For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસ મૃત્યુ બાદ પણ તમારી સંપત્તિ લૂંટી લેવા માગે છે : મોદી

Updated: Apr 25th, 2024

કોંગ્રેસ મૃત્યુ બાદ પણ તમારી સંપત્તિ લૂંટી લેવા માગે છે  : મોદી

- કોંગ્રેસની લૂંટ 'જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી' : વડાપ્રધાનનો ટોણો

- કોંગ્રેસ તમારી સંપત્તિને લૂંટીને કોને આપવા માગે છે તે મારે કહેવાની જરૂર નથી, જનતા આવું પાપ ક્યારેય નહીં થવા દે : વડાપ્રધાન

- કોંગ્રેસ ધર્મ આધારિત અનામત લાગુ કરીને દલિત, આદિવાસી, ઓબીસીના અધિકારો છીનવી લેવા માગે છે : મોદીનો દાવો

નવી દિલ્હી : વારસાગત ટેક્સ પર ચર્ચા કરવાના કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની રેલીમાં ઉઠાવ્યો હતો. મોદીએ પિત્રોડાના નિવેદનને ટાંકીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે લોકોને લૂંટવાનો કોંગ્રેસનો મંત્ર છે જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ મૃત્યુ બાદ પણ તમારી સંપત્તિને લૂંટી લેવા માગે છે. વડાપ્રધાને કહ્યું હતું કેે માતા પિતા પાસેથી જે સંપત્તિ મેળવવામાં આવે છે તેના પર પણ કોંગ્રેસ ટેક્સ નાખવા માગે છે. કોંગ્રેસનો પંજો માતા પિતાના સંતાનો પાસેથી સંપત્તિને ઝૂંટવી લેશે. 

છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ વારસાગત ટેક્સ લાગુ કરવા માગે છે. શેહઝાદા અને શાહી પરિવારના સલાહકાર (સામ પિત્રોડા) કહે છે કે લોકો પર વધુ ટેક્સ નાખવો જોઇએ. કોંગ્રેસ વારસામાં મળતી સંપત્તિ પર પણ ટેક્સ નાખવા માગે છે. કોંગ્રેસનો મંત્ર છે કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. જ્યાં સુધી તમે જીવીત છો ત્યાં સુધી કોંગ્રેસ તમારા પર વધુ ટેક્સ નાખશે, તમારા મૃત્યુ બાદ તમારા પર વારસાગત ટેક્સનો બોજ નાખશે. તમારા તેમજ તમારા સંતાનોના અધિકારોને કોંગ્રેસ છીનવી લેવા માગે છે. 

મોદીએ રેલીમાં તેમને સાંભળવા આવેલા લોકોને કહ્યું હતું કે તમને ખ્યાલ છે ને કે કોંગ્રેસ આ બધુ છીનવીને કોને આપવા માગે છે? મારે ખુલાસો કરવાની જરૂર નથી. શું તમે આ પાપ થવા દેશો? કોંગ્રેસના આ મનસુબાને જનતા સફળ નહીં થવા દે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ધર્મના આધારે અનામત આપી હતી, જેની બંધારણ પણ છૂટ નથી આપતું. કોંગ્રેસે ૨૦૦૯ અને ૨૦૧૪માં પણ આ જ વચન આપ્યું હતું. કર્ણાટકમાં પાછલા બારણેથી કોંગ્રેસે ઓબીસી અનામતમાં મુસ્લિમોને અનામત આપી હતી. આવું કરીને ઓબીસીની અનામતનો મોટો હિસ્સો કોંગ્રેસે છીનવી લીધો. કોંગ્રેસ ઓબીસીની મોટી દુશ્મન છે. ૨૦૦૪માં ધર્મ આધારીત અનામત આપીને કોંગ્રેસે ડો. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેબિંગ કર્યું હતું. કોંગ્રેસ આ ફોર્મ્યુલા સમગ્ર દેશમાં લાગુ કરવા માગે છે. 

મોદીએ કહ્યું હતું કે ચૂંટણીઓ આવશે અને જશે પણ કોંગ્રેસની આ ઘાતક ગેમ ઓબીસી, દલિત અને આદિવાસીઓની અનામત છીનવી લેશે. વિપક્ષ બંધારણને નફરત કરે છે. મોદીએ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ધર્મ આધારીત અનામતના વિરોધી હતા. પણ કોંગ્રેસ ધર્મ આધારીત અનામતનો ફોર્મ્યુલા લાગુ કરવા માગે છે. બંધારણ સ્પષ્ટપણે કહે છે કે ધર્મ આધારે અનામત ના આપી શકાય પણ કોંગ્રેસે વર્ષો પહેલા ધર્મ આધારીત અનામતની જોગવાઇ કરી હતી. અગાઉ કર્ણાટકમાં કોંગ્રેસે ધર્મ આધારીત અનામત આપી હતી, જેને ભાજપની સરકારે રદ કરી દીધી હતી.

દર વર્ષે પીએમ બદલી નાખવાનું વિપક્ષનું આયોજન : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં રેલીને સંબોધતા દાવો કર્યો હતો કે કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન વન યર વન પીએમની ફોર્મ્યુલા બનાવી છે. એક વર્ષમાં એક પીએમ, બીજા વર્ષે બીજા પીએમ. એક ખુરશી પર બેઠશે તો બીજા ચાર ખુરશીને પકડીને બેઠા રહેશે અને રાહ જોશે કે તેમનો વારો ક્યારે આવશે. સાંભળવામાં એવુ લાગે કે આ મુંગેરીલાલના હસીન સપના છે જોકે આ દેશ બરબાદ કરવા માટેનો ખેલ છે. લોકોના સપનાને કચડી નાખવાનો ખેલ છે. મોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ દર વર્ષે વિપક્ષ પીએમ બદલી નાખવા માગે છે. જેને એક વર્ષ-એક પીએમ નામ આપવામાં આવ્યું છે.  

Gujarat