For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મારી પત્નીના ભોજનમાં ટોયલેટ ક્લિનર ભેળવાયું હતું, ઈમરાન ખાનનો કોર્ટમાં સનસનીખેજ આરોપ

Updated: Apr 20th, 2024

મારી પત્નીના ભોજનમાં ટોયલેટ ક્લિનર ભેળવાયું હતું, ઈમરાન ખાનનો કોર્ટમાં સનસનીખેજ આરોપ

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ઈમરાન ખાને કોર્ટ સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે. ઈમરાન ખાને કહ્યું છે કે, 'મારી પત્ની બુશરી બીબીના ભોજનમાં ટોયલેટ ક્લીનર ભેળવવામાં આવતુ હતુ. જેના કારણે તેને પેટમાં તકલીફ થઈ હતી અને તેમની તબિયત લથડવા માંડી હતી.' ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અડિયાલા જેલમાં છે અને તેમના પર સંખ્યાબંધ કેસ ચાલી રહ્યા છે. ઈમરાનના પત્ની બુશરા બીબીને પણ તોષાખાનાની ભેટ સોગાદો વેચી દેવાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. બુશરા બીબીને તેમના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા છે.

ઈમરાન ખાને ગઈકાલે કોર્ટમાં થયેલી સુનાવણીમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે, 'મારી પત્નીનુ મેડિકલ ચેક અપ શૌકત ખાનમ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અસીમ યુસુફની સલાહ પ્રમાણે સિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં કરાવવામાં આવે પરંતુ જેલ સત્તાધીશો પાકિસ્તાન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસમાં જ ટેસ્ટ કરાવવાની જીદ પકડીને બેઠા છે.' કોર્ટે ઈમરાન ખાનના આરોપો બાદ ઈમરાન ખાન તેમજ બુશરા બીબીનુ મેડિકલ ચેક અપ ઈમરાન ખાનના આગ્રહ પ્રમાણે ડોક્ટર યુસૂફ પાસે કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા પણ ઈમરાન ખાન પત્રકાર પરિષદમાં પોતાની પત્ની બુશરા બીબીને જાનનુ જોખમ હોવાનો આરોપ મુકી ચુકયા છે. તેમણે તે સમયે કહ્યુ હતુ કે, 'મારી પત્નીને કશું થશે તો હું આર્મી ચીફ જનરલ મુનિરને છોડીશ નહીં.' બુશરા બીબીએ પણ કોર્ટ સમક્ષ  અગાઉ કહ્યું હતું કે, 'મને મોઢામાં ચાંદા પડી રહ્યા છે અને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. મને સ્વાસ્થ્યને લગતી બીજી પણ સમસ્યાઓ છે. મને શંકા છે કે, જેલ સત્તાધીશો દ્વારા અપાતા મને અપાતા ભોજનમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે.'

Gujarat