For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં પહેલી ચૂંટણી કરાવવી ચૂંટણી પંચ માટે હતો મોટો પડકાર, જાણો મતદારોને કેવી રીતે જાગૃત કરાયા હતા

Updated: Apr 20th, 2024

દેશમાં પહેલી ચૂંટણી કરાવવી ચૂંટણી પંચ માટે હતો મોટો પડકાર, જાણો મતદારોને કેવી રીતે જાગૃત કરાયા હતા
Image Social Media

Lok Sabha Elections 2024: હાલમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દેશે સાત દાયકા કરતાં વધુ સમયમાં 15 વડાપ્રધાનને જોયા છે. 18મી લોકસભાની ચૂંટણીનું કામ 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં પહેલી ચૂંટણી ક્યારે થઈ હતી? હકીકતમાં 26 જાન્યુઆરી 1950ના રોજ દેશમાં  બંધારણ અમલમાં આવ્યું હતું, પરંતુ લોકશાહી બનવા માટે સામાન્ય ચૂંટણી થવી જરૂરી હતી. પહેલી ચૂંટણી લગભગ 72 વર્ષ પહેલા 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી આશરે પાંચ મહિના ચાલી હતી. 

ભારતે પશ્ચિમી દેશોનો રસ્તો નહોતો અપનાવ્યો 

ભારતની પહેલી સામાન્ય ચૂંટણી કેટલીયે બાબતો સિવાય વિશ્વાસની બાબત પણ મુખ્ય હતી. એક તો દેશ નવો-નવો આઝાદ થયો હતો, અને સાર્વત્રિક મતાધિકાર હેઠળ તેમના શાસકોને સીધા જ ચૂંટવા જઈ રહ્યો હતો. ભારતે પશ્ચિમી દેશોનો રસ્તો નહોતો અપનાવ્યો, ત્યાં કેટલાક શક્તિશાળી વર્ગોને જ મત આપવાનો અધિકાર આપવામાં આવતો હતો. પરંતુ ભારતમાં આવું બન્યું નથી. 1947માં દેશ આઝાદ થયો અને બે વર્ષ બાદ અહીં ચૂંટણી પંચની રચના કરવામાં આવી.

સુકુમાર સેન બન્યા હતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના પુસ્તક 'ઈન્ડિયાઃ આફ્ટર ગાંધી' માં લખ્યું છે કે, સુકુમાર સેનને માર્ચ 1950માં મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. બીજા જ મહિને સંસદમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. સંસદમાં આ કાયદો રજૂ કરતી વખતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એવી આશા વ્યક્ત કરી હતી, કે 1951ની વસંત સુધીમાં ચૂંટણી યોજાઈ જશે. આ મામલે નહેરુની ઉતાવળ સમજી શકાય તેવી હતી, પરંતુ ચૂંટણી કરાવવાની જવાબદારી ઉપાડનારા વ્યક્તિ માટે આ મુશ્કેલ કામ હતું.

આશરે 18 કરોડ હતા મતદારો

તે વખતની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 17 કરોડ 60 લાખ હતી. જેમાંથી 85 ટકા મતદારો તો વાંચી પણ નહોતા શકતા અને લખી પણ નહોતા શકતા. તેમાં પણ દરેક મતદારની ઓળખ કરવી પડતી હતી, જેમાં તેમનું નામ લખવું તેમજ રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. પરંતુ ખરી સમસ્યા તો એ હતી કે મોટાભાગે અભણ મતદારો માટે પક્ષનું નિશાન, બેલેટ પેપર અને મતપેટી કેવા પ્રકારની બનાવવામાં આવી હતી. 

મતદારોમાં જાગૃતિ લાવવી મોટો પડકાર 

એ સમયે ચૂંટણી કરાવવામાં પંચ સમક્ષ સૌથી મોટો પડકાર મતદારોમાં જાગૃતિ લાવવાનો હતો. આશરે 18 કરોડ મતદારો કેવી રીતે મતદાન કરશે, તે વિશેની માહિતી આપવા માટે પંચે યુદ્ધના ધોરણે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. આ માટે એક ખાસ ફિલ્મ બનાવવામાં આવી હતી અને દેશભરના 3000 થી વધુ સિનેમાઘરોમા બતાવવામાં આવી કે મતદાન કેવી રીતે કરવું. આ ઉપરાંત અખબારો દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કરવામાં આવ્યું હતું. તો લાખો કરોડો લોકો સુધી ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા કેટલાક કાર્યક્રમો દ્વારા સંદેશા પહોંચાડવામાં આવ્યા હતો.

એ વખતે 2,24,000 મતદાન કેન્દ્ર ઊભા કરાયા

આખરે વર્ષ 1952ની શરુઆતના મહિનામાં ચૂંટણી યોજવાની નક્કી કરવામાં આવ્યું. આ ચૂંટણીમાં કુલ 4500 બેઠકો હતી. આશરે 500 બેઠકો સંસદ માટે હતી અને બાકીના વિધાનસભા માટે હતી.  આ  ચૂંટણીમાં 2,24,000 મતદાન કેન્દ્રો બનાવવાામાં આવ્યા હતા. અને 20 લાખ લોખંડની મતપેટીઓ બનાવવામાં આવી હતી. આ મતપેટીઓ બનાવવા માટે 8200 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

કોંગ્રેસને મળી હતી પ્રચંડ બહુમતી

પહેલી લોકસભા ચૂંટણીમાં 489 બેઠકો પર મતદાન થયુ હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે 364 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. સીપીઆઈ બીજા નંબરે સૌથી મોટી પાર્ટી હતી જેને 16 બેઠકો મળી હતી. અખિલ ભારતીય જનસંઘ (ભારતીય જનતા પાર્ટી)ને માત્ર ત્રણ બેઠકો મળી હતી. 


Gujarat