For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે ઈરાન સાથે વ્યવહાર રાખશો તો પરિણામો ભોગવવા પડશે

Updated: Apr 25th, 2024

અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે ઈરાન સાથે વ્યવહાર રાખશો તો પરિણામો ભોગવવા પડશે

- અમેરિકા-ઈરાનના સંબંધો બગડેલા જ છે, તેમાં ઈરાને ઇઝરાયેલ ઉપર કરેલા હુમલા પછી બંને દેશોના સંબંધો તંગ થઈ ગયા છે

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો જગ જાહેર છે. ઇઝરાયેલ ઉપર ઈરાને કરેલા હુમલા પછી તો તે સંબંધો ઘણા જ તંગ થઈ ગયા છે. અત્યારે ઈરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઈસી પાકિસ્તાનની મુલાકાતે છે. તેની ઉપર અમેરિકાની બાજ નજર છે. અમેરિકાના એક અધિકારીએ જાહેર કરી દીધું છે કે, ઈરાન સાથે વ્યવહાર રાખનાર સર્વ કોઈએ અમેરિકા દ્વારા તેની ઉપર લાદવામાં આવનારા પ્રતિબંધો માટે તૈયાર જ રહેવું જોઈએ.

અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપ પ્રવકતા વેદાંત પટેલે ઈરાનના પ્રમુખની પાકિસ્તાનની મુલાકાત સંદર્ભે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, 'હું વ્યાપક રીતે તેમ કહેવા માગું છું કે, ઈરાન સાથે વ્યવહાર રાખનાર કોઇ પણ વ્યકિત (કે દેશ) ઉપર અમેરિકા પ્રતિબંધ મુકશે જ, તેની તે વ્યક્તિને (કે દેશને) માહિતી હોવી જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે રઇસીની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૮ કરારો થયા હતા. બંનેએ દ્વિપક્ષી વ્યાપાર ૧૦ અબજ અમેરિકી ડોલર સુધી વધારવા સહમતી સાધી હતી.

રઇસી સાથે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર વચ્ચે પણ મુલાકાત યોજાઇ હતી. જેમાં આતંકવાદીઓ સામે બંને દેશ વધુ સારો સમન્વય સાધવા સહમત થયા હતા.

આમ છતાં આશ્ચર્યની વાત તે છે કે, એક અન્ય પત્રકાર પરિષદમાં પેન્ટાગોનના પ્રેસ સચિવ પેટ રાઇસે કહ્યું હતું કે, અમેરિકાના પાકિસ્તાન સાથે ઘણા સારા સંબંધો છે. પાકિસ્તાન તે ક્ષેત્રમાં મહત્વનું સંરક્ષણ ભાગીદાર છે. ટૂંકમાં એક તરફ અમેરિકા પાકિસ્તાનને દબડાવે છે, તો બીજી તરફ તે એવું પણ દર્શાવવા પ્રયત્નો કરે છે કે અમેરિકા સાથેના પાકિસ્તાનના સંબંધો મજબૂત છે.

નિરીક્ષકો કહે છે કે પાકિસ્તાન સીધુ ચીનના હાથમાં ન પડી જાય માટે અમેરિકા તેની સાથે સારા સંબંધો ઇચ્છે છે.

Gujarat