For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાએ રશિયા સામેના યુદ્ધમાં 'સિક્રેટ હથિયાર' પૂરું પાડ્યું, યુક્રેને ઉપયોગ પણ કરવા માંડ્યો

Updated: Apr 25th, 2024

અમેરિકાએ રશિયા સામેના યુદ્ધમાં 'સિક્રેટ હથિયાર' પૂરું પાડ્યું, યુક્રેને ઉપયોગ પણ કરવા માંડ્યો

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને હવે રશિયા સામે અમેરિકાએ આપેલી સિક્રેટ મિસાઈલનો પણ ઉપયોગ શરુ કરી દીધો છે.

આ મિસાઈલ MGM-140 ATACMS એટલે કે આર્મી ટેકિટકલ મિસાઈલ સિસ્ટમ તરીકે પણ ઓળખાય છે. આ લાંબા અંતરની આ મિસાઈલને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુપ્ત રીતે યુક્રેનને પૂરી પાડવા માટે સંમતિ આપી દીધી છે. 12 માર્ચે તેને યુક્રેન માટે જાહેર કરાયેલા 300 મિલિયન ડોલરના હથિયારોના પેકેજમાં ગૂપચૂપ રીતે સામેલ કરી દેવામાં આવી હતી. આ મહિનાની શરુઆતમાં જ MGM-140 ATACMS મિસાઈલ યુક્રેન પહોંચી ચૂકી હતી.

આ પહેલા આ મિસાઈલ યુક્રેનને આપવા સામે અમેરિકાની સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાને યુક્રેનની મિસાઈલ ઓપરેટ કરવાની તૈયારી અને ક્ષમતા પર શંકા હતી. MGM-140 ATACMS મિસાઈલ અમેરિકાની લોકહીડ માર્ટીન કંપની બનાવે છે અને દર વર્ષે 500 જેટલી મિસાઈલોનુ પ્રોડક્શન કરવામાં આવે છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા મેજર ચાર્લી ડિટઝે કહ્યું હતું કે, 'અમે પહેલા સુનિશ્ચિત કર્યુ હતુ કે, યુક્રેન દ્વારા મિસાઈલનુ યોગ્ય રીતે સંચાલન થઈ શકશે. ઉપરાંત રશિયાએ યુક્રેન સામે નોર્થ કોરિયાની મિસાઈલનો ઉપયોગ કર્યા બાદ અમેરિકાએ MGM-140 ATACMS મિસાઈલ યુક્રેનને આપવાનો નિર્ણય લીધો છે.'

યુક્રેને આ મિસાઈલની ડિલિવરી મળ્યા બાદ તેનો ઉપયોગ કરવામાં વાર પણ લગાડી નથી. અમેરિકન અધિકારીઓએ કહ્યુ હતુ કે, ક્રીમિયામાં યુક્રેને કરેલા હુમલામાં આ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિસાઈલની રેન્જ 300 કિલોમીટર જેટલી છે.

અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ઉપાધ્યક્ષે કહ્યું હતું કે, 'યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો પૂરી પાડવા માટે આ જ યોગ્ય સમય છે. યુક્રેન પર રશિયા વધારે આક્રમક થઈને હુમલા કરી રહ્યુ છે. જેના કારણે યુક્રેને લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ માટે અમેરિકાને વિનંતી કરી હતી. યુક્રેનને જે મિસાઈલો પૂરી પાડવામાં આવી છે તે રશિયાના સંખ્યાબંધ લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે.'

Gujarat