For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2024માં ભારત સહિત વિશ્વના 78 દેશમાં ચૂંટણી યોજાશે, 4.3 અબજ લોકોના મતદાન સાથે સર્જાશે વર્લ્ડ રેકોર્ડ!

Updated: Mar 29th, 2024

Article Content Image

2024 will prove to be a year of Global Elections: સમગ્ર વિશ્વ માટે 2024નું વર્ષ વિશાળ પરિવર્તનો આણનારું સાબિત થવાનું છે. આ વર્ષે જે લિપ વર્ષ છે તે દુનિયાની અડધી વસતીનું ભાગ્ય બદલશે. વાત એવી છે કે, ભારતમાં તો લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ગયું છે અને અમેરિકામાં પણ ચૂંટણી મુદ્દે ગડમથલ ચાલ્યા કરે છે. રશિયામાં ચૂંટણીના દેખાડા થયા અને ધીના ઠામમાં ઘી પડે તેમ પુતિન જ સર્વસત્તાધીશ રહ્યા છે. આ બધા ફેરફારો વચ્ચે નોંધનિય બાબત એવી છે કે, 2024નું વર્ષ વૈશ્વિક સ્તરે રાજકીય ઉથલપાથલ અને ચૂંટણીઓનું વર્ષ રહેવાનું છે. 

દુનિયાના 70થી વધુ દેશોમાં યોજાશે ચૂંટણી 

આ વર્ષે દુનિયાના 70થી વધારે દેશોમાં ચૂંટણી યોજાવાની છે. જાણકારોના મતે આ વર્ષે 78 દેશોમાં 83 જેટલી ચૂંટણીઓ થશે જેમાં દેશની નવી સરકારો રચાશે. તેમાં પૂનરાવર્તન અને પરિવર્તનના અવિસ્મરણીય પરિણામો જોવા મળી શકે છે. આ વર્ષે ભારત, અમેરિકા અને બ્રિટન જેવી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ યોજાવાની છે. તો બીજી તરફ રશિયા, યુક્રેન, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશોમાં પણ ચૂંટણી થવાની છે. વસતીની દ્રષ્ટીએ જોઈએ તો દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા ભારતમાં ચૂંટણી થવાની છે તો બીજી તરફ માત્ર 11,396ની વસતી ધરાવતા નાનકડા દેશ તુવાલુમાં પણ નવી કેન્દ્ર સરકાર રચાશે. 

વિશ્વની અડધી વસતી કરશે મતદાન 

નવાઈની વાત એવી છે કે, રાજકીય વિશ્લેષકો જણાવે છે કે, 2024ના વર્ષમાં વૈશ્વિક સ્તરે જે ચૂંટણીઓ યોજાશે તે વર્લ્ડ રેકોર્ડ બની રહેવાનો છે. વિશ્વની અડધી વસતી એટલે કે અંદાજે 4.3 અબજ લોકો મતદાન કરશે. આ વખતે અમેરિકા અને ભારત જેવા મોટા દેશોમાં ચૂંટણી છે. તે ઉપરાંત એશિયા, આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં નવી સરકાર રચાવાની છે. તે સિવાય યુરોપીયન યુનિયનના સભ્ય 27 દેશોની પણ પોતાની ચૂંટણી થવાની છે. જી-20અને જી-7માં સ્થાન ધરાવતા મહત્ત્વના અને મોટા દેશોમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. આ વર્ષે ચૂંટણીઓ અને મતદાનના રેકોર્ડ સર્જાવાના અને તૂટવાના છે. ત્યારપછી વિશ્વમાં આટલા મોટાપાયે ચૂંટણીઓ કે રાજકીય પરિવર્તનનો દોર આવશે નહીં. ત્યારબાદ 24 વર્ષ સુધી આટલી મોટી સંખ્યામાં ચૂંટણીઓ યોજાશે નહીં. હવે 2048માં ફરીથી વૈશ્વિક સ્તરે આટલા મોટાપાયે ચૂંટણીઓ યોજાશે. જે સમગ્ર વિશ્વને અસર કરનાર સાબિત થશે. 

વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા સાત દેશોમાં ચૂંટણી

દુનિયામાં આ વખતે એશિયા ખંડમાં સૌથી વધારે મતદાતાઓ દ્વારા ચૂંટણીમાં ભાગ લેવામાં આવશે. વૈશ્વિક સ્તરે થનારી ચૂંટણીમાં વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાંથી મોટોભાગ એશિયામાં છે. એશિયાના અને વસતીની રીતે દુનિયાના મોટા ગણાતા સાત દેશો પોતાની કેન્દ્રીય સરકારની રચના કરશે. તે માટે મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે. બ્રાઝીલ અને તુર્કીની વાત કરીએ તો ત્યાં સામાન્ય ચૂંટણીઓ નથી. છતાં ત્યાં તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તેના કારણે સમગ્ર દેશના મતદારો તેમાં ભાગ લેશે તે સ્વાભાવિક છે. આ વર્ષની ચૂંટણીઓ એટલા માટે મોટી અને મહત્ત્વની સાબિત થવાની છે કારણ કે તેમાં મોટા દેશો જોડાયેલા છે. 

