For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈઝરાયલ સાથેની ડીલનો વિરોધ કરનારા વધુ 20 કર્મચારીઓની ગૂગલે હકાલપટ્ટી કરી

Updated: Apr 24th, 2024

ઈઝરાયલ સાથેની ડીલનો વિરોધ કરનારા વધુ 20 કર્મચારીઓની ગૂગલે હકાલપટ્ટી કરીimage : Twitter

Google Layoffs : દિગ્ગજ ટેક કંપની ગૂગલે ઈઝરાયલ સાથેની ડીલનો વિરોધ કરનારા વધુ 20 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. અત્યાર સુધીમાં ગૂગલે આ મુદ્દા પર નોકરીમાંથી કાઢી મુકેલા કર્મચારીઓની સંખ્યા હવે 48 પર પહોંચી છે.

ગૂગલે ગત સપ્તાહે 28 કર્મચારીઓને સામૂહિક પાણીચુ પકડાવી દીધુ હતુ. ગૂગલે ઈઝરાયેલ સાથે 1.2 અબજ ડોલરના એક ડિફેન્સ પ્રોજેકટ પર ડીલ કરી છે. જેની સામે ઈઝરાયેલ  વિરોધી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.

ગૂગલના સિક્યુરિટી ચીફ રેકોએ કર્મચારીઓ દ્વારા થતા દેખાવોને બીજા કર્મચારીઓ માટે જોખમરુપ અને તકલીફજનક ગણાવ્યા હતા. ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ પણ કહ્યુ છે કે, 'ગૂગલની કર્મચારીઓ માટેની નીતિ  એક બીજા સાથે જાહેરમાં સંવાદ કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની છે. જેના કારણે કંપની એક એકથી ચઢિયાતી પ્રોડક્ટસ બનાવી ચુકી છે અને બનાવી રહી છે તેમજ જે પણ સારા વિચારો છે તેને અમલમાં મુકવામાં પણ સફળ થઈ છે.'

ગૂગલની ન્યૂયોર્ક તેમજ કેલિફોર્નિયા ખાતેની ઓફિસોમાં કેટલાક કર્મચારીઓ ઈઝરાયેલ સાથે કંપનીએ કરેલા સોદાનો વિરોધ કરી રહ્યા છે. આ કર્મચારીઓ રંગભેદ વિરોધી આંદોલન કરતા ગૂગલના એક આંતરિક સંગઠનના સભ્યો છે. આ સંગઠન કંપનીના નિર્ણયોનો જાહેરમાં વિરોધ કરી રહ્યુ છે.

તાજેતરમાં કર્મચારીઓ કંપનીની અંદર જ ગૂગલ સામે દેખાવો કરીને પોતાના ઉપરી અધિકારીઓની કેબીન સુધી પહોંચી ગયા હતા અને એ પછી પોલીસને બોલાવવી પડી હતી. કર્મચારીઓએ કહ્યુ છે કે, 'ગાઝામાં ઈઝરાયેલ 200 દિવસથી લશ્કરી કાર્યવાહી કરી રહ્યુ છે ત્યારે અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ઈઝરાયેલનુ સમર્થન કરી રહી છે તે યોગ્ય નથી.'

દરમિયાન કંપનીના કર્મચારીઓના દેખાવોનો એક વિડિયો પણ વાયરલ થયો છે. જેમાં કર્મચારીઓને કલાકો સુધી ઉપરી અધિકારીની કેબિનનો ઘેરાવો કરતા જોઈ શકાય છે.

Gujarat