાર બનાવી દેવાતા ભાજપના વોટને મોટું નુકસાન થશે. 

રાજકીય જાણકારોના મતે આ વખતે એવા ઉમેદવારોને મેદાને ઉતારાયા છે અને ઉતારવામાં આવશે જેઓ કોંગ્રેસ અને સપાના વોટ તોડવાના બદલે ભાજપના વોટને વધારે નુકસાન કરે. સહારનપુર, કન્નૌજ અને અમરોહા સિવાય કોઈપણ બેઠક ઉપર બસપા દ્વારા એવા કોઈ ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા નથી જે ભાજપ માટે લાભદાયી પૂરવાર થાય. 

તેણે એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે જે ભાજપ અને આરએલડી માટે પડકાર ઊભો કરશે. મેરઠ, બિજનૌર, પીલીભીત, કૈરાના, મુઝફ્ફરનગર અને બાગપતમાં પણ એવા જ ઉમેદવાર છે જે ભાજપને નબળો પાડવાનું કામ કરશે.

વિરોધ અને વિદ્રોહનું પ્રમાણ વધવા લાગ્યું છે

ભાજપમાં એક પ્રકારનું માળખું હતું જેમાં કોઈ શિસ્ત મુદ્દે ફરિયાદ આવવા દેતું નહોતું. તેમાં પણ આલાકમાનના નિર્ણયનો કોઈ વિરોધ પણ કરતું નહોતું. છેલ્લાં એક દાયકાનો આ ક્રમ હવે બદલાઈ રહ્યો છે. ભાજપમાં આ વખતે આંતરિક વિરોધ અને વિદ્રોહ વિકસી રહેલા દેખાય છે. 

હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને ગુજરાતમાં આ વખતે સીધી રીતે અથવા તો પાછલા બારણે વિરોધ અને વિદ્રોહ બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં હજી સ્થિતિ સ્પષ્ટ નથી પણ અન્ય રાજ્યોમાં તો અસંતુષ્ટો દ્વારા વિદ્રોહનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. હરિયાણામાં ટિકિટ ન મળવાના કારણે બિજેન્દ્ર સિંહ કોંગ્રેસમાં ગયા અને ત્યારબાદ તેમના પિતા ચૌધરી વિરેન્દ્ર સિંહ પણ કોંગ્રેસમાં જતા રહ્યા છે. 

બીજી તરફ કર્ણાટકમાં દિગ્ગજ નેતા ઈશ્વરપ્પા પણ પૂર્વ સીએમ યેદિયુરપ્પાથી નારાજ છે. તેમણે ટિકિટ કપાવાના કારણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ યેદિયુરપ્પાના જ પુત્ર રાઘવેન્દ્રની સામે શિવમોગાથી અપક્ષ ઊભા રહેવાના છે. તે ઉપરાંત રાજસ્થાનમાં પણ ટિકિટ કપાતા રાહુલ કસ્વાં કોંગ્રેસમાં જતા રહ્યા હતા અને તેમને કોંગ્રેસે ટિકિટ પણ આપી દીધી છે. 

આ સિવાય બિહારમાં અશ્વિની ચૌબે પણ ટિકિટ કપાવાથી નારાજ છે અને હજી ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા નથી. બીજા ઘણા કિસ્સા છે જેમાં પૂર્વ નેતાઓ અને દિગ્ગજો વિરોધ અને વિદ્રોહના રસ્તે આવી ગયા છે. આ મુદ્દો આગામી તબક્કામાં મોટો બન્યો તો ભાજપ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે.

ગુજરાત અને વેસ્ટ યુપીમાં ચાલી રહેલો રાજપૂતોનો વિરોધ

ગુજરાત અને પશ્ચિમ યુપીમાં છેલ્લાં કેટલાક સમયથી રાજપૂતો દ્વારા ભાજપ સામે મોરચો માંડવામાં આવ્યો છે. એક તરફ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા એક નિવેદને ગુજરાતમાં રાજપૂત સમુદાયને આકરાપાણીએ કરી દીધો છે. તેમના નિવેદનથી ગિન્નાયેલો રાજપૂત સમાજ હવે છડેચોક ભાજપના વિરોધમાં આવી ગયો છે. 

ત્યાં બીજી તરફ યુપીમાં અલગ જ સ્થિતિ ઊભી થઈ છે. પશ્ચિમ યુપીમાં ગાઝિયાબાદ ખાતે વી.કે.સિંહની ટિકિટ કાપવામાં આવતા ત્યાંનો રાજપૂત સમાજ નિરાશ છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે, યુપીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા રાજપૂત સમાજને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ કોઈ પરિણામ આવી રહ્યું નથી. 

