For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ED જપ્ત કરેલી રકમનું શું કરે છે, શું તે નાણાં કેન્દ્ર સરકારની મિલકત બની શકે છે? જાણો વિગત

Updated: May 7th, 2024

ED જપ્ત કરેલી રકમનું શું કરે છે, શું તે નાણાં કેન્દ્ર સરકારની મિલકત બની શકે છે? જાણો વિગત
Image Twitter 

ED raids in Jharkhand: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાંચીમાં દરોડામાં 35 કરોડ રુપિયાથી વધુની રિકવરી કરી છે. આ દરોડામાં ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના હાઉસ હેલ્પરને ત્યાં પાડવામાં આવ્યો હતો. 

સોમવારે EDએ સંજીવ લાલના હાઉસ હેલ્પર જહાંગીર આલમના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ જહાંગીર આલમના ફ્લેટમાંથી 35.23 કરોડ રુપિયા જપ્ત કર્યા છે. જ્યારે અન્ય એક જગ્યાએ રુપિયા 2.13 કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. 

અત્યાર સુધીમાં 37 કરોડ રૂ. વધુની રોકડ જપ્ત કરી

ઈડીના આ દરોડા મની લોન્ડરિંગ કેસ સાથે સંકળાયેલો છે. પૈસા જપ્ત કરવાની સાથે સાથે EDએ સંજીવ લાલ અને જહાંગીર આલમની પણ ધરપકડ કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ બંને આ તપાસમાં સહકાર આપતા ન હતા અને ઈડીના સવાલોને ટાળી રહ્યા હતા. ઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કર્યા છે. આવો જાણીએ કે, ED આ જપ્ત કરેલી રકમનું શું કરે છે?

તે 'ગુનાની આવક' ગણવામાં આવે છે

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) પ્રમાણે, જો કોઈ મિલકત અથવા રોકડ રુપિયાનો ગેરઉપયોગ અથવા ઉચાપત દ્વારા મેળવવામાં આવે છે, તો તે 'ગુનાની આવક' ગણવામાં આવે છે, અને તેને મની લોન્ડરિંગ માનવામાં આવે છે.

'ગુનાની આવક' એટલે આ કોઈ શુદ્ધ કમાણીની રકમ નથી. પરંતુ તે વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા કમાય છે. અને આ EDના કાર્યક્ષેત્રમાં આવે છે. જ્યારે, જ્યારે કોઈ 'બિનહિસાબી રોકડ'નો મામલો આવે છે, ત્યારે આવકવેરા વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. અને મની લોન્ડરિંગ કેસમાં જ્યારે ED કોઈપણ સંપત્તિ અથવા રોકડ જપ્ત કરે છે, તો સત્તાધિકારીને તેની માહિતી આપવી પડે છે. 

જપ્ત કરેલી રોકડનું શું કરવામાં આવે છે?

કાયદાકીય રીતે ED પાસે નાણાં જપ્ત કરવાનો અધિકાર છે, પરંતુ તે વસૂલ કરાયેલી રોકડ પોતાની પાસે રાખી શકતું નથી. પ્રોટોકોલ પ્રમાણે, જ્યારે પણ એજન્સી રોકડ જપ્ત કરે છે, ત્યારે આરોપીને તે ક્યાથી આવ્યા તેના વિશે પૂછવામાં આવે છે. જો આરોપી તેનો સ્ત્રોત જાહેર નથી કરતો અથવા ED તેના જવાબોથી સંતુષ્ટ ન હોય તો તેને 'બિનહિસાબી રોકડ' અથવા 'અયોગ્ય રીતે મેળવેલ નાણાં' ગણવામાં આવે છે.

SBI અધિકારીઓની હાજરીમાં જપ્તી મેમો તૈયાર કરાય છે

આ બિનહિસાબી રોકડ PMLA હેઠળ રોકડ જપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી ED નોટ ગણવા માટે SBIની ટીમને બોલાવે છે. મશીન દ્વારા નોટોની ગણતરી કરવામાં આવે છે. પછી EDની ટીમ દ્વારા SBI અધિકારીઓની હાજરીમાં જપ્તી મેમો તૈયાર કરવામાં આવે છે. જેમા કુલ કેટલી રોકડ જપ્ત કરવામાં આવી? કયા ચલણમાં કેટલી નોટો છે? આ બધુ જ સીઝર મેમોમાં નોંધ કરવામાં આવે છે. પછી તેને સાક્ષીઓની હાજરીમાં બોક્સમાં સીલ કરવામાં આવે છે.

સીલ કર્યા પછી જપ્ત કરાયેલી રોકડ SBI શાખામાં જમા કરવામાં આવે છે. આ તમામ રકમ EDના પર્સનલ ડિપોઝિટ (PD) ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યાર બાદ આ રોકડ કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા થાય છે.

એ પછી આ રુપિયાનું શું થાય છે?

જપ્ત કરાયેલી રકમનું ન તો ED ઉપયોગ કરી શકે છે, ન તો  બેંકો કે ન તો સરકાર આ રોકડનો ઉપયોગ કરી શકે છે. જપ્તી પછી ED એટેચમેન્ટ ઓર્ડર તૈયાર કરવામાં આવે છે, અને સંબંધિત અધિકારીએ છ મહિનામાં જપ્તીની પુષ્ટિ કરવાની હોય છે. જપ્તીની પુષ્ટિ થઈ ગયા પછી અને ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રકમ બેંકમાં જમા રહે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ આ રકમનો ઉપયોગ કરી શકતું નથી. પરંતુ જો આરોપી દોષિત ઠરે તો તમામ પૈસા કેન્દ્ર સરકારની મિલકત બની જાય છે. અને જો આરોપી નિર્દોષ છૂટે તો તેને તમામ પૈસા પરત કરવામાં આવે છે.

Gujarat