For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા, કલેક્ટર લેશે નિર્ણય

Updated: Apr 20th, 2024

સુરતના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા, કલેક્ટર લેશે નિર્ણય

Lok Sabha Elections 2024 : દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને લઈને ઉમેદાવારો પોતાના ફોર્મ ભરી ચૂક્યા છે. ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે. આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર નહતો. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારોના ટેકેદારોના એફિડેવિટ પર પણ સવાલ ઉઠાવાયા છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે. તો ડમી ઉમેદવારની ઉમેદવારી પણ રદ થવાની સંભાવના છે. જોકે, ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

ટેકેદારોનું અપહરણ થયાની કોંગ્રેસની રજૂઆત

કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'ભાજપ દ્વારા ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારોના ફોન બંધ કરી દેવાયા છે. રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરૂભાઈનો સંપ્રક નથી થઈ રહ્યો. મને પણ મીડિયાના માધ્યમથી આ અંગે ખબર પડી છે. મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થઈ હોવાનો આરોપ છે.'

3 ટેકેદારોની ખોટી સહી સામે વાંધો

રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરૂભાઈની સહી સામે વાંધો ઉઠાવાયો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન કર્યાની ફરિયાદ કરી હતી. તેમના ટેકેદાર રાજેશ પાલરાએ કહ્યું કે, 'ફોર્મમાં મારી કોઇ સહી જ નથી.

ફોર્મ રદ કરવા અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો છે. ચાર પૈકી ત્રણ ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવાયો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી કમિશનરને ફરીયાદ કરી હતી. આ મામલાને લઈને કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે. ટેકેદારોએ એવું જણાવ્યું કે, 'સહી તેમની નથી.' તો બીજી તરફ આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું જણાવાય રહ્યું છે. 

સાંજે 4 વાગ્યા સુધીમાં કોંગ્રેસ પાસે જવાબ મંગાવાયો

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મની ચકાસણી દરમિયાન પ્રસ્તાવ કરતા ટેકેદારની સહી અંગે કોઈ સમસ્યાની વાત સામે આવી છે. રિટર્નિંગ ઓફિસરે આ અંગે નોટિસ આપી છે. સાંજે 4 સુધીમાં કોંગ્રેસે જવાબ આપવાનો છે.  4 વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થશે. નિલેશ કુંભાણીના ફોર્મને લઈને કલેક્ટર નિર્ણય લેશે.

કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા કલેક્ટર ઓફિસ

કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદની ચર્ચા વચ્ચે કોંગ્રેસ અને આપના નેતાઓ સુરત કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. ગોપાલ ઈટાલિયા પણ કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. આ સાથે ભાજપ-કોંગ્રેસની લીગલ ટીમના વકીલો ઉપલબ્ધ છે. તો બીજી તરફ સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

મહત્વનું છે કે, છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષના સ્થાને આ વખતે ભાજપે મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીને મેદાને ઉતારાયા છે.

Gujarat