For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત ખુલ્લેઆમ આર્મેનિયાને મદદ કરી રહ્યુ છે, અમે હાથ જોડીને નહીં બેસી રહીએ, અઝરબૈજાનના રાષ્ટ્રપતિની ધમકી

Updated: Apr 24th, 2024

ભારત ખુલ્લેઆમ આર્મેનિયાને મદદ કરી રહ્યુ છે, અમે હાથ જોડીને નહીં બેસી રહીએ, અઝરબૈજાનના રાષ્ટ્રપતિની ધમકીimage : Twitter

India Armenia Defence Deal : મધ્ય એશિયાનો દેશ અઝરબૈજાન પાકિસ્તાનના રવાડે ચઢીને કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કરતો રહ્યો છે. હવે ભારતે તેને તેની જ ભાષામાં જવાબ આપવા માંડ્યો છે.

ભારતે હવે અઝરબૈજાનના દુશ્મન આર્મેનિયાને ખુલીને મદદ કરવા માંડી છે. જેના કારણે બહાવરા બનેલા અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલિયેવે ફરી એક વખત ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે બળાપો કાઢ્યો છે.

એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેલા ઈલ્હામ અલિયેવે કહ્યુ હતુ કે, 'જ્યારે ફ્રાંસ, ગ્રીસ અને ભારત આર્મેનિયાને અમારી સામે હથિયારો આપી રહ્યા છે ત્યારે અમે ચૂપચાપ બેસી શકીએ તેમ નથી. આ દેશો પાછા જાહેરમાં અને કોઈ છોછ વગર આ કામ કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે આ દેશો આપણી સમક્ષ કશું સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આપણે હાથ જોડીને બેસી નહીં રહીએ.'

આર્મેનિયા અને ભારતના સબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં ગાઢ બન્યા છે. એટલે સુધી કે હવે અઝબૈજાન સામે લડવા માટે ભારત પાસેથી આર્મેનિયા હથિયારો પણ ખરીદી રહ્યુ છે. ભારતે અત્યાર સુધીમાં આર્મેનિયાને પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર, એન્ટી ટેક હથિયારો તથા દારુગોળો પૂરો પાડ્યો છે. ગત વર્ષે ફ્રાંસે પણ ભારત સાથે આર્મેનિયાને મદદ કરવાનુ એલાન કર્યુ હતુ. તેના કારણે તે સમયે પણ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ભડકયા હતા અને કહ્યુ હતુ કે, 'આર્મેનિયાને લશ્કરી સહાય કરવાના કારણે બંને દેશો વચ્ચે ફરી હિંસા ભડકી ઉઠશે.'

જોકે તેનાથી ભારત, ફ્રાંસ કે ગ્રીસને ફરક પડ્યો નથી. જેના કારણે રાષ્ટ્રપતિ અલિયેવ વધારે બહાવરા બન્યા છે અને છાશવારે જાહેર કાર્યક્રમોમાં ભારત માટે ધમકીભરી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

Gujarat