For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિદેશમંત્રીની મલેશિયા મુલાકાતથી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી સુદ્રઢ બની છે : ભારત

Updated: Mar 29th, 2024

Article Content Image

- જયશંકરે મલેશિયાના વિદેશ મંત્રી અને વડાપ્રધાન સાથે મંત્રણા કરી : આસીયન જૂથમાં મલેશિયા મહત્વનું ભાગીદાર છે

કૌલાલમ્પુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લૂક ઇસ્ટ પોલીસીના ભાગ રૂપે વિદેશ મંત્રી સુબ્રમન્યમ જયશંકરે સિંગાપુર, ફિલિપાઇન્સ, અને મલેશિયાની મુલાકાતે ગયા. આ પૈકી તા. ૨૦-૨૮ના દિવસોએ તેવો મલેશિયાનાં પાટનગર કૌલાલમ્પુર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ બિન હાજી હસન સાથે રાજકીય વ્યાપારી, આર્થિક, સંરક્ષણ, ડીજીટલ, તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધો વિષે મંત્રણા કરી. તેઓએ ડીજીટલ મિનિસ્ટર ગોવિંદ સિંહ દેવ સાથે પણ મંત્રણા કરી હતી.

મલેશિયાના વડાપ્રધાન અન્વર બિન ઇબ્રાહીમ સાથેની સઘન મંત્રણા દરમિયાન, મલેશિયા દ્વારા બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવામાં તેઓએ આપેલા સહકાર બદલ જયશંકરે આભાર વ્યક્ત કર્યો હતો. આ મંત્રણા દરમિયાન IITની એક શાખા ખોલવા માટે ભારતે લીધેલા નિર્ણય બદલ અન્વર બિન ઇબ્રાહીમે, ભારતનો આભાર માન્યો હતો, અને તે ઇન્સ્ટીટયુટની સ્થાપના માટે તમામ સુવિધા કરી આપવા, જયશંકરને ખાતરી આપી હતી. તેમ મલેશિયાની બર્નામા ન્યૂઝ એજન્સી જણાવે છે.

આ ઉપરાંત મલેશિયાના વડાપ્રધાને તેમનો દેશ જ્યારે ચોખાની ખેંચ અનુભવી રહ્યો હતો ત્યારે ટનબંધ ચોખા મોકલવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વકનો આભાર માન્યો હતો.

આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ભારત અન્ય અનાજ પણ મલયેશિયામાં મુક્ત રીતે નિકાસ કરશે.

ઉલ્લેખનીય છે કે મલેશિયન દ્વિપકલ્પ મોટે ભાગે પર્વતોસભર છે. વરસાદની ત્યાં ખેંચ નથી તેથી તે પર્વતો પણ જંગલો ભરેલાં છે. ત્યાં કેતી લાયક જમીન માત્ર તટ પ્રદેશો પૂરતી જ હોવાથી દેશ અનાજની ખેંચ અનુભવે છે.

મલેશિયાની આ મુલાકાત દરમિયાન ભારતે જ સ્થાપેલાં ખાસીયત દેશોના સમૂહમાં મલેશિયાએ આપેલાં પ્રદાનની જયશંકરે પ્રશંસા કરી હતી. આસીયન સમુહમાં મલેશિયા મહત્વનું ભાગીદાર છે.

મલેશિયામાં ઇસ્લામ ધર્મનો પ્રસાર થયો તે પૂર્વે ચૌલ સામ્રાજ્યના સમયથી (ઇસુની ૧૦મી સદીથી) ત્યાં હિન્દુ ધર્મ પ્રચલિત બન્યો. (ઇસ્લામ ધર્મ ત્યાં છેક ઇસુની ૧૭, ૧૮મી સદીથી પ્રસર્યો) આ પૂર્વે ત્યાં મણિપુરના રાજ્યોનાં પ્રોત્સાહનથી હિન્દુ વ્યાપારીઓ પહોંચ્યા હતા. તેઓ સાથે મહિલાઓ પણ હતી.

આ મહિલાઓએ મણિપુરી નૃત્યો અને નૃત્ય નાટિકાઓનો પ્રસાર કર્યો. આજે પણ મલેશિયામાં રામાયણ અને મહાભારત આધારિત વિશ્વ વિખ્યાત નૃત્ય નાટિકાઓ યોજાય છે. હવે તો તે દેશ ઇસ્લામ ધર્મને અનુસરે છે. પરંતુ તેના કલાકારો કહે છે. કલા, કલા ખાતર જ હોય શકે તેને કોઈ ધાર્મિક, પ્રાદેશિક કે રાજકીય બંધનો હોઈ શકે જ નહીં. આમે પણ મલેશિયાની રામાયણ અને મહાભારત આધારિત નૃત્ય નાટિકાઓ માત્ર પ્રદેશ પૂરતી જ નહીં વિશ્વભરમાં વિખ્યાત છે. મલેશિયાની મુલાકાતે જ્નાહા, વિશ્વભરના સહેલાણીઓ, કૌલા લમ્પુરમાં યોજાતી આ નૃત્ય નાટિકઓ જોવા ઉત્સુક હોય છે. સાથે તે પણ ઉલ્લેખનીય છે કે કૌલાલમ્પુર તે મૂળ ચૌલા લવ પુરમ્ (લવ રામનો પુત્ર) પરથી ઉદ્ભવેલો શબ્દ છે.

કૌલાલમ્પુરમાં જયશંકરે મલેશિયાની કંપનીઓના CEO સાથે મંત્રણા કરી હતી. તેમજ ત્યાં સ્થાયી થયેલા ભારતીયો સાથે ખુલ્લાં મને વાતચીત કરી હતી.

Gujarat