For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે કચ્છ લોકસભા બેઠકના 2140 બુથો પર મતદાન :તમામ તૈયારીઓ પૂર્ણ

Updated: May 7th, 2024

આજે કચ્છ લોકસભા બેઠકના 2140 બુથો પર મતદાન :તમામ તૈયારીઓ પૂર્ણ

- તમામ બુથો ઉપર ઈવીએમ પહોંચ્યા : કર્મચારીઓએ કબ્જો સંભાળ્યો

- મથકોમાં મોબાઈલ પ્રતિબંધ, કામદારોને સવેતન રજા, સંવેદનશીલ મથકો પર બાજ નજર રખાશે: હીટવેવ સામે ખાસ પગલા: તમામ બુથો પર ઓઆરએસ, પાણી અને છાંયડાની વ્યવસ્થા કરાશે

ભુજ : કચ્છ- મોરબી લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે તંત્ર સજ્જ છે. આવતીકાલે સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ૨૧૪૦ મતદાન મથકો પર મતદાન થશે તેમ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, ડીઆઈજી મહેન્દ્ર બગડીયા તેમજ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની ઉપસ્થિતીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગે મતદાર સ્લીપનું વિતરણ પૂર્ણ કરી દેવાયું છે. આવતીકાલે મતદાનના દિવસે કારખાનેદારો, ઉદ્યોગગૃહો, વેપારીઓ સહિતની સંસ્થાઓમાં કામદારોને સવેતન રજા આપવાની રહેશે. કચ્છમાં ૯૪૪ મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવનાર છે. આ મતદાન બુથો ઉપર માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત કરાશે. કચ્છમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથોસાથ ચુસ્ત આચારસંહિતાનું પાલન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેરા મીલીટરી ફોર્સના જવાનોએ પોઝીશન લઈ લીધી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છમાં પણ આવતીકાલે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ આજે પૂર્ણ કરી દેવાઈ હતી. ત્યારે, ચૂંટણી વ્યવસ્થા, કામગીરી અને આયોજન અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાની અધ્યક્ષતામાં આજરોજ ભુજ ખાતે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કચ્છ- મોરબી બેઠક ઉપર કુલ ૧૯,૪૩,૧૩૬ મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ ૧૦૦૦૭૪૩, સ્ત્રી ૯૪૨૩૬૬, અન્ય ૨૭ એમ કુલ ૧૯,૪૩,૧૩૬ મતદારો નોંધાયા છે. જિલ્લાના કુલ ૨૧૪૦ મતદાન મથકો ઉપર મતદાન યોજાવાનું છે. 

રવિવારની સાંજે ૬ વાગ્યાથી જાહેર પ્રચાર પડઘમ શાંત થયા બાદ આજે ચૂંટણી કામગીરીમાં રોકાયેલો પોલીંગ સ્ટાફ પોલીંગ સ્ટેશને પહોંચી ગયો હતો. સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્ત સાથે આવતીકાલે ૭ તારીખે મતદાન માટે કચ્છનું ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લાના તમામ ૨૧૪૦ બુથ પર સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ મતદાન મથકો ઉપર ૩ પુરૂષ અને ૧ મહિલા સાથેનો સ્ટાફ હશે. તેમજ તમામ મતદાન મથકો પર બીએલઓની મતદાર યાદી સાથે બુથ પર હાજર રહેશે. જેથી, મતદાર પોતાનું બુથ જાણી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ જેવા ૧૨ દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે. જેના થકી મતદાન કરી શકાશે. મતદાન મથક ઉપર મોબાઈલ લઈ જવા પર સંદતર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મતદાન મથક પર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકાશે નહીં. 

મતદાનના દિવસે હિટવેવની આંશકાને પગલે તમામ મતદાન મથકો ઉપર પાણી, ટોયલેટ, એન્ટ્રી એક્ઝિટની અલગ વ્યવસ્થા હશે. તેમજ ઓઆરએસ, જરૂરી દવાઓ સાથે આરોગ્યની ટીમો, ઈમરજન્સી ૧૦૮ સારવાર ઉપલબ્ધ રહેશે. તેમણે પીડબલ્યુડી દિવ્યાંગ મતદારો, વૃધ્ધ મતદારો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તૈયારીઓ અંગે વિગતે માહિતી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિએ મતદાન જાગૃતિ અંતર્ગત સ્વીપ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. 

પશ્વિમ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વડાએ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં કચ્છમાં ચૂંટણી યોજાય એ માટે જિલ્લા પોલીસ તંત્ર હોવાનું જણાવતા આચારસંહિતા અમલીકરણી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. સોશ્યિલ મીડિયા પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Gujarat