તેવી જ રીતે ગુજરાતમાં રૂપાલા દ્વારા માફી માગવામાં આવી તથા અન્ય નેતાઓ દ્વારા સમજાવટ કરાઈ છતાં રાજપૂત સમાજ શાંત થવાનું નામ લેતો નથી. જાણકારોના મતે ગુજરાતમાં રાજપૂત સમાજની વસતી અંદાજે 17 ટકા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં તેમનો પ્રભાવ મોટો છે. સૌરાષ્ટ્રમાં રાજપૂતો દ્વારા સતત એવી વાત વહેતી કરાઈ છે કે, સત્તામાં રાજપૂતોની અવગણના કરવામાં આવી રહી છે. રાજપૂત નેતાઓનું કહેવું છે કે, માત્ર પાંચ રાજપૂત ધારાસભ્ય અને એક સાંસદ છે. 

ગુજરાતની કેબિનેટમાં ક્યાંય રાજપૂત નેતાને સ્થાન નથી. તેના કારણે જ આ વખતે વિરોધ વધારે વકરેલો છે. કેટલાક રાજપૂત નેતાઓએ મોઘમ ચિમકી પણ ઉચ્ચારી છે કે, રાજપૂતો પરિણામ બદલવાની પણ ક્ષમતા ધરાવે છે. પશ્ચિમ યુપીમાં પણ રાજપૂતો દ્વારા ભાજપ વિરોધી વલણ અપનાવી લેવામાં આવ્યું હોય તેમ હાલમાં દેખાઈ રહ્યું છે. 

તેના માટે થોડા સમય પહેલાં ક્ષત્રિય સ્વાભીમાન મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે 11 એપ્રિલે સિસૌલી, 13 એપ્રિલે ધૌલાના અને 16 એપ્રિલે સરઘના બેઠક ઉપર સ્વાભિમાન મહાપંચાયતનું આયોજન કરેલું છે. અહીંયા પણ નેતાઓ દ્વારા ચૂંટણી પરિણામોને વ્યાપક અસર પડોંચાડવાની ચિમકી ઉચ્ચારી છે. 

કેન્દ્રીય મંત્રી સામે કર્ણાટકના લિંગાયત ધર્મગુરુનો શંખનાદ

કર્ણાટકમાં પણ ભાજપ માટે અંદાજે 17 ટકાની વસતી ધરાવતો લિંગાયત સમુદાય મુશ્કેલી ઊભી કરી શકે તેવી સ્થિતિ થઈ છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના મોટા ધર્મગુરુ જગદ્ગુરુ ડિંગલેશ્વર મહાસ્વામી કેન્દ્રીય મંત્રીથી ખૂબ જ નારાજ છે. ડિંગલેશ્વર સ્વામીએ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષી સામે મોરચો માંડયો છે. 

તેમનો આરોપ છે કે, કાયમ પ્રહ્લાદ જોષી દ્વારા કર્ણાટકમાં લિંગાયતના નેતાઓની ટિકિટ કપાવી દેવામાં આવે છે. તેના કારણે જ તેમણે પ્રહ્લાદ જોષી સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ડિંગલેશ્વર મહાસ્વામીની આ જાહેરાતથી ભાજપ અવઢવમાં મુકાયો છે. 

મહાસ્વામીનો આરોપ છે કે, ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં પણ જોષીના કારણે જ પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારની ટિકિટ કપાઈ હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જતા રહ્યા અને ચૂંટણી લડયા. તેમાં તેમનો પરાજય થયો. હવે તેઓ બે.એસ. યેદિયુરપ્પાના કારણે ભાજપમાં પરત આવ્યા છે અને તેમને બેલગામ લોકસભાની ટિકિટ અપાઈ છે. 

ડિંગલેશ્વરે ભાજપી નેતા કે.એસ. ઈશ્વરપ્પાના પુત્ર કે.ઈ. કાંતેશને પણ હાવેરી લોકસભા બેઠક ઉપર ટિકિટ નહીં મળાવાને જોષીની જ ગોઠવણ જણાવી છે. તે સિવાય ભાજપના પૂર્વ ડેપ્યુટી સીએમ ઈશ્વરપ્પા પણ બળવાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે પણ શિમોગાથી અપક્ષ તરીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે, ડિંગલેશ્વર દ્વારા લિંગાયતોને છેલ્લાં ઘણા સમયથી ઓબીસી અનામત આપવાની પેન્ડિંગ માગણીને પણ ફરીથી ઉઠાવવામાં આવી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લિંગાયત સમુદાયને કેન્દ્રમાં પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રમાં લિંગાયત સમુદાયના 9 સાંસદો ચુંટાયા છે છતાં એકપણને કેન્દ્રીય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. જાણકારોના મતે લિંગાયત ધર્મગુરુના આરોપો અને બળવો તથા અન્ય નેતાઓના બળવાના કારણે ભાજપની મુશ્કેલી વધી શકે છે. 

Article Content Image


Gujarat