For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

Updated: May 10th, 2024

આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

Rajkot: વૈશાખ સુદ બીજના ક્ષય સાથે આવતીકાલ તા. 10-5-2024ને શુક્રવારે શુભકાર્યોના પ્રાંરભ માટેનું અક્ષય તૃતીયાનું વણજોયું મુહુર્ત છે. અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવાશે જે માટે ગામેગામ ધર્મોત્સવના આયોજનો થયા છે.

સૌરાષ્ટ્રમાંથી અહેવાલો મૂજબ ઉપલેટામાં સવારે 8 વાગ્યે ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી પૂજનવિધિ બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે જે ગાંધીચોક, ભાદર રોડ સહિત મુખ્યમાર્ગો પર ફરીને બ્રહ્મસમાજની વાડીએ પૂર્ણાહુતિ થશે તેમજ 12.30 કલાકથી સમુહ જ્ઞાાતિ ભોજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સાવરકુંડલામાં પરશુરામ સેના આયોજિત ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે, સાંજે 5 વાગ્યે પૂજન પછી 5.30 વાગ્યે શોભાયાત્રા નીકળશે. અને રાત્રે 8 વાગ્યે કબીર ટેકરી ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિરથી સાંજે શોભાયાત્રા નીકળશે તેમજ ત્રિકોણબાગ, બહુમાળી ભવન ચોક ખાતે પંડાલમાં વિશેષ ઉજવણી થશે. રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી પાસે પરશુરામ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં ભાવિકો ઉમટી પડશે. તો રાજુલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા  વેદમાતા ગાયત્રી મંદિર તળાવ પાસેથી સાંજે 4 વાગ્યે શોભાયાત્રા નીકળશે જે રાજુલાના વિવિધ માર્ગો પર થઈને બ્રહ્મસમાજ ખાતે પહોંચી ત્યાં મહાઆરતીનું આયોજન કરાયું છે તથા બાદમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું છે. આ સિવાય ગોંડલમાં તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાંજે 6 વાગ્યે ભુવનેશ્વરી મંદિર ખાતે  મહાપૂજા, આરતી સહિત આયોજન કરાયું છે. આરતી બાદ બ્રહ્મભોજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

દીવમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે થયેલી બેઠક અન્વયે આજે અજર અમર ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે શહેરના માર્ગો પર શોભાયાત્રી નિકળશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ,તાલુકા કક્ષાએ પરશુરામ ભગવાનના પ્રાગટયદિવસને ઉજવવા તડામાર તૈયારીઓ કરાઈ છે.  બીજી તરફ, અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે અને સવારે સૂર્યોદય બાદ ઉપરાઉપરી ત્રણ સારા મુહુર્ત આવી રહ્યા છે. ઘરે ઘરે આ દિવસે શુભકાર્યોનો પ્રારંભ કરવા માટે તેમજ ધર્મકાર્ય અને પૂણ્ય કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ મનાય છે. 

Article Content Image

Gujarat