For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતની પ્રજા સાથે દગો કરનાર કુંભાણીની સંતાકુકડી, રાતે અચાનક દેખાયા સવારે પાછા ગુમ!

Updated: May 2nd, 2024

સુરતની પ્રજા સાથે દગો કરનાર કુંભાણીની સંતાકુકડી, રાતે અચાનક દેખાયા સવારે પાછા ગુમ!

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વીડિયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જો કે,  ગઈકાલે (પહેલી મે) રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા અને સવારે પત્રકાર પરિષદની જાહેરાત કરી હતી, પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા છે જેના કારણે ફરીથી અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. 

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ કરતા કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થયાં હતા. ત્યારબાદ ચૂંટણી મેદાનમાં રહેલા તમામ ઉમેદવારો ખસી જતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. ત્યારબાદ કોંગ્રેસે કોર્ટમાં એફિડેવિટ કરવાની વાત કરી હતી. પરંતુ ત્યાર બાદ નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા અને કોંગ્રેસે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. 

કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

26મી એપ્રિલે સાંજે વીડિયો મારફતે કુંભાણી અચાનક પ્રગટ થયા બાદ ગઈકાલે (પહેલી મે) રાત્રે તેઓ પોલીસ બંદોબસ્ત સાથે  ઘરે પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અને આપના નેતાઓએ કુંભાણી સામે આક્રોશ ઠાલવ્યો હતો જેના કારણે તેમના ઘરે કોઈ આક્રમક વિરોધ ન થાય તે માટે કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. આ ઉપરાંત કુંભાણીએ પત્રકાર પરિષદની જાહેરાત કરી હતી, પરંતુ કુંભાણીની તબિયત ખરાબ હોવાથી પત્રકાર પરિષદ રદ કરવાની વાત કરી હતી. કુંભાણી સુરત આવ્યા બાદ ફરીથી અચાનક ગાયબ થતા સુરતના રાજકારણમાં ફરીથી ગરમાટો આવી ગયો છે.

Gujarat