For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપના કાર્પેટ બોમ્બિંગના જવાબમાં કોંગ્રેસનો મેગાપ્લાન: રાહુલ-પ્રિયંકા ગાંધીની સાથે આ નેતાઓ કરશે પ્રચાર

Updated: Apr 25th, 2024

ભાજપના કાર્પેટ બોમ્બિંગના જવાબમાં કોંગ્રેસનો મેગાપ્લાન: રાહુલ-પ્રિયંકા ગાંધીની સાથે આ નેતાઓ કરશે પ્રચાર

Lok Sabha Election 2024: દેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે અને દરેક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે. આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં CWCની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે પીએમ મોદીની અડધો ડઝન રેલીઓ સાથે તમામ અન્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. પાર્ટીએ આને કાર્પેટ બોમ્બિંગ નામ આપ્યું છે.

સિંઘવી અમદાવાદમાં કરશે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપરાંત પાર્ટીના પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક પણ ગુજરાતના પ્રવાસે આવશે. અભિષેક મનુ સિંઘવી 28 એપ્રિલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ બે નેતાઓ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરશે. લાંબા ઉપરાંત પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને પવન ખેડા પણ ગુજરાતમાં કોંગ્રેસ માટે મત માંગશે.

કન્હૈયા કુમાર પણ કરશે મુલાકાત

કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા 27 મેથી 5 મે સુધીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એક-એક જાહેર સભાનો ઉલ્લેખ છે. પાર્ટીના આ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના યુવા ચહેરાઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તેમાં કન્હૈયા કુમાર, ઈમરાન પ્રતાપગઢી, બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે પબ્લિક મીટિંગ કરશે. ગુજરાતમાં કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સુરત બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ 23 બેઠકો પર જીત માટે જોરશોરથી પ્રચાર કરશે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠકો આમ આદમી પાર્ટી માટે છોડી છે.

Gujarat