For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈવીએમ પર સવાલ ઉઠાવવા મુદ્દે કોંગ્રેસે દેશની માફી માગવી જોઈએ

Updated: Apr 28th, 2024

ઈવીએમ પર સવાલ ઉઠાવવા મુદ્દે કોંગ્રેસે દેશની માફી માગવી જોઈએ

- ગોવા-કોલ્હાપુરમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર

- શિવાજીની ભૂમિ પર નકલી શિવસેનાએ ઔરંગઝેબને માનનારા સાથે હાથ મિલાવ્યા હોવાનો મોદીનો દાવો

(પીટીઆઈ)વાસ્કો/કોલ્હાપુર : દેશમાં ચૂંટણીઓમાં પરાજયનો સામનો કરવાનો આવે એટલે વિપક્ષ ઈવીએમ સામે સવાલો ઉઠાવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટને ૧૦૦ ટકા સલામત ગણાવતો ચૂકાદો આપીને કોંગ્રેસ સહિત વિપક્ષને લપડાક મારી છે ત્યારે ઈવીએમ પર સવાલ ઉઠાવવા બદલ વિપક્ષે દેશની માફી માગવી જોઈએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.  વધુમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો દેશમાં સ્થિર સરકારના બદલે પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન આપવાની તેમની યોજના છે તેમ મોદીએ કોલ્હાપુરમાં કહ્યું હતું.

દેશમાં લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ગયું છે. હવે એક સપ્તાહ જેટલા સમયમાં ગુજરાત સહિતના રાજ્યોમાં ૭ મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે  ગોવામાં નરેન્દ્ર મોદીએ શનિવારે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારની યોજનાઓના અમલના સંદર્ભમાં ગોવા એકદમ આદર્શ રાજ્ય છે, જે સામાજિક ન્યાય અને સાંપ્રદાયિક્તાનું ઉદાહરણ પૂરું પાડે છે.

કોંગ્રેસે ઈવીએમ અંગે જુઠ્ઠાણા ચલાવી લોકોને ગેરમાર્ગે દોર્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે ઈવીએમમાં કશું જ ખોટું નથી. તે ૧૦૦ ટકા સલામત છે. કોંગ્રેસે ઈવીએમ અંગે જુઠ્ઠાણા ફેલાવવા બદલ દેશની માફી માગવી જોઈએ.

તેમણે ઉમેર્યું કે, ગોવા ભવ્ય મંદિરો અને અદ્ભૂત ચર્ચો માટે પ્રખ્યાત છે. ૨૦૨૪ની ચૂંટણી એનડીએની વિચારસરણી અને ઈન્ડિયા બ્લોક વચ્ચે લડાઈ રહી છે. એનડીએ નાગરિકોની ઈચ્છાઓ પૂરી કરતા દેશભક્તિ માટે લડી રહ્યું છે જ્યારે ઈન્ડિયા બ્લોક તેમના પરિવારોના હિતોનું રક્ષણ કરવા સ્વાર્થી હેતુથી લડી રહ્યું છે. અમારો અભિગમ તુષ્ટીકરણ નહીં પરંતુ સંતુષ્ટીકરણ છે.

દરમિયાન કોલ્હાપુરમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોકને નિશાન બનાવતા કહ્યું હતું કે, ઈન્ડી ગઠબંધન સત્તા પર આવશે તો પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનો બનાવવાની તેમની યોજના છે. આ ગઠબંધનને ત્રણ આંકડામાં પણ બેઠકો મળવાની નથી તેમજ તે સરકાર બનાવવાના બહુમત નજીક પણ પહોંચી શકવાનું નથી તેમ છતાં તેઓ પ્રત્યેક વર્ષે એક વડાપ્રધાન બનાવવા માગે છે.

વધુમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કોલ્હાપુરમાં શિંદે શિવસેના જૂથના ઉમેદવાર સંજય માંડલિક માટે વિશાળ સભા યોજી હતી. શિવાજી મહારાજની ભૂમિ પર ઔરંગઝેબને માનનારા સાથે હાથ મેળવનારી નકલી શિવસેના ખભેથી ખભા મેળવીને કામ કરે છે. આથી આજે બાળ ઠાકરેનો આત્મા દુભાયો હશે એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ સેનાની જોરદાર ટીકા કરી હતી. ઈન્ડિયા ગંઠબંધનનો એજન્ડા દેશ વિરોધી છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો જમ્મુ-કાશ્મીરમાં ફરી કલમ ૩૭૦ લાવવા માગે છે તેમ મોદીએ કહ્યું હતું.

Gujarat