For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું', સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદના સમાચાર

Updated: Apr 20th, 2024

'જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું', સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદના સમાચાર

Nilesh Kumbhani's Nomination Form Controversy : કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના નિલેશ કુંભાણીને સુરતથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં આવ્યું છે. કારણ કે નિલેશ કુંભાણીના ઉમેદવારોએ અરજી આપીને કહ્યું છે કે ફોર્મમાં અમારી સહી નથી. ત્યારે હવે નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના વકીલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો દાવો કર્યો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે કે નહીં તે માટે આવતીકાલે ચુકાદો આવશે. કલેક્ટરે આવતીકાલે 11 વાગ્યે ચુકાદો આપશે. જો ચુકાદો નિલેશ કુંભાણીના પક્ષમાં નહીં આવે તો તેનું ફોર્મ રદ થઈ શકે છે. જો આવું થાય તો સુરેશ પડસાલાને તક મળશે. સુરેશ પડસાલાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'ફોર્મ રદ કરવાની આજે જાહેરાત નહીં થાય. આવતીકાલે સવારે સુનાવણી થશે.' જણાવી દઈએ કે, નિલેશ કુંભાણીના બનેવી જગદીશ સાવલિયા અને તેમના ભાગીદાર ટેકેદાર હતા.

નિલેશ કુંભાણીએ અચાનક બદલ્યું સ્ટેન્ડ

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ અચાનક સ્ટેન્ડ બદલ્યું છે. નિલેશ કુંભાણીએ કાલ સવાર સુધીમાં ફોર્મ માન્ય થવાનો દાવો કર્યો છે. આ સાથે ટેકેદારોનું અપહરણ ન થયાનો પણ દાવો કર્યો છે. આ અગાઉ નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા ધાક-ધમકી આપીને ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારો હાલ કોંગ્રેસના સંપર્કમાં નથી. ટેકેદારોને શોધીને ચૂંટણી જીતીશું.' પહેલા અપહરણનો આરોપ લગાવ્યો હતો જોકે બાદમાં અપહરણ ન થયું હોવાની વાત કરી છે.

જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું : માંગુકિયા

કોંગ્રેસના સિનિયર વકીલ બાબુ માંગુકિયા સુરત પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, 'અમે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરીશું. જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. ત્રણ ટેકેદારોએ સહી અમારી હાજરીમાં કરી છે. હાલ અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરવા આવ્યા છીએ. અમે છેક સુધી લડીશું. ત્રણેય ટેકેદારોને કલેક્ટર કચેરીમાં હાજર કરવા માટે હાઈકોર્ટથી મંજુરી માંગીશું.'

નિલેશ કુંભાણીની બહેને પોલીસમાં અરજી દાખલ કરી

નિલેશ કુંભાણીના ટેકેદાર જગદીશ સાવલિયા છે, જેઓ તેમના બનેવી છે. ત્યારે હવે જગદીશ સાવલિયા ફરી ગયા છે. તેઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈને હવે નિલેશ કુંભાણીના બહેને જગદીશ સાવલિયાનું ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયાની અરજી દાખલ કરી છે. હાલ ઉમરા પોલીસ સ્ટેશનમાં મોટો ડ્રામા ચાલી રહ્યો છે. કુંભાણીના ટેકેદારોએ સમર્થકો ઝપાઝપી કરી.

