For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકન પ્રમુખ બાઈડેનની સુરક્ષામાં ચૂક, વ્હાઈટ હાઉસના ગેટ સાથે ધડાકાભેર કાર અથડાતા ડ્રાઈવરનું મોત

Updated: May 5th, 2024

અમેરિકન પ્રમુખ બાઈડેનની સુરક્ષામાં ચૂક, વ્હાઈટ હાઉસના ગેટ સાથે ધડાકાભેર કાર અથડાતા ડ્રાઈવરનું મોત
Image Twitter 

US Presidential Palace Car Accident : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ખાતે આવેલા વ્હાઈટ હાઉસના બહારના દરવાજાને એક કારે ટક્કર મારી હતી. આ ઘટના શનિવારે રાત્રે આશરે 10.30 વાગ્યે બની હતી. ટક્કર લાગતાં જ વ્હાઈટ હાઉસની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. માહિતી પ્રમાણે કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અને ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. વોશિંગ્ટન પોલીસ અને વ્હાઈટ હાઉસે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ સુરક્ષામાં ચૂક થઈ હતી કે અકસ્માત હતો તે વિશે હાલમાં કાઈ કહેવું તે ઉતાવળ હશે. વ્હાઇટ હાઉસ યુએસ પ્રમુખનું અધિકૃત નિવાસસ્થાન અને કાર્યાલય છે.

સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે વ્હાઇટ હાઉસને કોઇ ખતરો નથી

કારની ટક્કર એટલી જોરદાર હતી કે, તે પછી દરવાજો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અમેરિકન ગુપ્તચર એજન્સીના કહેવા પ્રમાણે, કાર વ્હાઇટ હાઉસના એક ગેટ સાથે ટકરાઈ છે. જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે વ્હાઇટ હાઉસને કોઇ ખતરો નથી. હજુ સુધી ડ્રાઈવરની ઓળખ થઈ નથી. આ ડ્રાઈવર કોણ હતો અને તે વાહન લઈને અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? આ અંગે હાલમાં તપાસ શરુ કરવામાં આવી છે. 

અકસ્માત કે હુમલો, હજુ નક્કી નહીં

આ અંગે પોલીસે હજુ સુધી એ નક્કી કરી શકી નથી કે આ કોઈ આકસ્મિક ઘટના છે કે પછી યોજનાબદ્ધ કાવતરુ. હાલમાં આ ઘટનાની તપાસ ચાલુ છે. અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીના જણાવ્યા પ્રમાણે સિક્રેટ સર્વિસના લોકો આ મામલે તપાસ કરી રહ્યા છે. બાદમાં તપાસની જવાબદારી વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસ વિભાગને પણ આપવામાં આવી શકે છે. હાલમાં તો એ પણ નથી ખબર કે ક્યા ટાઈમે આ ઘટના બની હતી.. તે સમયે રાષ્ટ્રપતિ જો બાઈડેન અંદર હતા કે નહીં. આ અંગે જણાવવા પણ કોઈ અધિકારી સામે આવ્યા નથી. જોકે વ્હાઇટ હાઉસને અમેરિકામાં સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. પરંતુ આવી ઘટના બાદ સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.


Gujarat