એક તરફ રશિયા અને યુક્રેન જેવા દેશ છે જે યુદ્ધના માહોલમાં ચૂંટણી કરવાના છે. રશિયામાં તો પુતિનની ફરીથી સત્તાની સુકાની તરીકે નિયુક્તિ પણ થઈ ગઈ. આગામી સમયમાં યુક્રેનમાં પણ ચૂંટણી થવાની જ છે. તેવી જ રીતે ભારત અને અમેરિકા તથા બ્રિટન જેવા દુનિયાના મોટા લોકશાહી દેશોમાં કેન્દ્ર સરકારે માટેની ચૂંટણી થવાની છે. આ સિવાય એશિયા અને આફ્રિકાના બીજા મોટા દેશોમાં ચૂંટણી થશે. આ તમામ ચૂંટણીઓ માત્ર જે-તે દેશ ઉપર જ નહીં પણ વૈશ્વિક સ્તરે અસર ઉપજાવે તેવા છે. તેના કારણે જ આ ચૂંટણીઓ મોટી અને મહત્ત્વની સાબિત થવાની છે.

વિશ્વને લાંબાગાળાની અસરો આ ચૂંટણી પરિણામો આપશે

થોડા સમય પહેલાં જ એક આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં જણાવવામાં આવ્યું હતું કે, 2024નું વર્ષ વૈશ્વિક દ્રષ્ટીએ લાંબાગાળાની અસરો ઊભી કરનારું વર્ષ સાબિત થવાનું છે. જિયોપોલિટિકલ સ્થિતિઓ, વૈશ્વિક અર્થવ્યવસ્થા, જળવાયુ પરિવર્તન, યુદ્ધ, વેપાર, શાંતિ અને વિકાસ, આતંકવાદ જેવી તમામ સમસ્યાઓના દૂરોગામી પરિણામો મળે તે માટે આ ચૂંટણીઓ અને તેના પરિણામો એટલા જ મહત્ત્વના છે. આ ઉપરાંત ચૂંટણીઓ અંગે વિશ્વમાં જે સ્થિતિ બદલાઈ રહી છે તે પણ અસરકારક સાબિત થવાની છે. 

મતદાન કરવું એ પ્રજાની ફરજ 

થોડા સમય પહેલાં જ દુનિયાના 33 દેશો દ્વારા તેમના દેશોમાં થતી ચૂંટણીઓમાં કાયદો લાવીને મતદાન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત દુનિયાના 18 દેશો દ્વારા મતદાન નહીં કરનારા લોકોને સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દેશો માને છે કે, દુનિયાભરના દેશો નવી સરકારોની રચના અને ચૂંટણી પ્રક્રિયા માટે પ્રજાના જ પૈસા ખર્ચ કરતી હોય છે. આ સંજોગોમાં પ્રજાની ફરજ છે કે, તેઓ બંધારણીય અને ચૂંટણી પ્રક્રિયાને પૂરી કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

Article Content Image

બાંગ્લાદેશમાં શેખ હસિનાને પાંચમી ઈનિંગ, ભારતમાં મોદીને હેટ્રિકની આશા

ભારતમાં આ વર્ષે ચૂંટણી છે. લોકસભાની ચૂંટણીમાં હાલમાં સત્તામાં રહેલા ભાજપનું પલડુ ભારે હોવાની ચર્ચા છે. બીજી તરફ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન કરીને જીતવા અને અને સત્તા લેવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં આ વખતની લોકસભા ચૂંટણી ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે. ભાજપનો ચહેરો ગણાતા નરેન્દ્ર મોદીને વિજયની હેટ્રિક લગાવવાની આશા છે જયારે વિપક્ષો સત્તા ખેંચવા મથી રહ્યા છે. ભારતમાં ચૂંટણીનો માહોલ ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમાઈ ગયેલો છે. 

