For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તંદુરસ્ત વાછરડી અને વાછરડાનો જન્મ થયો

Updated: May 8th, 2024

કચ્છમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તંદુરસ્ત વાછરડી અને વાછરડાનો જન્મ થયો

સરહદ ડેરી દ્વારા ગર્ભ પ્રત્યારોપણને મળી અભૂતપૂર્વ સફળતા

માંડવીના કલવાણવાડી વિસ્તારના પશુપાલકોનો આનંદ બેવડાયો : સરહદ ડેરી  દ્વારા  અત્યાર સુધીમાં ૫૧ ગાયમાં  એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી) કરવાંમાં આવ્યા 

ભુજ: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. 'સરહદ ડેરી 'દ્વારા કચ્છ જિલ્લા માં પ્રથમ વખત એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં નવો ઈતિહાસ રચવામાં આવ્યો છે. જેમાં માંડવી તાલુકાના કલવાણ વાડી વિસ્તાર દૂધ મંડળી ખાતે સભાસદ જ્યોતિબેન ગોવિંદભાઈ ભુડિયાની ગાયમાં ૧૮-૭-૨૦૨૩ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી) કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાાનિક પ્રક્રિયાને અભૂતપૂર્વ સફળતા મળતાં એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને ૨૨ કિલો વજન ધરાવે છે. નોંધનીય છે કે, એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી) થી જન્મેલ આવી વાછરડીનું સારી રીતે જતન કરવાથી તે વધારે માત્રામાં દૂધ આપે છે.

આ સાથે માંડવી તાલુકાની કલવાણ વાડી વિસ્તાર દૂધ મંડળીના સભાસદ મનીષાબેન શામજીભાઈ કેરાઈની ગાયમાં  એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી)  ૧૮-૦૭-૨૦૨૩ ના રોજ  ઈટી કરવામાં આવ્યું જે ૦૨-૦૫-૨૦૨૪ ના રોજ સફળતા મળતાં તંદુરસ્ત વાછરડાનો પણ જન્મ થયો છે. વાછરડો એકદમ તંદુરસ્ત છે અને ૨૨.૫૦ કિલો વજન ધરાવે છે.

સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરી  દ્વારા કચ્છમાં સૌ પ્રથમવાર એનડીડીબીના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી) ટેકનોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું જેમાં આજે તંદુરસ્ત વાછરડી જન્મેલ છે. તેમજ સરહદ ડેરી  દ્વારા  અત્યાર સુધીમાં ૫૧ ગાયમાં  એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી) કરવાંમાં આવ્યા છે. જેના ટૂંક સમયમાં સારા પરિણામ મળશે.

આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન  અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે  એમ્બ્રિયો ટ્રાન્સફર (ઈટી) થી જે વાછરડી જન્મ થયો છે તેથી ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિધ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે.

Gujarat