For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં હિન્દુઓને ટાર્ગેટ કરવાની હજુ તો શરૂઆત થઈ છે, ઈન્ડિયન અમેરિકન સાંસદની ચેતવણી

Updated: Apr 16th, 2024

અમેરિકામાં હિન્દુઓને ટાર્ગેટ કરવાની હજુ તો શરૂઆત થઈ છે, ઈન્ડિયન અમેરિકન સાંસદની ચેતવણીimage : Socialmedia

Attack on Hindu Community in America : અમેરિકામાં હિન્દુઓ સામે વધી રહેલી નફરત સામે લડત શરૂ કરનારા ભારતીય મૂળના અમેરિકન સાંસદ શ્રી થાનેદારે ફરી હિન્દુ સમુદાયને ચેતવણી આપી છે.

એક પત્રકાર પરિષદમાં થાનેદારે કહ્યું હતું કે, 'અમેરિકામાં હિન્દુઓ પર હુમલાની હજુ તો શરુઆત જ થઈ છે. હું આગામી દિવસોમાં ઈસ્લામોફોબિયાની જેમ હિન્દુફોબિયામાં વધારો થશે તેવું જોઈ રહ્યો છું. હિન્દુઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર યોજનાબદ્ધ રીતે દુષ્પ્રચાર થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી હિન્દુ મંદિરો પર થયેલા હુમલામાં જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમની ધરપકડ પણ નથી થઈ. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. મને લાગે છે કે, હિન્દુ સમુદાય સામેના ષડયંત્રની હજી તો શરુઆત થઈ છે. હવે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયે એક થવાનો સમય આવી ગયો છે. હું પણ તેમની સાથે છું.'

હિન્દુત્વ અંગે વાત કરતા થાનેદારે કહ્યું હતું કે, 'હું પોતે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવું છું. હિન્દુ પરિવારમાં મારો ઉછેર થયો હોવાથી મને ખબર છે કે હિન્દુ ધર્મ શું છે. હિન્દુ ધર્મ બહુ જ શાંતિપ્રિય છે. આ ધર્મમાં માનનારાએ ક્યારેય બીજા સમુદાય પર ધર્મના નામે હુમલા કર્યા નથી.'

ઉલ્લેખનીય છે કે, થાનેદાર તેમજ ભારતીય મૂળના બીજા ચાર સાંસદોએ હિન્દુ મંદિરો અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવાની વધતી જતી ઘટનાઓ અંગે અમેરિકાના કાયદા વિભાગને પત્ર લખીને તપાસ કરવા માટે અપીલ કરી હતી. આ સાથે તેમણે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

Gujarat