For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં ચાલતા ઈલેક્ટ્રિક વ્હિકલની ચિપ ગુજરાતમાં બની હોય એવો જમાનો આવશેઃ વડાપ્રધાન મોદી

Updated: May 2nd, 2024

ભારતમાં ચાલતા ઈલેક્ટ્રિક વ્હિકલની ચિપ ગુજરાતમાં બની હોય એવો જમાનો આવશેઃ વડાપ્રધાન મોદી

PM Narendra Modi in Gujarat : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આગામી 7 મે 2024ના રોજ રાજ્યમાં લોકસભા અને પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે (2જી મે 2024) આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ચૂંટણી સભા યોજી હતી. ત્યારબાદ હવે તેઓ જામનગર પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું છે.

જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે : વડાપ્રધાન મોદી

જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, 'બધાને થતું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.'

વડાપ્રધાને કહ્યું કે, 'તેમણે (મહારાજા દિગ્વિજય સિંહજીએ) જે બીજ વાવ્યું, તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો મજબૂત છે. જામ સાહેબના પરિવાર સાથે મારો જૂનો નાતો રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે. આજે પણ અહીં આવતા સમયે, તેમના આશીર્વાદ લેવા ગયો અને જ્યારે જામ સાહેબ વિજયી ભવઃ કહે છે, ત્યારે વિજય નક્કી થઈ જાય છે.'

જામનગરના મહારાજાએ પોલેન્ડના નાગરિકોને આશરો આપેલો 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતે હાલમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે, એટલું જ યોગદાન ભૂતકાળમાં પણ અપાયું છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને અહીં આશરો આપ્યો હતો. આજે પણ જ્યારે પોલેન્ડની પાર્લામેન્ટ શરૂ થાય છે, તો સૌથી પહેલા જામનગરનું અને મહારાજા દિગ્વિજય સિંહજીનું સ્મરણ કરવામાં આવે છે, પછી પાર્લામેન્ટ શરૂ થાય છે.

આપણા દેશના રાજા-મહારાજાઓના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય 

આપણા દેશના રાજા-મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓ અને રાજપાટ આપી દીધા હતા. તેમના યોગદાનને આ દેશ ક્યારે નહીં ભૂલી શકે.

ક્ષત્રિયોના બલિદાન સામે મારા મુખ્યમંત્રીપદની કિંમત નથી 

આજે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે. એકવાર મહત્ત્વની ઘટના બની. ભૂચર મોરીની યુદ્ધની વાત. મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, અમે સાહેબ નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો પણ આતો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યાં એવી માન્યતા છે કે, જ્યાં આટલા બધા પાળિયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચર મોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખૂબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મેં વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.

કોંગ્રેસ હાલ બે વ્યૂહનીતિ પર ચૂંટણી લડી રહી છે 

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી હાલ બે વ્યૂહનીતિઓ પર ચૂંટણી લડી રહી છે. જાતિના નામ પર સમાજને વહેંચવો. તૃષ્ટીકરણ દ્વારા વોટ બેંકને એકજુટ કરવી. કોંગ્રેસ પાર્ટી એસસી-એસટી અને ઓબીસીના અનામતને છીનવીને ધર્મના આધાર પર અનામત આપવા માટે બંધારણને બદલવા અને મુસ્લિમોને અનામત આપવાની તૈયારી કરી રહ્યું છે. કુપ્રચારથી શરૂ થયેલી કોંગ્રેસની વ્યૂહનીતિ આજે હતાશાથી ઘેરાઈ ચૂકી છે. એમની જે હતાશા પહેલા ગુજરાતને લઈને હતી, આજે કોંગ્રેસમાં દેશની પ્રગતિને લઈને પણ તે હતાશા છે, એજ નફરત નસેનસમાં ભરેલી પડી છે.'

