For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નખત્રાણાની બજારમાં વરસાદ વગર પાણી વહ્યાં : આખી રાત પાઈપ લિકેજ

Updated: May 8th, 2024

નખત્રાણાની બજારમાં વરસાદ વગર પાણી વહ્યાં : આખી રાત પાઈપ લિકેજ

મુખ્ય બજારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા આખી રાત પાણી વહ્યું ઃ પાલિકાએ રીપેરીંગની તસ્દી ન લીધી

ભુજ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણી વખત પાણીની કટોકટી સર્જાતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો વેડફાટ ન થાય તેવી સુચનાઓ નાગરીકોને આપતા હોય છે. ત્યારે નખત્રાણાની મુખ્ય બજારમાં વગર વરસાદે પાણી વહી નિકળ્યા હતા. 

નખત્રાણાના બસ સ્ટેશન પાસે આવેલા છેલામાં વિના વરસાદે પાણી વહી નિકળ્યા હતા.ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદનો એક પણ છાંટો પડયા વિના મુખ્ય બજાર પાણી પાણી થઈ જતાં લોકોમાં પણ અચરજ ફેલાયું હતું કે, વગર વરસાદે આટલુ બધું પાણી ક્યાંથી આવ્યું? જોકે આ સિવાય પણ મણીનગર વિસ્તારના મુખ્ય માર્ગ પર કેટલાક દિવસોથી સતત પાણી વહી રહ્યું છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

સ્થાનિકે જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણાના ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી પહોંચતું નથી. અને બીજીબાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે મુખ્ય બજારમાં મેઈન લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે આખી રાત પાણી લીકેજ થયું હતું અને રોડ ઉંચા થઈ જવાના કારણે પાણીનો ભરાવો થયો હતો. બીજીબાજુ  અવાર જવાર ભંગાણ સર્જાવાના કારણે આવા વિસ્તારોમાં સતત પાણી ભરાઈ રહે છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે અને મચ્છરજન્ય રોગો ફેલાવાનો ભય રહે છે. 

કાળઝાળ ગરમીમાં પાણીની અછત ન સર્જાય તે માટે નખત્રાણા નગરપાલિકાએ તકેદારી રાખવી જોઈએ અને પાણી લિકેજના સમયે સમારકામની તાત્કાલીક કામગીરી કરવી જોઈયે તેથી પાણીનો વેડફાટ થતો અટકે તેમ છે.

Gujarat