For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારે ગરમી વચ્ચે 21 રાજ્યોમાં 60 ટકા મતદાન થયું, 2019ની ચૂંટણી કરતાં ઓછું, સૌથી વધુ અહીં

ત્રિપુરામાં સૌથી વધુ 79.90, પશ્ચિમ બંગાળમાં 77.57, પુડુચેરીમાં 73.25 ટકા

સૌથી ઓછું બિહારમાં 47.49 ટકા, રાજસ્થાનમાં 50.95 ટકા, ઉત્તરાખંડમાં 53.62 ટકા મતદાન

Updated: Apr 20th, 2024

ભારે ગરમી વચ્ચે 21 રાજ્યોમાં 60 ટકા મતદાન થયું, 2019ની ચૂંટણી કરતાં ઓછું, સૌથી વધુ અહીં

Lok Sabha Elections 2024 | દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં શુક્રવારે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં એકંદરે ૬૨ ટકાથી વધુ મતદાન થયું હતું. જોકે, મતદાનની ટકાવારી હજુ વધવાની સંભાવના છે. ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકોને આવરી લેતા મતદાનમાં પશ્ચિમ બંગાળ અને મણિપુર સિવાય એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન શરૂ થતા જ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હિંસા થઈ હતી. બીજીબાજુ મણિપુરના મોઈરાંગના થમનકોપીમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ મતદારો ભાગી ગયા હતા અને તેનો વીડિયો વાયરલ થયો છે. છત્તીસગઢના બસ્તરમાં ગ્રેનેડ લોન્ચર શેલનો અકસ્માતે વિસ્ફોટ થતાં સીઆરપીએફના એક જવાનનું મોત થયું હતું.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા અને સૌથી મોટા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. દેશના ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર ૬૨.૩૭ ટકા મતદાન થયું હતું. જોકે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં એકંદરે ૭ ટકા ઓછું મતદાન થયું હોવાના અહેવાલ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૯ ટકા મતદાન થયું હતું. આ સાથે શુક્રવારે તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યો સાથે કુલ ૧૦ રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન પૂરું થઈ ગયું છે. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓમાં હવે એકસાથે આટલી બેઠકો પર મતદાન નહીં થાય. લોકસભાની સાથે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની બધી જ બેઠકો પર પણ મતદાન થયું હતું.

દેશમાં શુક્રવારે ૨૧ રાજ્યોમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં ૭૯.૯૦ ટકા નોંધાયું હતું. ત્યાર પછી હિંસાગ્રસ્ત પશ્ચિમ બંગાળમાં ૭૭.૫૭ ટકા, પુડુચેરીમાં ૭૩.૨૫ ટકા, અસમમાં ૭૧.૩૮ ટકા અને મેઘાલયમાં ૭૦.૨૬ ટકા મતદાન થયું હતું. આ સિવાય સૌથી ઓછું મતદાન થયું હોય તેવા રાજ્યોમાં બિહાર (૪૭.૪૯ ટકા), રાજસ્થાન (૫૦.૯૫ ટકા), ઉત્તરાખંડ (૫૩.૬૨ ટકા), મિઝોરમ (૫૪ ટકા) અને મહારાષ્ટ્ર (૫૫ ટકા)નો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૪૦૦થી વધુ બેઠકો જીતવાના આશયથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપને તમિલનાડુમાં બેઠકો જીતવાની આશા છે ત્યારે શુક્રવારે તમિલનાડુમાં ૬૨.૧૯ ટકા જેટલું મતદાન થયું હતું. પીએમ મોદીએ આ વખતે તમિલનાડુમાં અનેક સભાઓ કરીને દક્ષિણના રાજ્યોમાં વધુ બેઠકો જીતવા પર ભાર મૂક્યો છે. તમિલનાડુમાં બધી જ ૩૯ બેઠકો પર મતદાન થયું છે.

પંચે ઊમેર્યું કે, અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમી હોવા છતાં મતદારો મતદાન કરવા આગળ આવ્યા હતા જ્યારે કેટલાક મતદાન મથકો પર વહેલી સવારે ૫.૦૦ વાગ્યાથી જ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઈન લગાવવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર દેશમાં એકંદરે સાંજે ૬.૦૦ વાગ્યે મતદાન પૂરું થઈ જતું હોય છે ત્યારે મતદાન કેન્દ્રોમાં હાજર મતદારોનું મતદાન બાકી હોવાથી એકંદરે સાંજે ૭.૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી.

ચૂંટણી પંચે ઉમેર્યું હતું કે, શુક્રવારે મતદાનમાં પહેલી વખત મત આપનારા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક નવદંપતી લગ્ન મંડપમાંથી જ તેમના પરંપરાગત વસ્ત્રોમાં સીધા જ મત આપવા મતદાન કેન્દ્રમાં પહોંચ્યા હતા. શારીરિક દિવ્યાંગ અને વૃદ્ધો પણ સ્ટ્રેચર્સ અને વ્હિલચેર્સમાં મતદાન કરવા આવ્યા હતા. પંચે ઉમેર્યું કે, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, અંદામાન અને નિકોબાર ટાપુઓ તથા અસમમાં ઈવીએમમાં સામાન્ય ખામીના અહેવાલો આવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં મતદાન હિંસક રહેવાની આશંકા હોવાથી તેની કુલ ૪૨માંથી પહેલા તબક્કમાં માત્ર ત્રણ બેઠકો પર મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન શરૂ થતા જ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ચાંદમારી ગામમાં બંને પક્ષોના કાર્યકરો અને સમર્થકો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. 

તૃણમૂલે ભાજપ પર દેશી બોમ્બ ફેંકવાનો આરોપ મૂક્યો હતો, જેમાં તેના બ્લોક અધ્યક્ષ અનંત બર્મન ઘાયલ થઈ ગયા હતા. બંને પક્ષોએ એકબીજા પર મતદારોને ડરાવવા-ધમકાવાના આક્ષેપો કર્યા હતા. અનેક મતદારોને મતદાન કેન્દ્રો સુધી પહોંચતા રોકવામાં આવ્યા હોવાના પણ અહેવાલો છે.  તૃણમૂલ અને ભાજપ બંને પક્ષોએ સામ-સામી ૮૦ અને ૩૯ ફરિયાદો નોંધાવી હતી. છેલ્લા એક વર્ષથી વંશીય હિંસાનો સામનો કરનારા મણિપુરમાં ૬૮.૬૨ ટકા મતદાન થયું હતું. જોકે, મણિપુરમાં પણ છુટીછવાઈ હિંસાની ઘટનાઓ બની હતી.

Gujarat