એક જમાનો આવશે જ્યારે સેમિકન્ડક્ટર ગુજરાતમાં બનશે 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આવનારા દિવસો સ્વર્ણ અક્ષરે લખી રાખજો. વિમાન ગુજરાતમાં બનવાના, ઈલેક્ટ્રિક વ્હિકલ ગુજરાતમાં બનવાના, દુનિયાના ચાર-પાંચ દેશ છે જ્યાં સેમિકન્ડક્ટર છે. આ સેમિકન્ડક્ટર હિન્દુસ્તાનમાં ગુજરાતમાં બનવાના. એક જમાનો આવશે જ્યારે ભારતમાં જે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાલતા હશે ને એની ચિપ ગુજરાતમાં બની હશે.

આજે દુનિયામાં ભારતનું કદ અને સન્માન વધી રહ્યું છે. તો કોંગ્રેસના શાહજાદા અને તેમની ઈકોસિસ્ટમ વિદેશોમાં જઈને ભારતને બદનામ કરવા માટે લાંબા લાંબા ભાષણ આપીને આવે છે.

કોંગ્રેસે જ્યારે સત્તા છોડી, ત્યારે આપણા દેશની અર્થવ્યવસ્થા દુનિયામાં 11માં નંબર પર હતી. દેશ જ્યારે આઝાદ થયો, ત્યારે દેશની અર્થવ્યવસ્થા છઠ્ઠા નંબર પર હતી, ત્યાંથી કોંગ્રેસ 11માં નંબર પર લઈ ગઈ. એક ચા વાળો આવ્યો, તેમની નસોમાં ગુજરાતી લોહી છે. દુનિયામાં 11માં નંબર પર જે અર્થતંત્ર હતું, તે હવે પાંચમા ક્રમે પહોંચી ગયું છે. 

જ્યારે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આવ્યો, ત્યારે મેં દેશને ચેતવ્યો હતો, ખાસ કરીને દેશનો જે વિચારક વર્ગ છે, તેને ઈશારો કર્યો હતો કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ માટે ખતરાની ઘંટી છે. દેશની આઝાદી પહેલા ભારતના ભાગલા માટે જે વર્ણન કરાયું હતું, આજે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તે વાતને લઈને દેશવાસીઓ પાસે મત માગી રહ્યા છે.'

ત્રીજી ટર્મ દરમિયાન જામનગરને નવું અત્યાધુનિક રેલવે સ્ટેશન આપવાની વડાપ્રધાનની જાહેરાત

વડાપ્રધાન મોદીએ જામનગરવાસીઓ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલારની ધરતીને પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ત્યારબાદ છેલ્લા દસ વર્ષના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસની ભેટો આપી છે, ત્યારે જામનગરના રેલવે તંત્રને પણ આધુનિકરણ વિશેની વાત કરી હતી. આઝાદીના સમય કાળ થી ચાલતા લાલ કલરના ટ્રેનના ડબ્બાઓ માંથી પરિવર્તન આવ્યું છે, અને હાલમાં  જામનગર થી અમદાવાદ- સુરત સુધીની વંદે ભારત ટ્રેન ચાલી રહી છે, અને તે ટ્રેન સાથે લોકો રેલવે સ્ટેશન પર જઈને પોતાની સેલ્ફી પણ પડાવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પોતાની આગામી ત્રીજી ટર્મમાં જામનગરને એરપોર્ટ જેવું જ અત્યાધૂનીક નવુ રેલવે સ્ટેશન બનાવી આપવાની પણ મંચ પરથી જાહેરાત કરી હતી. સાથો સાથ સાગરકાંઠા ના  બ્લુ કોરીડર ના સંદર્ભમાં પણ હજુ વધુ વિકાસ કરવાની વાતને દોહરાવી હતી. દ્વારકા-ઓખાથી બેટ ને જોડતા સુદર્શન સેતુ એ વિકાસ ભારતની અમૂલ્ય ભેટ ગણાવી અને દેશ વિદેશના પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાનું જણાવ્યું  હતું.

જામનગરમાં વડાપ્રધાન મોદી જામ સાહેબને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં સભા પહેલા જામ સાહેબને મળ્યા હતા. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીનું હાલારી પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા હતા.

