For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

World TB Day : સામાન્ય ખાંસીથી કેવી રીતે અલગ હોય છે ટીબી, જાણો શું કહે છે નિષ્ણાતો

ટીબી એક ગંભીર બીમારી છે, જે કોઈને પણ તેની ઝપેટમા લઈ શકે તેવો ચેપી રોગ છે

આ ગંભીર બીમારી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે વિશ્વ ટીબી દિવસ મનાવવામાં આવે છે

Updated: Mar 23rd, 2024

World TB Day : સામાન્ય ખાંસીથી કેવી રીતે અલગ હોય છે ટીબી, જાણો શું કહે છે નિષ્ણાતો
Image Envato 

World TB Day 2024  : ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) અથવા ટીબી એ ગંભીર ચેપી રોગ છે, જે સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. ટીબીનો ઈલાજ શક્ય છે અને તેને અટકાવી શકાય તેવું છે, આ બીમારી એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ જો તેની સમયસર સારવાર લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના કહેવા મુજબ દર વર્ષે લગભગ 10 કરોડ લોકો ટીબીની ઝપેટમાં આવે છે. આટલું જ નહીં દર વર્ષે 15 લાખ લોકો ટીબીની યોગ્ય સમયે સારવાર ન લેવાના કારણે જીવ ગુમાવે છે.

એટલે વિશ્વભરમાં 24 માર્ચના દિવસે 'વિશ્વ ટીબી દિવસ' મનાવાય છે

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 24 માર્ચના દિવસે ' World TB Day' મનાવવામાં આવે છે. ઇ.સ. 1882ના વર્ષમાં 24 માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ટીબી (ક્ષય) રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. તેથી વિશ્વભરમાં 24 માર્ચના દિવસે 'વિશ્વ ટીબી દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ટીબી (ક્ષય)નો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવન કરવાના કારણે થાય છે.

ટીબીની ખાંસી અને સામાન્ય ખાંસીને ઓળખી શકાય છે

આ બીમારી ટીબીના બેક્ટેરિયાના ચેપથી ફેલાય છે. સામાન્ય રીતે લોકો તેને યોગ્ય સમયે ઓળખી શકતા નથી, જેના કારણે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે એક અલગ પ્રકારની ખાંસી ટીબીના ચેપનો સંકેત આપે છે. આવા સમયે તેના પર સાવધાનીપૂર્વક ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેથી આજે આપણે ટીબીની ખાંસી અને સામાન્ય ખાંસી વચ્ચે શું ફરક હોય છે તેના વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ. 

ટીબીની ખાંસી કરતાં સામાન્ય ખાંસી કેવી રીતે અલગ પડે છે?

સામાન્ય ખાંસીમાં ટીબી કેવી રીતે ઓળખી શકાય તેના વિશે ડૉ. વિકાસ કહે છે કે ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની ખાંસીને સામાન્ય ખાંસીને અલગ કરવામાં કેટલાક મહત્વના પરિબળો ભૂમિકા ભજવે છે. ટીબીની ખાંસી સામાન્ય રીતે બે અઠવાડિયાથી વધુ સમય સુધી રહે છે, અને તેમાં મોટાભાગે ગળફામાં કફ બહાર આવે છે, જેમાં ક્યારેક- ક્યારેક લોહી પણ આવતું હોય છે.

ટીબી ખાંસી 

ટીબી ખાંસી ક્યારેક સુકી હોઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે ટીબીના કેટલાક ખાસ અન્ય લક્ષણો સાથે હોય છે. આ લક્ષણોમાં મુખ્યત્વે છાતીમાં દુખાવો થતો હોય છે, જે TB pleurisyની નિશાની છે, જેમાં છાતીના પોલાણના ભાગમાં પ્રવાહી પદાર્થ જમા થઈ જાય છે. આ સાથે વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ પણ પડતી હોય છે. 

ટીબીના અન્ય લક્ષણો

શ્વાસ લેવાની તકલીફ ઉપરાંત ટીબીના અન્ય કેટલાક લક્ષણો જોવા મળે છે.

1. કોઈ પણ કારણ વગર વજન ઘટવું

2. ભૂખ ન લાગવી 

3. તાવ આવવો

4. ખાસ કરીને સાંજે પરસેવો સાથે તાવ આવવો

ટીબીના અન્ય લક્ષણોમાં ખાંસી સાથે આવા લક્ષણો જોવા મળે છે, જેમા વિશેષ રુપે જ્યારે લાંબા સમય સુધી ગળફા સાથે ખાંસી હોય, તો કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તરત જ ટીબીની તપાસ કરાવીને યોગ્ય સારવાર લેવી જોઈએ. 


Gujarat