For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ભાજપના જેવા કામ ટીવી પર બતાવાય છે તેવું રિયલમાં થયું નથી..' ગુજરાતથી પ્રિયંકા ગાંધી ગર્જ્યા

Updated: Apr 27th, 2024

'ભાજપના જેવા કામ ટીવી પર બતાવાય છે તેવું રિયલમાં થયું નથી..' ગુજરાતથી પ્રિયંકા ગાંધી ગર્જ્યા

Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને દરેક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ આજે (27મી એપ્રિલ)  વલસાડ લોકસભા બેઠકથી ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં જાહેર સભા સંબોધી.

પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર

ધરમપુરમાં જાહેર સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એક તીર એક કમાન, આદિવાસીઓ એક સમાન. આદિવાસીઓની જ્યાં વધારે સંખ્યા છે એને અમે અનુસુચિત ક્ષેત્ર જાહેર કરીશું, જેથી તમને વધારે લાભ મળી શકે. તમે બધા જોઈ રહ્યા છો, તમારી જોડે અન્યાય થઇ રહ્યો છે, એટલે રાહુલજીએ ન્યાય યાત્રા શરૂ કરી' તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, 'સરકારે મોટા મોટા દાવા કર્યા પણ કઈ થયું નહીં. 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકારના કામ ટીવી પર દેખાઇ રહ્યા છે, એવું કઈ રિયલમાં થયું નથી.'

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.'

વલસાડ બેઠક પર 'પટેલ' V/S 'પટેલ'ની સીધી ટક્કર 

વલસાડ બેઠકથી ભાજપે ધવલ પટેલને મદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. બંને ઉમેદવારો આદિવાસીના પ્રશ્નોને સમજવાનો અને ઉકેલવાનો દાવો કરે છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠક અંગે એવી માન્યતા પણ છે કે વલસાડ બેઠક પરથી જે ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીતે છે તેના પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. આ જ કારણ છે કે ગુજરાત સહિત દેશભરના નેતાઓની નજર આ બેઠક પર રહે છે.

Gujarat