For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના શાસ્ત્રીનગરમાં 15 દિવસથી પીવાનો કકળાટ, કાળા રંગનું દૂષિત પાણી મળતા ભરઉનાળે લોકો પરેશાન

Updated: Apr 27th, 2024

વડોદરાના શાસ્ત્રીનગરમાં 15 દિવસથી પીવાનો કકળાટ, કાળા રંગનું દૂષિત પાણી મળતા ભરઉનાળે લોકો પરેશાન

Dirty Water in Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી કાળા રંગનું મળતું હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. વોર્ડ નંબર-01ના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરના કહેવા મુજબ નિઝામપુરામાં સર્વોદય નગરની પાસે શાસ્ત્રીનગર ખાતે અસંખ્ય ઘરોમાં છેલ્લા 15 દિવસથી પીવાનું ગંદુ પાણી મળે છે. પાણી કાળા રંગનું હોય છે. ઉપયોગમાં લઈ શકાય તેવું હોતું નથી. જેથી ટેન્કરો મોકલવાનો વારો આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા કમિશનર સુધી મામલો લઈ જવાતા તેમણે તાકીદ કરતા આજે સવારથી ઇજનેરો સ્થળ પર પહોંચ્યા હતા. કાળું પાણી કેમ આવે છે તેનો ફોલ્ટ શોધવા માટે પાણીની લાઈનો કાપવાની અને ડ્રેનેજની લાઇન ખાલી કરવાની કામગીરી ચાલુ કરી હતી. ડ્રેનેજ લાઈન ભરેલી હોય તો પણ ડ્રેનેજ અને પાણીની લાઈન લીકેજ હોવાના કારણે દૂષિત પાણી આવી શકે છે.

કાઉન્સિલરના કહેવા મુજબ ઇજનેરો એકબીજા ઉપર કામગીરી ઢોળી દઈ છટકવાનો પ્રયાસ કરતા આ સ્થિતિ ઉભી થઈ છે. કાળા પાણીનો ઘર વપરાશમાં ઉપયોગ કરવાની સાથે સાથે ન છૂટકે ઉકાળીને પીવાથી પેટમાં દુખાવો, ઝાડા અને ચામડીના દર્દોની ફરિયાદો વધી છે. વોર્ડ નંબર એક અને બે ના નતાશા પાર્ક, મારૂતિ ધામ વગેરે સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી તો પીળાશ પડતું પાણી મળે છે. પાણીમાં ક્લોરિનની માત્રા વધુ હોવાથી આવું પાણી મળતું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી, પરંતુ ક્લોરીનની માત્રા ઘટાડી દીધા પછી પણ રેસાવાળું અને માટી જેવું પાણી હજુ મળી રહ્યું છે. શહેરના વોર્ડ નંબર 13 માં વિજય સોસાયટી પાસે ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક શ્રધ્ધા સોસાયટીમાં આશરે 100 મકાનમાં છેલ્લા છ દિવસથી તો પાણી જ નથી મળતું. આગળ કામ ચાલતું હોવાથી લાઈન કાપવામાં આવી છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાના ઘરેથી બોરનું પાણી લાવીને અને જગનું વેચાતું લઈને ગાડું ગબડાવે છે તેવું વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરનું કહેવું છે .નાળામાં શહેરમાં એક બાજુ ઘણા સ્થળે લાઈન લીકેજના કારણે હજારો લિટર પાણી વેડફાય છે. તો ક્યાંક દૂષિત પાણીથી લોકો પરેશાન છે તો ઘણી જગ્યાએ કામગીરી ચાલતી હોવાના બહાના હેઠળ લોકોને પાણી જ મળતું નથી.Article Content Image

Gujarat