For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘૂંઘટ કે પટ અને પોલ... બન્ને ખોલ

Updated: Mar 22nd, 2024

ઘૂંઘટ કે પટ અને પોલ... બન્ને ખોલ

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કબીરજીનું અદ્ભૂત ભજન છેઃ ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પીયા મિલેંગે... ઘૂંઘટ ખોલો તો પ્રભુનાં દર્શન થાય, પરંતુ ઉત્તર પ્રદેશના ફિરાઝાબાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરદીઓની લાઈનમાં ઘૂમટો તાણીને ઉભેલી એક મહિલાએ જ્યારે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ડોકટરોના મોતિયા મરી ગયા હતા, કારણ એ ઘૂમટાધારી કોઈ સામાન્ય મહિલા દરદી નહીં, પણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કૃતિ રાજ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદોનો રાફડો   ફાટતા આઈએએસ કૃતિ રાજે જાતતપાસ કરવાનું નક્કી કર્યું હતું.  એટલે તેઓ સામાન્ય દરદીનો સ્વાંગ સજીને આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ઘૂમટો ઉઠાવી  હોસ્પિટલના સ્ટાફની બરાબર લેફટ-રાઈટ લીધી હતી. હોસ્પિટલમાં ચારે તરફ ગંદકી નજરે પડતી હતી, કેટલાય કર્મચારીઓ ડયુટી પરથી ગાયબ હતા અને આરોગ્ય કેન્દ્રના સ્ટોર રૂમમાંથી એક્સપાયર થયેલી દવાઓ મળી આવી હતી.  લેડી ઓફિસરે સૌથી પહેલાં પોતાના હાથે જ બધી જૂની તારીખની દવાઓ ફગાવી દીધી હતી અને પછી સ્ટાફની બરાબરની હાજરી લઈ સહુને સીધાદોર કરી નાખ્યાં હતાં. આ ઓપરેશન ઘૂંઘટની તાત્કાલિક એઅસર જોઈને કહેવું પડે કે-

સરકારી ખાતામાં ચાલે

તિકડમ અને તોલમોલ,

ઘૂંઘટ કે પટ ખોલ

ઔર ઝટપટ પોલ ખોલ

દેશનું એક માત્ર

ફ્રોગ ટેમ્પલ

ભરચોમાસે ગામડાના મંદિરમાં રાત્રે ભજન-કીર્તન ચાલતા હોય અને ઓચિંતા બે-ચાર દેડકા કૂદાકૂદ કરતા આવી ચડે તો ભક્તોમાં કેવી ભાગદોડ  મચી જાય? દેડકાથી બીને ઘણા દૂર ભાગે, પરંતુ આખા દેશમાં એક માત્ર એવું મંદિર છે જ્યાં દેડકાનાં દર્શન માટે  શ્રદ્ધાળુઓ દોડી જાય છે.દેડકાનું આ અનોખું મંદિર ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના ઓયલ ગામે આવેલું છે. માંડુક તંત્ર પર આધારિત આ મંદિરમાં દેડકાની પીઠ ઉપર બિરાજમાન મહાદવેના દર્શન થાય છે. સદીઓ પહેલાં કુદરતી આફતથી  બચવા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઓયલ ક્ષેત્ર શૈવ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું અને ત્યાંના રાજા ભગવાન શંકરના ઉપાસક હતા એટલે અનોખું મંદિર બંધાવ્યું હતું. તંત્રવાદ પર આધારિત આ મંદિરમાં દેડકાની પૂજા થાય છે. વિદેશથી આવતા ટુરિસ્ટો તો અદભૂત ફ્રોગ-ટેમ્પલ જોઈને આભા બની જાય છે. દિવાળી અને મહાશિવરાત્રીમાં તો આ દેડકા મંદિરના દર્શને હજારો ભક્તો પહોંચી જાય છે. એવું અનુમાન લગાડી શકાય કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં  ઠેકીને જનારા કોઈ નેતા દર્શને જતા હશે ત્યારે દેડકાની મૂર્તિને માથું નમાવી મનોમન પ્રાર્થના કરતા હશે કે હે દેડકા દેવ, અમને વધુમાં વધુ ઠેકમઠેક કરવાની શક્તિ આપજો....

રજાની મજા જેને

લાગે સજા

કાલે રજા છે ગઈ છું હું થાકી, વાંચીશ વહેલાં સહુ પાઠ બાકી... બાલમંદિરમાં હલકભેર આ કવિતા ગાતી વખતે રજાની મજાની કિંમત સમજાતી. નાનાથી માંડીને મોટા, ખાનગી નોકરીવાળાથી માંડીને સરકારી નોકરીવાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માંડીને હોસ્પિટલના ડોકટર અને નર્સો સહિત સહુને રજાની મજા માણવી ગમે છે. આમાં અઠવાડિક રજા ઉપરાંત હક્ક-રજા, માંદગીની રજા સહિત જાત જાતની રજા લોકો ભોગવતા હોય છે. પરંતુ ઉત્તરપ્રદેશના બિજનોરના રહેવાસી તેજપાલ સિંહે ૨૬ વર્ષની નોકરીમાં માત્ર એક જ વાર રજા લીધી છે. ૧૯૯૫થી બિજનોરાના સાકરના કારખાનામાં કામ કરતા તેજપાલસિંહ દશેરા, દિવાળી, હોળીના તહેવારના દિવસે પણ રજા નથી લેતો, એટલું જ નહીં, રવિવારની રજા પણ નથી ભોગવતો. દર વર્ષે તેને ૪૫ રજા મળે છે છતાં ૨૬ વર્ષમાં માત્ર એક જ વાર રજા લીધી છે. એટલે જ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં તેનું નામ સામેલ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રજા નથી ભોગવતાને? ગીતાના ઉપદેશ ફળની આશા વગર 'કર્મ કર્યે જા'ને  જીવનમાં ઉતારનારા આવાં વિરલા જ હોય છે એટલે જ કહેવું પડે કે-

જે માને ફળની આશા

વિના કર્મ કર્યે જા,

એને જ લાગે રજાની 

મજા નહીં સજા.

