For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે પિસ્તોલ અને 13 કારતૂસ... સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં ઉપયોગ થયેલા હથિયાર તાપી નદીમાંથી મળી આવ્યા

Updated: Apr 23rd, 2024

બે પિસ્તોલ અને 13 કારતૂસ... સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં ઉપયોગ થયેલા હથિયાર તાપી નદીમાંથી મળી આવ્યા

Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર શોધી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને 13 જેટલી કારતૂસ શોધી કાઢી છે. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ એજ હથિયાર છે, જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાનના ઘર પર થયેલા ફાયરિંગમાં લેવાયા હતા.

મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતોની પોલીસે ભુજથી ધરપકડ કરી હતી. ત્યારબાદ સોમવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકેલી પિસ્તોલ શોધવા પોતાની ટીમ અને મરજીવાઓ પહોંચી હતી. જોકે, મોડીસાંજ સુધી કશું હાથ લાગ્યું નહોતું. પરંતુ આજે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

તાપી નદીમાંથી કયા કયા હથિયાર મળી આવ્યા?

  • પિસ્તોલ - 2 
  • મેગઝીન - 3
  • કારતૂસ - 13

આરોપીઓએ પિસ્તોલ તાપી નદીમાં ફેંકી હોવાની કરી હતી કબૂલાત

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતો વિક્કી ગુપ્તા અને સાગર પાલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કચ્છ ખાતેથી ઝડપી લીધા બાદ પુછપરછ કરતા બંનેએ ફાયરીંગ માટે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે મુંબઈથી કચ્છ જતી વેળા સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજના રેલવે ટ્રેક પરથી તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર દયા નાયક પોતાની ટીમ અને મરજીવાઓ લઈને સોમવારથી સુરત આવ્યા હતા.

Article Content Image

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસે કરી મદદ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની મદદ મેળવી એક આરોપીને સાથે રાખી રેલવે બ્રિજ, તાપી નદી અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નદીમાં તપાસ માટે મરજીવાઓને પણ પોતાની સાથે લાવી હતી. તેમણે તાપી નદીમાં કલાકો સુધી તપાસ કરી હતી.

Gujarat