આતંકી એક્સપોર્ટ કરનારો દેશ લોટ માટે તરસે છેઃ આણંદમાં વડાપ્રધાન મોદી 

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદીએ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે 'કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતું, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા. આ ગુજરાતી ચા વાળાએ દેશનું અર્થતંત્ર 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી દીધું છે.' વલ્લભ વિદ્યાનગરમાં ભારે જનમેદની વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માટે તરસે છે.' તો રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે 'પાકિસ્તાનના લોકો શેહજાદાને PM બનાવવા માગે છે. દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયો છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.'

ગુજરાતે મારું પાકું ઘડતર કર્યું, ટપલાં મારી મારી મારીનેઃ સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, 'સાતમી તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. કોંગ્રેસના સમય દરમિયાન થયેલા કોંભાડો યાદ કરો. 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ થયા, જ્યારે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગોટાળા થયા હોય તેવા સમાચાર આવ્યા નથી. કોંગ્રેસ બંધારણમાં કોઈ છેડછાડ નહીં કરે તે લેખિતમાં આપે તેમજ ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપશે નહીં. તેમજ ST, OBCનો અનામતનો અધિકાર છીનવશે નહીં. એટલું જ નહીં, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મતબેંકનું રાજકારણ કરશે નહીં. એસસી, એસટી, ઓબીસી કે પછી બક્ષીપંચના ભાઈઓ અને બહેનોને જે બાબાસાહેબ આંબેડકર દ્વારા અનામત મળી રહ્યું છે તે અનામત ધર્મને આધારે મુસ્લિમો સુધી પહોંચાડવા માંગે છે. મારી શાસકીય કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઈ હતી. મને પહેલીવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યો છે. એટલે હું હંમેશા ગુજરાતનો ઋણી રહીશ. ગુજરાતે મારું પાકું ઘડતર કર્યું છે, ટપલાં મારી મારી મારી ને. ક્યાંય કાચો પડ્યો છું બોલો? ક્યાંય ઉણો ઉતર્યો છું? તમારું માથું ઊંચું રહે એવું કર્યું છે કે નથી કર્યું? છાતી તમારી 56ની થાય એવું કર્યું છે કે નથી કર્યું?'

સરદાર પટેલ ના હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોતઃ જૂનાગઢમાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ આણંદ અને સુરેન્દ્રનગર બાદ સંતો-મહંતો તેમજ નરસિંહ મહેતાની ભૂમી જૂનાગઢમાં સતત ત્રીજી જનસભાને સંબોધી હતી. અહીં તેમણે જય ગિરનારીના નાદ તેમજ સંતો-વડીલોને પ્રણામ કરીને ચૂંટણી સભાની શરુઆત કરી હતી. જૂનાગઢની સભામાં બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે અને મહેનત કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. 2024ની આ ચૂંટણી મારા(મોદી)ના મિશન માટે છે અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય તેમજ દેશને આગળ લઈ જવું એ મારું મિશન છે. કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય ભગવાન રામને હરાવવાનો છે. કોંગ્રેસ લોકશાહી માટે ચૂંટણી નથી લડી રહી, કોંગ્રેસ માટે આ ચૂંટણી ભગવાન પ્રભુ શ્રી રામ સામે લડવાની ચૂંટણી છે. ભગવાન રામને હરાવીને તેઓ કોને જીતવા માગે છે? કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે 75 વર્ષ સુધી બંધારણ ભારતના તમામ ભાગોમાં લાગુ નહોતું. મોદી આવ્યા પહેલા આ દેશમાં બે બંધારણ હતા. બે ધ્વજ અને બે વડાપ્રધાન હતા. આ બંધારણને માથે લઈને નાચતા રાજકુમારોના પરિવારે દેશમાં બંધારણનો અમલ થવા દીધો નથી. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું ન હતું. કલમ 370 હતી. સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા આ પુત્રે તેમને 370 જમીન પર પછાડીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી.'

Gujarat