For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાની સ્કૂલોમાં બાળકોના ભોજનમાં શાકાહારી વાનગીઓને વધારે મહત્ત્વ અપાશે, ખાંડનુ પ્રમાણ ઘટાડાશે

Updated: Apr 25th, 2024

અમેરિકાની સ્કૂલોમાં બાળકોના ભોજનમાં શાકાહારી વાનગીઓને વધારે મહત્ત્વ અપાશે, ખાંડનુ પ્રમાણ ઘટાડાશેimage : Socialmedia

New Nutrition Guidelines in US School Meals :અમેરિકામાં સ્કૂલમાં ભણતા બાળકોને વધારે પોષણયુક્ત આહાર મળે તે માટે સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. જેના પગલે અમેરિકાની સ્કૂલોમાં બાળકોની થાળીમાં શાકાહારી વાનગીઓને વધારે મહત્ત્વ અપાશે તથા તેમાં ખાંડનુ પ્રમાણ ઓછુ કરવામાં આવશે.

અમેરિકાના કૃષિ મંત્રી ટોમ વિલ્સેકે સ્કૂલોના ભોજનના માધ્યમથી બાળકોની તંદુરસ્તી જાળવવા માટે મહત્ત્વની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, 'અમે તમામ બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતાઓ વધારવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, પુસ્તકો અને કોમ્પ્યુટરની સાથે જ પોષણયુક્ત આહાર પણ સ્કૂલના માહોલનો એક અનિવાર્ય હિસ્સો છે. જે બાળકોને સ્કૂલની અંદર તેમજ બહાર સફળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે.'

તેમણે જણાવ્યુ હતુ કે, 'બાઈડન સરકાર આ માટે સ્કૂલો, રાજ્યો અને ઉદ્યોગો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. જેથી સ્કૂલોમાં અપાતા ભોજનની ગુણવત્તામાં સુધારા થઈ શકે. આ માટે સ્કૂલોમાં અપાતા ભોજનમાં પહેલી વખત ખાંડનુ પ્રમાણ ઓછુ કરવામાં આવશે. 2025 સુધીમાં નાના પાયે અને એ પછી વ્યાપક સ્તર પર બદલાવો કરવામાં આવશે. ભોજનમાં ખાંડના વધારે પ્રમાણને લઈને વાલીઓ તેમજ શિક્ષકો પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચુકયા છે.'

બાઈડન સરકારે ભોજન અને નાસ્તા માટે સ્કૂલો માટે ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. તેમાં સરકારે કહ્યું છે કે, સ્કૂલોમાં સામાન્ય રીતે નાસ્તામાં ખાંડનુ પ્રમાણે વધારે હોય છે એમ જાણવા મળ્યું છે. આમ નાસ્તામાં ખાંડવાળી વાનગીઓને મર્યાદિત કરાશે. સ્કૂલો ફ્લેવર્ડ અને અનફ્લેવર્ડ દૂધનો વિકલ્પ બાળકોને આપવાનુ ચાલુ રાખી શકે છે. સ્કૂલોમાં બાળકોને દૂધ આપવું જરૂરી છે. આમ છતાં 2025 સુધીમાં નાસ્તામાં અને બપોરના ભોજનમાં અપાતા ફ્લેવર્ડ દૂધમાં ખાંડ ભેળવવાની એક મર્યાદા નક્કી કરાશે. સ્કૂલોએ 2027 સુધીમાં પોતાના ભોજનમાંથી મીઠાનુ પ્રમાણ પણ સ્હેજ ઓછું કરવું પડશે. ભોજનમાં ફળો, શાકભાજી અને અનાજ પર વધારે ભાર મૂકાશે, જેથી બાળકોના ભોજનમાં સ્વસ્થ, સ્વાદિષ્ટ અને પોષણયુક્ત આહારનુ સંતુલન જાળવી શકાય.'


Gujarat