For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેલેટ પેપરથી મતદાનમાં પણ અનેક ખામીઓ છે : સુપ્રીમ

Updated: Apr 17th, 2024

બેલેટ પેપરથી મતદાનમાં પણ અનેક ખામીઓ છે : સુપ્રીમ

- ઈવીએમ સાથે ચેડાંના આક્ષેપો મુદ્દે સુપ્રીમે આકરાં સવાલો પૂછ્યા

- માનવીય દખલ થાય ત્યારે સમસ્યાઓ પેદા થાય છે, અન્યથા મશીન તમને એકદમ સચોટ પરિણામ આપે

- બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારની પરિસ્થિતિ તમે ભૂલ્યા હશો, અમને નહીં : ન્યાયાધીશ ખન્ના

- આપણે કોઈકના પર તો વિશ્વાસ કરવો પડશે, સિસ્ટમ તોડી પાડવાનું કામ ના કરો : દિપાંકર દત્તા

- કોણે કહ્યું મતદારોને ઈવીએમ પર વિશ્વાસ નથી : સુપ્રીમ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષ સતત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સાથે સરકરાના ચેડાં અંગે આક્ષેપો કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ અને વીવીપેટના સંદર્ભમાં વિપક્ષને અનેક આકરાં સવાલ પૂછ્યા હતા અને બેલેટ પેપરના ઉપયોગ અંગે થતી ગેરરીતિઓની પણ યાદ અપાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માનવીય દખલ થાય ત્યારે સમસ્યાઓ પેદા થાય છે. અન્યથા મશીન તમને એકદમ સચોટ પરિણામ આપે છે.

ઈવીએમથી મતદાન દરમિયાન દરેક મતદારને વેરિફિકેશન માટે વીવીપેટ સ્લિપ મળવી જોઈએ તેવી માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે છે ત્યારે ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ કેસમાં આગામી સુનાવણી ૧૮ એપ્રિલ પર મુલતવી રાખી છે.

આ સુનાવણીમાં ન્યાયાધીશ ખન્નાએ મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે, માનવીય દખલ હોય ત્યારે સમસ્યાઓ વધી જાય છે. માનવીય દખલ ના હોય તો મશીન તમને એકદમ ચોક્કસ જવાબ આપી શકે છે. સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે માનવીય દખલ કરવામાં આવે છે. તમારી પાસે મશીન સાથે ચેડાં રોકવા અંગે કોઈ સૂચન હોય તો તમે આપી શકો છો. 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને સોશિયલ એક્ટિવિસ્ટ અરૂણ કુમાર અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ઈવીએમના મતો અને વીવીપેટની ચીઠ્ઠીઓની ૧૦૦ ટકા મેળવણીની માગણી કરી છે. આ અરજીની સુનાવણીમાં બેન્ચે એડીઆર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને અનેક આકરા સવાલો પૂછ્યા હતા.

પ્રશાંત ભૂષણે કહ્યું કે, મોટાભાગના મતદારોને ઈવીએમ પર વિશ્વાસ નથી ત્યારે ન્યાયાધીશ દીપાંકર દત્તાએ તેમને ટોકતા સવાલ કર્યો કે, તમે કહ્યું કે મોટાભાગના મતદારો ઈવીએમ પર વિશ્વાસ નથી કરતા. આ ડેટા તમે ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો? તેના જવાબમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે, એક સર્વેક્ષણ થયું હતું. તેના પરથી આ દાવો કરી શકાય છે. જસ્ટિસ દત્તાએ કહ્યું કે, અમે ખાનગી સર્વેક્ષણો પર વિશ્વાસ ના કરી શકીએ.