જટાયુની જંગી મૂર્તિ

રાવણ જ્યારે સીતામાતાનું અપહરણ કરી આકાશ માર્ગે લંકા લઈ જતો હતો ત્યારે પક્ષીરાજ જટાયુએ લંકેશને આંતર્યો હતો અને સીતામૈયાને બચાવવા લડત આપી હતી. વૃદ્ધાવસ્થાને લીધે પક્ષીરાજ વધુ ઝીંક ઝીલી ન શક્યા અને રાવણે તેમની બન્ને પાંખો કાપી નાખતા ગંભીર રીતે ઘાયલ જટાયુ પહાડ ઉપર ઢળી પડયા હતા. સીતાજીની શોધમાં રામ-લક્ષ્મણ  આવ્યા ત્યારે છેલ્લાં શ્વાસ લેતા જટાયુએ કહ્યું કે રાવણ સીતાજીને દક્ષિણ દિશાએ  ઉપાડી ગયો છે. આ શબ્દો સાથે પ્રભુ રામજીના આખરી દર્શન કરી જટાયુએ મોક્ષ પ્રાપ્ત કર્યો. જટાયુની પાંખ કપાયા પછી જે પહાડ ઉપર ઢળી પડયા હતા એ કેરળના કોલ્લમના ચાંદયમંગલમની પહાડી ઉપર જટાયુની દેશની સૌથી મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. ૨૦૦ ફૂટ લાંબી, ૧૫૦ ફૂટ પહોળી અને ૭૦ ફૂટ ઊંચી પક્ષીરાજની આ ભવ્ય મૂર્તિ શિલ્પકાર રાજીવ આંચલે ઘડી છે. દરિયાની સપાટીથી એક હજાર ફૂટની ઊંચાઈએ જટાયુની મૂર્તિ પાસે રામ-જટાયુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક જગ્યાએ ભગવાન રામના પદચિહ્નનાં પણ દર્શન થાય છે. પ્રાચીન સાથે અર્વાચીનનો સુમેળ સાધી ઓડિયો-વિઝયુઅલ આધારીત ડિજિટલ મ્યુઝિયમ અને ૬-ડી થિયેટર ઊભું કરવામાં આવ્યું છે ,જેમાં રામાયણ કાળના પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવ છે. અદ્યતન રોપવે અન કેબલ કારની પણ સુવિધા છે. સીતામાતાને બચાવવા માટે બલિદાન આપનારા પક્ષીરાજ જટાયુની આ વિશાળ મૂર્તિ નારી સુરક્ષા અને સન્માનનું પ્રતીક બની ગઈ છે. આ જોઈને કહેવું પડે કે-

જ્યાં જ્યાં નારી રક્ષાય

ત્યાં ત્યાં જટાયુ પૂજાય. 

વરદીવાલે મોટરિયા

લે જાયેંગે...

કાઠિયાવાડમાં એક જમાનામાં ટેણિયા મેણિયા આવાં જોડકણાં બોલતા સંભળાતા કે છગન મગન તારા છાપરે લગન... અરે મારા ભાઈ છાપરે લગન કોણ ગોઠવે? છાપરે લગન ન લેવાય, પણ ઉત્તરપ્રદેશના સહરાનપુરમાં એક દુલ્હારાજા કારના છાપરે ચડીને વાજતે ગાજતે પરણવા નીકળ્યા હતા. વરરાજા ઘોડા ઉપર સવાર થયા હોય અને જાનૈયાઓ બેન્ડવાજા કે ડીજેમાંથી રેલાતાં ગીતોના તાલે નાચતા હોય એવાં દ્રશ્યો બધાએ જોયાંહશે, પણ સહારનપુરમાં તો  વરરાજા મોટરના છાપરે ચડી પૂતળાની જેમ સ્થિર ઊભા હતા અને કાર ધીમે ધીમે લગ્નમંડપ તરફ આગળ વધતી હતી. સહરાનપુરથી નીકળેલી આ બારાત મેરઠ પાસેના કુશાવલી ગામે પહોંચે એ પહેલાં જ પોલીસે બારાત અટકાવી હતી અને સ્ટંટબાજ દુલ્હારાજાને ધમકાવી છાપરેથી નીચે ઉતાર્યા હતા અને કાર જપ્ત કરી લીધી હતી.  જાન ભલે જાય પણ આવા સ્ટંટ કરે અને કોઈનો જાન જાય એ પોલીસવાળા કેમ ચલાવી લે? આ ખેલ જોઈને કહેવું પડે કે-

દિલવાલે દુલ્હનિયા

લે જાયેંગે,

ઔર વરદીવાલે મોટરિયા

લે જાયેંગે

પંચ-વાણી

સઃ નહેરુજીના જન્મદિન બાલદિન તરીકે ઉજવાય છે તો એમના દોહિત્રનો જન્મદિન કયા નામે ઉજવાવો જોઈએ?

જઃ બ-બાલદિન.

Gujarat