For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિલ્પા- રાજ કુન્દ્રાની 100 કરોડની સંપત્તિ જપ્ત

Updated: Apr 19th, 2024

શિલ્પા- રાજ કુન્દ્રાની 100 કરોડની સંપત્તિ જપ્ત

- શિલ્પા શેટ્ટીનો મુંબઈના જુહુ ખાતેનો ફલેટ,  પુણેનો બંગલો, ઈક્વિટી શેરો સહિતની  મિલિકતો ઈડી દ્વારા જપ્ત 

- 6600 કરોડનો બિટકોઈન પોન્ઝી સ્કેમ

- 2017ના ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કેમ કૌભાંડના મની લોન્ડરિંગના પાસાંની તપાસમાં કાર્યવાહી : રાજ કુન્દ્રાએ યુક્રેનમાં પોતાની બિટકોઈન માઇનિંગ કંપની શરુ કરવા આ સ્કેમના કૌભાંડીઓ પાસેથી 150 કરોડના 285 બિટકોઈન્સ મેળવ્યા હતા

મુંબઇ : ૬૬૦૦ કરોડના બિટ કોઈન સ્કેમમાં  વ્યવહારો બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ  રાજ કુન્દ્રાની  રૂ. ૧૦૦ કરોડની પ્રોપર્ટી તથા  ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. ૨૦૧૭ના આ કૈૌભાંડમાં રોકાણકારો સાથે ૬૬૦૦ કરોડની છેંતરપિંડી થઈ હતી. રાજ કુન્દ્રાએ પોતાની બિટકોઈન માઈનિંગ કંપની શરુ કરવા માટે કૌભાંડીઓ પાસેથી ૨૮૫ બિટકોઈન્સ મેળવ્યા હતા. આ વ્યવહારોમાં મની લોન્ડરિંગ થયું હોવાની શંકાના આધારે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. રાજ કુન્દ્રા આ રીતે વધુ એક વખત કોઈ સરકારી એજન્સીની ચુંગાલમાં ફસાયો છે. અગાઉ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. આ ઉપરાંત ઈકબાલ મિર્ચી ગેંગ સાથે વ્યવહારોના કેસમાં પણ તેની ઈડી દ્વારા અગાઉ પૂછપરછ થઈ ચૂકી છે તથા સટ્ટા બેટિંગમાં સંડોવણી બદલ આઈપીએલમાંથી હકાલપટ્ટી સાથે પણ તે બદનામ થઈ ચૂક્યો છે. હવે દેશના અસંખ્ય રોકાણકારોનું કરોડોનું રોકાણ ઉસેડી જનારા કૌભાંડીઓ સાથે વ્યવહારો માટે તેની સંપત્તિ પર ટાંચ આવતાં બોલીવૂડનું આ સેલિબ્રિટી કપલ ફરી ગેરકાયદેસર વ્યવહારો માટે  ચર્ચામાં આવ્યું છે. 

ઇડી એ જપ્ત કરેલી રૂ. ૯૭.૭૯ કરોડની માલમત્તામાં જૂહુનો શિલ્પા શેટ્ટીના નામનો ફ્લેટ, પુણેનો બંગલો, કુન્દ્રાના નામે ઇક્વિટી શેરનો સમાવેશ છે, એમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

૨૦૧૭માં ગેઈન બિટકોઈન નામની પોન્ઝી   સ્કિમનં કૌભાંડ બહાર આવ્યું હતું. અજય અને મહેન્દ્ર ભારદ્વાજ નામના મુખ્ય આરોપીઓએ ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કિમ ચાલુ કરી હતી. 

આ કૌભાંડમાં મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની, અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને સંખ્યાબંધ મલ્ટી લેવલ માર્કેટિંગ એજન્ટ વિરુદ્ધ   જુદી જુદી એફઆઈઆર થઈ હતી. બાદમાં ઔ કૌભાંડમમાં મની લોન્ડરિંગના પાસાંની તપાસ ઈડી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.  

આ કંપની તથા અમિત ભારદ્વાજ સહિતના આરોપીઓએ તથા જુદા જુદા એજન્ટો દ્વારા રોકાણકારોને  ૧૦ ટકા કે તેથી પણ ઉચ્ચ વળતરની લાલચ આપી  ૬૬૦૦ કરોડ રુપિયા જમા કરવામાં આવ્યા હતા. ૨૦૧૭ની બિટકોઈન્સનાં મૂલ્ય પ્રમાણે આ જમા થયેલી રકમ ૬૬૦૦ કરોડ રુપિયા હતી. રોકાણકારોને ક્રિપ્ટોના સ્વરુપે જ જંગી વળતર અપાશે તેવી લાલચ અપાઈ હતી. જોકે, આ સમગ્ર દાવા પોકળ સાબિત થયા હતા અને રોકાણકારોએ તેમની સંપત્તિ ગુમાવી હતી.  જેમ જેમ નવા રોકાણકારો આવતા જાય તે મ તેમ જૂના રોકાણકારોને વળતર ચૂકવાય તેવી સ્કિમ હતી. પરંતુ થોડા સમય બાદ કોઈ નવા રોકાણકાર આવ્યા ન હતા અને જૂના રોકાણકારોનું રોકાણ ફસાઈ ગયું હતું. 