પ્રશાંત ભૂષણે અન્ય એક દલીલમાં કહ્યું કે, યુરોપીયન દેશોની જેમ ભારતે પણ બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ. જોકે, ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે બેલેટ પેપરથી ચૂંટણી થતી હતી ત્યારે પણ સમસ્યાઓ હતી. અમે જાણીએ છીએ કે બેલેટ પેપર્સથી મતદાન થતું હતું ત્યારે શું સ્થિતિ હતી? બુથ કેપ્ચરિંગ થતા હતા. એ પરિસ્થિતિ તમે ભૂલી ગયા હશો, પરંતુ અમને બધું યાદ છે. વધુમાં  ન્યાયાધીશ દીપાંકર દત્તાએ સવાલ કર્યો કે, જર્મનીની વસતી કેટલી છે? પ્રશાંત ભૂષણે કહ્યું, લગભગ પાંચ કરોડ છે. આપણા દેશમાં ૬૦ કરોડ જેટલા મતદારો છે.  મારા ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળની વસતી જ જર્મની કરતાં વધુ છે. જોકે, ન્યાયાધીશ ખન્નાએ કહ્યું, ભારતમાં ૯૭ કરોડ મતદારો નોંધાયેલા છે. યુરોપીયન ઉદાહરણ અહીં કામ નહીં કરે. આપણે કોઈકના પર તો વિશ્વાસ કરવો પડશે. આ રીતે સિસ્ટમ તોડી પાડવાનો પ્રયત્ન ના કરો. 

અન્ય એક વકીલ સંજય હેગડેએ માગ કરી કે ઈવીએમમાં નોંધાયેલા મતોની મેળવણી વીવીપેટની ચીઠ્ઠીઓ સાથે ૧૦૦ ટકા કરવામાં આવે. આ અંગે ન્યાયાધીશ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે શું તમે એમ ઈચ્છો છો કે ૬૦ કરોડ વીવીપેટ ચીઠ્ઠીઓની ગણતરી થાય? ચૂંટણી પંચ તરફથી હાજર વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું કે, બધા જ વીવીપેટની ચીઠ્ઠીઓની ગણતરીમાં ૧૨ દિવસ લાગી શકે.

વીવીપેટ કેવી રીતે કામ કરે છે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વીવીપેટ કેવી રીતે કામ કરે છે તે અંગે સવાલ કર્યો હતો. ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન સાથે વધુ એક મશીન જોડાયેલું હોય છે અને તેની સાથે એક ટ્રાન્સપરન્ટ બોક્સ હોય છે. તેને વીવીપેટ એટલે કે વોટર-વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ કહે છે. મતદારો ઈવીએમ મારફથ તેમનો મત નાંખે છે ત્યારે વીવીપેટમાંથી એક ચીઠ્ઠી નીકળે છે અને બોક્સમાં પડે છે. આ ચીઠ્ઠી પર મતદારે જે પક્ષને મત આપ્યો હોય છે તેનું ચૂંટણી ચિહ્ન નોંધાયેલું હોય છે. વીવીપેટની ચીઠ્ઠી મતદારોને એ જોવા માટે સક્ષમ બનાવે છે કે મત યોગ્ય રીતે પડયો છે અને તેઓ જે ઉમેદવારને સમર્થન કરે છે તેને જ અપાયો છે. મતદારોને શંકા પડે તો તે અધિકારીને ફરિયાદ કરીને ચીઠ્ઠી જોઈ શકે છે અને સુનિશ્ચિત કરી શકે છે કે તેણે જે પક્ષને મત આપ્યો છે તેને જ ગયો છે કે નહીં.

પ્રશાંત ભૂષણની દલીલો

- જર્મની સહિત યુરોપીયન દેશો ઈવીએમ છોડી બેલેટ પેપર પર પાછા ફર્યા.

- ઈવીએમના મતો અને વીવીપેટની ચીઠ્ઠીઓની ૧૦૦ ટકા મેળવણી કરવી જોઈએ.

- ઈવીએમનું ઉત્પાદન સરકારી કંપનીઓ કરતી હોવાથી અવિશ્વસનીય.

- ઈવીએમ પર દેશના મતદારોને વિશ્વાસ નથી. સર્વેક્ષણ કરાયું હતું.

સુપ્રીમ કોર્ટના સવાલો

- વસતીને ધ્યાનમાં રાખતાં જર્મની-યુરોપનું ઉદાહરણ અહીં નહીં ચાલે.

- દેશમાં ૯૭ કરોડ મતદારો, વીવીપેટની બધી ચીઠ્ઠીઓની મેળવણીમાં ૧૨ દિવસ લાગે.

- શું ખાનગી કંપનીઓ ઈવીએમ બનાવશે તો તમે ખુશ થશો?

- મતદારોના અવિશ્વાસનો ડેટા ક્યાંથી મેળવ્યો? ખાનગી સર્વેક્ષણ માની શકાય નહીં.

Gujarat