ભાજપે ટેકેદારો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાણ લખાવ્યુ : શક્તિસિંહ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'ભાજપે ટેકેદારો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાણ લખાવ્યુ છે. અત્યારે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ માહોલ બનેલો છે ત્યારે એનકેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય તે માટે ભાજપ આવો પ્રયત્ન કરશે તેની અમને દહેશત હતી. એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની અમથી પણ ભુલ ન રહે તેની અમે કાળજી રાખી હતી. તેમ છતા 14 જગ્યાએ ન ઉઠાવી શકાય તેવા વાંધા ઉઠાવ્યા. સુરતમાં અમારા પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો. અને કોંગ્રેસ જીતી જશે જેવી પરિસ્થિતિ લાગી ત્યારે પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી તેમના પાસે એવી એફિડેવીટ કરાવી કે અમે આમા સમર્થન આપતી સહી નથી કરી. કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ તે લોકો જ છે. એકાદો માણસ આમ તેમ કરે તેમ સમજી શકાય ચાર ચાર વ્યક્તિ, ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમી એમ ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચે આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે ભાજપ લોકશાહીને કલંકીત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિનલોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે તે માટે આ કામ કર્યું છે. અમારી લીગલ ટીમ આ જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડશે.

કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો : ગોપાલ ઈટાલિયા

આપ નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, 'અમે કલેક્ટરને રજૂઆત કરી છે. કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે. ટેકેદારો ક્યાં છે તેની કોઈને ખબર નથી. તેને ક્યાં લઈ જવાયા તેની પણ કંઈ ખબર નથી. નિલેશ કુંભાણીના ટેકેદારોના ફોન બંધ આવે છે. તેની કોઈપણ માહિતી નથી. ટેકેદારો પાસે જબરદસ્તી એફિડેવિટ કરાવાઈ છે.'

ચકાસણીના અંતિમ સમયે જ ટેકેદારો શા માટે ફરી ગયા? : નૈષધ દેસાઈ

નવસારી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈએ કહ્યું કે, 'ઓર્ડરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે. કોર્ટ તાત્કાલિક સુનાવણી કરે અને રાત સુધીમાં ઓર્ડર આપે તેવી પ્રાર્થના છે. ઈલેક્શન કમિશન આ બાબતે ન્યાય આપે. ઉમેદવારના ટેકેદારો તરીકે સહી કરનાર વ્યક્તિએ અરજી આપી રહ્યા છે કે આ મારી સહી નથી. તો ડમી ઉમેદવારોના ટેકેદારો પણ કહી રહ્યા છે કે આ અમારી સહી નથી. ચકાસણીના અંતિમ સમયે જ ટેકેદારો શા માટે ફરી ગયા. 'I.N.D.I.A.' ગઠબંધનના કાર્યકર્તાઓએ હે રામ કહીને શહીદ થવું પડશે.'

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે : અસલમ સાયકલવાલા

કોંગ્રેસના સ્થાનિક નેતા અસલમ સાયકલવાલાએ કહ્યું કે, 'રમેશ પોલારા નિલેશ કુંભાણીના ધંધાર્થી ભાગીદાર છે અને જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. તો તેની સહી ખોટી કેવી રીતે હોય શકે? ચકાસણીના અંતિમ સમયે ટેકેદારો કેમ ફરી ગયા?' 

ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે : હરપાલસિંહ ચુડાસમા

ગુજરાત યુથ કોંગ્રેસ નેતા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, 'ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ નહીં થાય. અમારી લીગલ ટીમ સુરત પહોંચી છે.'

3 ટેકેદારોની ખોટી સહી સામે વાંધો

જગદીશ સાવલિયા, ધ્રુવિન ધીરૂભાઈ ધામેલિયા અને રમેશભાઈની સહીને લઈને વિવાદ થયો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન કર્યાની અરજી કરી હતી. તેમના ટેકેદારોએ કહ્યું કે, 'ફોર્મમાં અમારી કોઇ સહી જ નથી.'

ભાજપ ઉમેદવારના એજન્ટે દાખલ કરી હતી વાંધા અરજી

ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને એક પત્ર મોકલીને જણાવ્યું હતું કે, 'ભાજપ ઉમેદવારના એજન્ટે વાંધા અરજી દાખલ કર્યા બાદ તેમના ઉમેદવારીપત્રની દરખાસ્ત કરનાર ત્રણ એજન્ટોને પૂછવામાં આવતાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ પર સહી કરી નથી.'

Gujarat