પાડોશી દેશોમાં ચૂંટણી પૂરી થઇ ગઈ છે 

ભારતના બે પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. પાકિસ્તાનમાં ઈમરાનની ધરપકડ બાદ સર્જાયેલી રાજકીય કટોકટીમાં ચૂંટણીઓ પૂરી થઈ છે. ચૂંટણી પછી પણ સત્તા માટે અનેક સાંઠમારી થયા બાદ શાહબાઝ શરીફની વડા પ્રધાન પદે નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ બાંગ્લાદેશમાં પૂરી થયેલી ચૂંટણીમાં શેખ હસીનાની પાસે જ સત્તાનું સુકાન રહ્યું છે. તેઓ સતત પાંચમી વખત દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. 

અમેરિકા, બ્રિટન અને યુક્રેનમાં વર્તમાન વડાંને સત્તા બચાવવાનો સંઘર્ષ

અમેરિકામાં બાઈડેન પાસે સત્તા ટકાવવી અઘરી બની રહી છે. મોટી ઉંમર અને યોગ્ય પરિણામો ન મળવાના કારણે અમેરિકાની વૈશ્વિક પકડ ઢીલી પડી ગઈ હોવાનું છતું થઈ ગયું છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે અમેરિકામાં આ વખતે સત્તા માટે સીધો સંઘર્ષ થાય તે દેખાઈ રહ્યું છે. અમેરિકાની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે. તેનું જે પણ પરિણામ આવશે તેની વિશ્વ ઉપર  દૂરોગામી અસરો થવાની છે. બીજી તરફ બ્રેક્ઝિટ થયા બાદ બ્રિટનની આર્થિક સ્થિતિ ને સતત કથળતી જાય છે. તેના કારણે બ્રિટનમાં થનારી ચૂંટણી પણ ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે. હાલમાં ઋષિ સુનકની આગેવાનીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં છે પણ આગામી સમયમાં સત્તા મેળવવી ઘણી કપરી સાબિત થવાની છે. ખાસ કરીને આર્થિક પરિબળો બ્રિટન માટે મહત્ત્વના સાબિત થવાના છે. 

બીજી તરફ મોટા અને મહત્ત્વના દેશ રશિયામાં ચૂંટણીની ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ. તેમાં પુતિન પાસે સત્તા હતી અને કરી તેની પાસે જ રહી. તેમાં ખાસ ફેર પડયો નથી. તેની સાથે છેલ્લાં એક વર્ષથી યુદ્ધનો માર સહન કરી રહેલા યુકેનની હાલત ગંભીર છે. તેમાં હવે ઝેલેન્સ્કીનું પુનરાવર્તન થવાની શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે. યુદ્ધની અસરોને પગલે ઝેલેન્સ્કીનું પત્તુ કપાય તેમ લાગી રહ્યું પણ હવે પરિણામ સમય જ બતાવશે.

યુરોપના 10 દેશો તથા યુરોપીય યુનિયનમાં સત્તાની સાઠમારી દેખાશે

બ્રેક્ઝિટની બાદ યુરોપના દેશો અને યુનિયનનું આર્થિક અને જિયોપોલિટિકલ પાસું પણા મોટાપાયે બદલાયું છે. તેમાં હવે આ વર્ષે યુરોપના 10થી વધુ દેશોમાં ચૂંટણી થવાની છે. આ તમામ દેશોના પરિણામો જે-તે દેશોનો અસર કરવા ઉપરાંત યુરોપને પણ અસર કરશે. ફિનલેન્ડ, પોર્ટુલગ, બેલારુસ, યુકેન , સ્લોવાકિયા, લિથુઆનિયા, આઈસલેન્ડ, બેલ્જિયમ, ક્રોએશિયા, ઓસ્ટ્રિયા, જ્યોર્જિયા, માલ્ડોવ, રોમાનિયામાં ચૂંટણી યોજાવાની છે. તેમાં સમગ્ર દેશના લોકો ભાગ લેશે. ત્યારબાદ યુરોપિયન યુનિયનના 27 સભ્યોની સંસદની પણ ચૂંટણી થવાની છે. તેમાં આ દેશો ઉપરાંત ફ્રાન્સ, જર્મની અને સ્વીડન જેવા દેશો પણ જોડાવાના છે. 

જાણકારોના મતે હાલમાં યુરોપના મોટાભાગના ચૂંટણી ધરાવતા દેશોમાં ખંડિત સરકારો અને ટેકાવાળી સરકારો ચાલે છે. આગામી સમયમાં પણ તેવા જ પરિણામો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સંજોગોમાં તમામ દેશોને તમામ સ્તરે પડકારોનો સામનો કરવો પડે તેમ લાગી રહ્યું છે. આ દેશોની સ્થિતિની અસર સમગ્ર યુરોપ ઉપર અને તેના યુનિયનના તમામ દેશો ઉપર પણ પડવાની છે.

Article Content Image

Article Content Image

Gujarat