ઈડીના આરોપ અનુસાર બિટકોઈન માઈનિંગ એટલે કે બ્લોકચેઈનમાં બિટકોઈનના ટ્રાન્ઝેક્શન કરવા કે નવા  બિટકોઈન્સ ઉમેરવા માટેની કંપની   યુક્રેન ખાતે સ્થાપવા માટે રાજ કુન્દ્રાએ  આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અને ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કેમના મુખ્ય સંચાલક અણિત ભારદ્વાજ પાસેથી  ૨૮૫ બિટકોઈન્સ મેળવ્યા હતા. દેખીતી રીતે જ અમિત ભારદ્વાજે કૌભાંડના ભાગરુપે આ બિટકોઈન્સ મેળવ્યા હતા અને તેમાંથી જ તેણે આ બિટકોઈન્સ રાજ કુન્દ્રાને આપ્યા હતા. આમ આ  સમગ્ર કૌભાંડમાં ગુનો આચરીને એકઠી કરાયેલી સંપત્તિ રાજ કુન્દ્રા પાસે આવી હતી. 

. ઇડીએ દાવો કર્યો હતો ક આ સોદો જોકે પાર પડયો ન હતો અને તેના કારણે  રાજ  કુન્દ્રા પાસે હજી પણ ૨૮૫ બિટકોઇન્સ છે એની કિંમત હાલમાં અંદાજે રૂ. ૧૫૦ કરોડથી વધુ છે. 

 ઇડીએ ગયા વર્ષે આ કેસમાં સિમ્પી ભારદ્વાજ, નીતિન ગૌર અને નિખિલ મહાજનની ધરપકડ કરી હતી. તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. ઇડીએ અગાઉ આ કેસમાં રૂ. ૬૯ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જૂન ૨૦૧૯માં પહેલી અને આ વર્ષે ફેબુ્રઆરીમાં બીજી ચાર્જશીટ દાખલ કરાઇ હતી.  મુખ્ય આરોપીઓ અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ નાસતા ફરે છે. 

રાજ  કુન્દ્રા અને શિલ્પા  શેટ્ટીના વકીલે જણાવ્યું  હતું કે  તેમના  ક્લાયન્ટસ સામે પ્રથમ દ્રષ્ટિએ કોઇ કેસ કરવામાં આવ્યો નથી. તેઓ તપાસ અધિકારીઓને સહકાર આપશે.  તેઓ તેમની સંપત્તિના રક્ષણ  માટે જરુરી કાયદાકીય પગલાં લેશે. 

ઈકબાલ મિર્ચીના ફ્રન્ટમેન સાથે વ્યવહારોના કેસમાં રાજ કુન્દ્રાની ઈડી એ નવ કલાક પૂછપરછ કરી હતી

રાજ કુન્દ્રા દાઉદ ઈબ્રાહિમ ગેંગના ઈકબાલ મિર્ચી સાથે પ્રોપર્ટી સોદાઓમાં સંડોવણી માટે પણ અગાઉ ઈડીના રડારમાં ફસાયો હતો. ૨૦૧૯ના ઓક્ટોબર માસમાં ઈડી દ્વારા આ કેસમાં રાજની નવ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રાજે તે વખતે  ઈડી સમક્ષ પૂછપરછમાં કબૂલી લીધું હતું કે ઈકબાલ મિર્ચીન ી કરોડો રુપિયાની પ્રોપર્ટીના વ્યવહારો કરવાના કેસમાં ઝડપાયેલા  એક આરોપી રણજીત સિંઘ બિન્દ્રા સાથે તે વ્યવસાયિક સંબંધો ધરાવે છે. રાજે દાવો કર્યો હતો કે બિન્દ્રા કોઈ રીતે દાઉદ ગેંગ સાથે સંકળાયેલો છે તેની પોતાને જાણ ન હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પોતે ઇકબાલ મિર્ચીને ક્યારેય રુબરુ મળ્યો નથી.  રાજે એવો બચાવ કર્યો હતો કે તેણે બિન્દ્રા સાથે અનેક નાણાંકીય અને ધંધાકીય વ્યવહારો કર્યા છે પરંતુ  બિન્દ્રા સાથેના આ વ્યવહારો સંપૂર્ણ રીતે પ્રોફેશનલ જ છે.  ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ રાજ કુન્દ્રાનું નિવેદન નોંધ્યું હતું.  ઈડીને  રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બંને જેમાં ડાયરેક્ટર હતાં તેવી એક કંપની ઈસેન્સિઅલ હોસ્પિટાલિટી લિમિટેડના કેટલાક પ્રોપર્ટી સોદાને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા હતા. રાજ કુન્દ્રાએ બિન્દ્રા તથા તેની કંપની આરકેડબલ્યૂ ડેવલપર્સ સાથે કેટલાક  સોદા કર્યા હતા.  બિન્દ્રા ઈકબાલ મિર્ચી વતી પ્રોપર્ટી તથા અન્ય બિઝનેસ ડિલિંગ કરતો હોવાનો આરો પહતો.  ઇકબાલ મિર્ચીના ફ્રન્ટમેન બિન્દ્રાની કંપનીએ શિલ્પા શેટ્ટરી અને રાજ કુન્દ્રાની કંપનીમાં ૪૪.૧૧ કરોડનું રોકાણ કર્યાનું અને તેમને ૩૧.૫૪ કરોડની લોન આપ્યાનું ખુલ્યું હતું. 

