For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનમાં પત્રકારત્વ ભયમાં : 'વર્લ્ડ-પ્રેસ-ફ્રીડમ-ડે'ના દિવસે જ IFJનો આંચકાજનક અહેવાલ

Updated: May 5th, 2024

પાકિસ્તાનમાં પત્રકારત્વ ભયમાં : 'વર્લ્ડ-પ્રેસ-ફ્રીડમ-ડે'ના દિવસે જ IFJનો આંચકાજનક અહેવાલ

- પત્રકારોને 'જન્નત-નશીન' કરી દેવાયા

- પાકિસ્તાનમાં સલામતી દળો જ પત્રકારોને મારઝૂડ કરે છે : ઈમરાનને ટેકો આપતા 300થી વધુ પત્રકારો પર તવાઈ, અનેકને ધાક-ધમકી

ઈસ્લામાબાદ : ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટે શુક્રવારે સાંજે પ્રસિદ્ધ કરેલા એક આંચકાજનક અહેવાલમાં જણાવ્યું છે કે, 'પાકિસ્તાનમાં પત્રકારત્વ જ ભયમાં છે.' તા. ૩ મે 'આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ દિન' તરીકે ઉજવાય છે. પાકિસ્તાનમાં ૬૦થી વધુ પત્રકારોને તો લીગલ નોટિસ અપાઈ ચૂકી છે. જ્યારે ડઝનબંધ પત્રકારોને કસ્ટડીમાં ધક્કેલી દેવામાં આવ્યા છે. તેઓની ઉપર 'દેશદ્રોહ'ના આરોપો મુકવામાં આવ્યા છે, સાથે ત્રાસવાદ ફેલાવવાના અને રમખાણો માટે જનતાને ઉશ્કેરવાના પણ આરોપો મુકવામાં આવ્યા છે.

આઈ.એફ.જે.નો અહેવાલ કહે છે કે, સલામતી દળો માટે પત્રકારો તો 'પંચીંગ-બેગ' (મુક્કાબાજી શીખવા માટે ટીંગાડાતી ઠાંસી ઠાંસીને કાગળ ભરેલી થેલી) બની રહ્યાં છે. પત્રકારો અને બ્લોગર્સ બંને સલામતી દળોના રોષનો આ રીતે ભોગ બને છે. તેઓને ધાક-ધમકીઓ પણ અપાય છે. ૪ પત્રકારોને તો 'જન્નત-નશીન' કરી દેવાયા છે. પાકિસ્તાનમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જ નથી. કોઈ પણ સરકારની વધુ પડતી ટીકા કરી શકે તેમ જ નથી. તેમાં પત્રકારો અને બ્લોગર્સ સૌથી વધુ નિશાન ઉપર હોય છે. તેમ પણ તે અહેવાલમાં જણાવાયું છે.

આ અહેવાલ વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, વિશેષત: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તરફદારી કરનારા પત્રકારો સૌથી પહેલા નિશાન બને છે. જોકે પાકિસ્તાનમાં પત્રકારો ઉપર દબાણ કરવાની રીત કંઈ નવી નથી. છેલ્લી ત્રણ-ત્રણ સરકારો પત્રકારો ઉપર દબાણ કરતી આવી છે. પરંતુ આ વખતે દબાણ કટ્ટર બની રહ્યું છે.

આ અહેવાલ જણાવે છે કે, ૪ પત્રકારોને પંજાબમાં મારી નાંખવામાં આવ્યા હતા. જ્યારે બે પત્રકારોની સિંધમાં હત્યા કરાઈ હતી. આ સાથે પત્રકારત્વમાં જાતિભેદ પણ દેખાઈ રહ્યો છે. સંભવત: સરકારના જોર-જુલ્મને લીધે ત્યાં મહિલા પત્રકારોની સંખ્યા ઘટી રહી છે. તેમની સલામતી ગંભીર બની રહી છે.

પ્રમુખ આસીફ અલી ઝરદારી અને વડાપ્રધાન શેહબાઝ શરીફ બંનેએ પત્રકારોને સલામતિની ખાતરી આપી છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર જ રહી હોય તેમ લાગે છે.

Gujarat