For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ.બંગાળના રાજ્યપાલ સામે ચોંકાવનારા આરોપ, રાજભવનની મહિલા સ્ટાફે શારીરિક શોષણનો કેસ કર્યો

આરોપો રાજકીય કાવતરું : રાજ્યપાલનો જવાબ

રાજભવનમાં પોલીસ અને નાણા મંત્રીના પ્રવેશ પર રાજ્યપાલે પ્રતિબંધ મુક્યો, પોલીસે તપાસ માટે ટીમ રચી

Updated: May 4th, 2024

પ.બંગાળના રાજ્યપાલ સામે ચોંકાવનારા આરોપ, રાજભવનની મહિલા સ્ટાફે શારીરિક શોષણનો કેસ કર્યો

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ સામે રાજભવનની એક મહિલા કર્મચારીએ સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોથી વિફરેલા રાજ્યપાલે રાજભવનમાં પશ્ચિમ બંગાળ પોલીસ અને નાણા મંત્રીના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. પશ્ચિમ બંગાળની પોલીસે મહિલાના આરોપો બાદ સમગ્ર મામલાની તપાસ માટે ટીમનું ગઠન કર્યું હતું, જોકે પોલીસ કોઇ પૂછપરછ કરવા આવે તે પહેલા જ રાજ્યપાલે રાજભવનમાં પોલીસની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો હતો.

આ પહેલા રાજ્યપાલના રાજભવનમાં કામ કરતી એક મહિલાએ કોલકાતાની પોલીસને લેખીતમાં ફરિયાદ આપી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે મારું શારીરિક શોષણ કર્યું છે, પહેલુ શોષણ ૨૪મી માર્ચ અને બીજુ શોષણ ૨ મેના રોજ થયું હતું. મને રાજ્યપાલે કાયમી સરકારી નોકરીનું કહીને તેમની ચેમ્બરમાં બોલાવી હતી. આ આરોપોને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. બીજી તરફ આ આરોપો સામે આવ્યા બાદ રાજ્યપાલ બંગાળ છોડીને પોતાના વતન કેરળ જતા રહ્યા હતા. સાથે જ તેમણે એક નિવેદન પણ જાહેર કર્યું હતું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે મારી સામેની આ ફરિયાદ રાજકીય કાવતરું છે. સાથે જ તેમણે રાજભવનમાં કોઇ પણ પ્રકારની તપાસ માટે આવનારી પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. 

કોલકાતાના ડેપ્યુ. પોલીસ કમિશનર ઇંદિરા મુખરજીએ કહ્યું હતું કે રાજ્યપાલ સામેની ફરિયાદ અત્યંત ગંભીર છે, ફરિયાદી મહિલાએ ઘટનાઓની તારીખ પણ આપી છે. મહિલા અમારી પાસે ફરિયાદ માટે આવી હતી, ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે જોકે તેમાં રાજ્યપાલને આરોપી બનાવવામાં નથી આવ્યા, બંધારણના આર્ટિકલ ૩૬૧ હેઠળ રાજ્યપાલને કાર્યવાહી સામે બંધારણીય સુરક્ષા મળી હોવાથી તેમનું નામ સામેલ નથી કરી શકી. જોકે મહિલાના આ આરોપોને લઇને પોલીસ દ્વારા તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. બિનભાજપ શાસિત પશ્ચિમ બંગાળમાં અગાઉ રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદના અનેક મામલા સામે આવ્યા હતા. જોકે પહેલી વખત રાજ્યપાલ સામે એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજ્યપાલે આ તમામ આરોપોને જુઠા અને રાજકીય કાવતરુ ગણાવ્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે હજુ મારે આવા ઘણા આરોપોનો સામનો કરવાનો છે.

Gujarat