For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'રૂપાલા ચૂંટણી નહીં લડે તો પણ અમે મત નહીં આપીએ', ભાજપની અપીલ મુદ્દે ક્ષત્રિયોનું નિવેદન

Updated: May 5th, 2024

'રૂપાલા ચૂંટણી નહીં લડે તો પણ અમે મત નહીં આપીએ', ભાજપની અપીલ મુદ્દે ક્ષત્રિયોનું નિવેદન

Parshottam Rupala row : ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. બીજી તરફ રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત્ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રેલી, ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજીને ભાજપને મત ન આપવા માટેની અપીલ કરાઈ રહી છે. આ વચ્ચે ભાજપ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરાઈ છે, જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ માફી આપવાની વાત કરી છે. ક્ષત્રિય સમાજને ઉદારતા દાખવવા ભાજપે અપીલ કરી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદન પર માફી આપીને ભાજપને સમર્થન કરવાની પણ વાત કરાઈ છે. પરંતુ હવે આ અંગે ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ભાજપની પ્રેસનોટ અંગે ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા

અમદાવાદ ખાતે આજે (5 મે) ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, 'ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા રૂપાલાને માફ કરવા અને ભાજપના વિરૂદ્ધમાં મતદાન ન કરવા વિનંતી કરાઈ છે. રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યા ત્યારે આ ક્ષત્રિય નેતાઓ ક્યાં હતા? અને અમને સૌથી વધારે એ વાતનું દુઃખ છે કે આવા સમયે સમાજનો સાથ દેવા ભાજપના એકપણ ક્ષત્રિય નેતાઓ આગળ ન આવ્યા. આજે ભાજપ દ્વારા કરાયેલી પ્રેસનોટની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી. ભાજપની ભગિની સંસ્થા દ્વારા એક પત્રિકા ફેરવવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રહિત માટે ભાજપને સમર્થનની વાત કરાઈ છે તેથી અમે જણાવી દઈએ કે, અમને અને જનતાને ખબર છે કે રાષ્ટ્રહિત અને દેશહિત શું છે.'

વડાપ્રધાન મોદીની સભા દરમિયાન વિરોધ ન કરવા વિનંતી કરી તે અમે નિભાવી : કરણસિંહ

વડાપ્રધાન મોદીની ગુજરાતની ચૂંટણી સભાઓ અંગે કરણસિંહ ચાવડાએ કહ્યું કે, 'જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા ત્યારે તેમણે અમને વિરોધ ન કરવા માટે અપીલ કરી હતી. અને અમે પણ આ મામલે એક પત્ર બહાર પાડીને વિરોધ નહીં કરવામાં આવે તેવું પણ કહ્યું હતું. અમે વિરોધ ન કરીને તે વિનંતીને નિભાવી છે.'

કનુ દેસાઈના નિવેદનને ક્ષત્રિય સમાજ વખોડે છે : કરણસિંહ

કોળી સમાજ અંગે ભાજપ નેતા કનુ દેસાઈએ કરેલા નિવેદન અંગે કરણસિંહ ચાવડાએ કહ્યું કે, 'હમણાં ભાજપના એક નેતાએ કોળી સમાજને લઈને નિવેદન આપ્યું હતું. રાજ્ય સરકારના સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજનું અપમાન કરાયું. તેમણે એક વાક્યરચના કહીને મજાક ઉડાવી. જેને લઈને ભાજપમાંથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોળી સમાજ અંગેના આ નિવેદનને ક્ષત્રિય સમાજ વખોડે છે.'

ભાજપ ગુજરાતમાં 10 બેઠકો હારી રહી છે : કરણસિંહ

કરણસિંહ ચાવડાએ કહ્યું કે, 'જ્યાં સુધી રૂપાલાને કોઈપણ પ્રકારના ભાજપના હોદ્દા પર રાખવામાં આવશે ત્યાં સુધી વિરોધ કરાશે. સરકારે અમારી અસ્મિતાને યોગ્ય પ્રત્યુતર આપ્યો નથી. એટલે તમે એવું ન માની લો કે લોકસભા સુધી. જો લોકસભામાં અમે 8 થી 12 બેઠકો પર ડેમેજ કરતા હોઈએ. તો તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં શું સ્થિતિ થશે તે ભાજપ સારી રીતે જાણે છે. એટલા માટે ભાજપ દરરોજ નવા નવા કીમિયા લાવશે. ભાજપની માફી અમને સ્વીકાર્ય નથી. ભાજપ ગુજરાતમાં 10 બેઠકો પર હારી રહી છે.

7 તારીખે ભાજપના વિરોધમાં મતદાન કરીશું: કરણસિંહ

કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું કે, 'આપણે નક્કી કરેલું છે કે આગામી 7 તારીખે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતાની લડાઈ ચાલી રહી છે. આ બધા નિવેદનો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે તે ખુબ વિલંબથી કરાયા છે. તેનો સમય પૂરો થઈ ગયો છે. અમે 7મી તારીખે ભાજપના વિરોધમાં ઊંચામાં ઊંચુ મતદાન કરીશું. તમામ સમાજોને સાથે રાખીને અમે મતદાન કરવાના છીએ. રૂપાલા ચૂંટણીના એક દિવસ પહેલા મીડિયા સામે આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરે તો પણ ક્ષત્રિય સમાજ મુંઝવણમાં ન રહે આપણે 7 તારીખે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાનું છે. ભાજપે એક વ્યક્તિને મહત્વ આપ્યું અને ગુજરાતમાં તેનું પરિણામ જોઈ શકો છો. તો હવે અમે માત્ર મત એજ શસ્ત્રનો ઉપયોગ કરીને ભાજપને હરવીશું.'

કારડીયા રાજપૂત સમાજના આગેવાનોને ધાક ધમકી આપી હોય શકે : કરણસિંહ

કારડીયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરાયો છે. ત્યારે આ અંગે કરણસિંહ ચાવડાએ કહ્યું કે, 'કારડીયા રાજપૂત સમાજે ભાજપને સમર્થન આપ્યું છે, પરંતુ તેમને ધાક ધમકી આપી હોય શકે છે. આ મામલે કારડીયા રાજપૂત સમજે તો પહેલા જ અમને સમર્થન આપ્યું છે. તેથી અમને શંકા છે કે ઘણા આગેવાનોને ડરાવીને આવું જાહેર કરાવ્યું હોય શકે.'

ક્ષત્રિય સમાજને વિનંતી કરતી પ્રેસનોટ ભાજપ દ્વારા કરાઈ જાહેર

ક્ષત્રિય અસ્મિતા સંમેલન કરીને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને મત ન આપવા માટેની અપીલ કરાઈ રહી છે. ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિએ પણ ભાજપનો વિરોધ કરવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેવામાં હવે ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રેસનોટ જારી કરીને રાજપૂત સમાજના લોકોને રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરી છે. પ્રેસનોટમાં 'ક્ષમા વીરસ્ય ભૂષણમ'ના ક્ષાત્રધર્મનું પાલન કરીને ભાજપને સમર્થન જાહેર કરી મત આપવા માટેની અપીલ કરવામાં આવી છે.

ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા. કિરીટસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સી.કે. રાઉલજી, અરુણસિંહ રાણા, વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક સંયુકત નિવેદન આપીને ક્ષત્રિય સમાજને વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 હટાવવામાં આવી છે અને હવે ભારત 'વિશ્વગુરુ' બનવા તરફ જઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવામાં આવે તેવી સમાજને અપીલ છે.

Article Content Image

Article Content Image

Article Content Image

Gujarat