મુંબઈ પોલીસે રાજને સૂત્રધાર ગણાવ્યો હતોે

પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ ૬૩ દિવસ જેલની હવા ખાઈ ચૂક્યો છે

મુંબઈના મઢ આઈલેન્ડમાં શૂટ થયેલી ફિલ્મો મોબાઈલ એપ્સ પર અપલોડ થતી હતી

રાજ કુન્દ્રા અગાઉ પોર્ન ફિલ્મો બનાવી તેને મોબાઈલ એપ દ્વારા વેચવાના કેસમાં સપડાઈ ચૂક્યો છે. આ કેસમાં  ૬૩ દિવસ જેલની હવા ખાધા બાદ જામીન પર છૂટયો હતો.

મુંબઈમાં મઢ આઈલેન્ડના એક બંગલામાં ફેબુ્રઆરી ૨૦૨૧માં પોર્ન ફિલ્મો બનાવવાનું રેકેટ પકડાયું હતું. ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી યુવતીઓ તથા કેટલીક જાણીતી મોડલો પાસે પોર્ન શૂટિંગ કરાવાતું હતું. આ વીડિયો કેટલીક મોબાઈલ એપ્સને વેચવામાં આવતા હતા.  આ  ફિલ્મો યુકેની કંપની કેનરીન પ્રોડક્શનને અપલોડ કરવા માટે મોકલવા બદલ ઉમેશ કામતની ધરપકડ થઈ હતી અને તેની પૂછપરછમાં રાજ કુન્દ્રાની સંડોવણી બહાર આવી હતી. એવી ખબર પડી હતી કે આ કંપની રાજ કુન્દ્રાના પરિવારના જ એ ક સભ્ય પ્રદીપ બક્ષીએ જ શરુ કરી હતી.  રાજ કુન્દ્રા અને બક્ષી વચ્ચેની કેટલીક વ્હોટસ એપ ચેટના આધારે પોલીસે એવો આરોપ મૂક્યો હતો કે રાજ કુન્દ્રા  પોર્ન ફિલ્મો વેચવાના સમગ્ર વ્યવસાય સાથે સીધી રીતે સંકળાયેલો  હતો. 

મુંબઈ પોલીસે આ પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો સૂત્રધાર શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હોવાનો આરોપ મૂકી  જુલાઈ ૨૦૨૧માં તેની ધરપકડ કરતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની આર્થર રોડ જેલમાં રાજ કુન્દ્રાએ ૬૩ દિવસ કોટડીમાં વિતાવવા પડયા હતા. બાદમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં તેનો જામીન પર છૂટકારો થયો હતો. 

મુંબઈ પોલીસ આ કેસમાં તેની સામે ચાર્જશીટ પણ ફાઈલ કરી ચૂકી છે. 

રાજ કુન્દ્રા આ પોર્ન કેસમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટીએ કેટલીક ટીવી  શો છોડવા પડયા હતા અને બોલીવૂડના કેટલાક પ્રોજેક્ટસ તથા એન્ડોર્સમેન્ટ ડીલ્સ પણ તેણે ગુમાવવી પડી હતી. 

રાજ સામે એક મોડલ સાગરિકા સોના સુમને પણ એવો આરોપ મૂક્યો હતો કે રાજે તેને એક વેબ સીરિઝમાં કામ આપવાનું વચન આપ્યું હતું અને બાદમાં તેને ન્યૂડ ઓડિશન આપવા જણાવ્યું હતું. 

રાજ આ કેસમાં બદનામી બાદ હજુ હમણા સુધી ચહેરા પર ચિત્રવિચિત્ર માસ્ક પહેરીને ફરતો હતો. 

Gujarat